ETV Bharat / state

સુરતના ઓલપાડ અને માંગરોળમાં ભારે વરસાદથી ખેતરોમાં નદીના પાણી ભરાયા, ખેડૂતોની હાલત કફોડી

author img

By

Published : Aug 25, 2020, 6:02 PM IST

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદે જમાવટ કરતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. સાથે સાથે ભારે વરસાદ વરસતા ખેતીને નુકસાન પણ પહોચ્યું છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેતીના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કીમ નદીમાં ઘોડાપુર આવતા ખેતીના પાકોને ઘણું નુકસાન થયું છે.

સુરત: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના કીમ નદીના કિનારે આવેલા ગામના ખેતરમાં કીમ નદીના પાણી ફરી વળતા ખેતીનો પાક નાશ થયો છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે છેલ્લા 10 દિવસથી કીમ નદીનું પાણી ભરાઇ ગયું છે.

સુરતના ઓલપાડ અને માંગરોળમાં ભારે વરસાદથી ખેતરોમાં નદીના પાણી ભરાયા

ખેડૂતોના ખેતર જવાના રસ્તા પર ગળાડૂબ પાણી ભરાઇ જવાના પગલે ખેડૂતો ખેતરે પણ જઈ શકતા નથી અને ખેડૂતોના ખેતરોમાં પણ કમર જેટલા પાણી ભરાતા સંપૂર્ણ પાકોનો નાશ થયો છે. તો આ સાથે જ કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા છે.ઐતિહાસિક દ્રષ્ટિએ ઉમરાછી ગામ ઘણું મહત્વનું ગામ છે.1930માં ગાંધીજીએ જ્યારે દાંડીકુચ કરી હતી તે દરમિયાન ગાંધીજીએ કીમ નદી પર વાંસનો પૂલ બાંધી કીમ નદી પાર કરી હતી અને આ ઉમરાછી ગામે પડાવ રાખી રાતવાસો કર્યો હતો.

ઐતિહાસિક દ્રષ્ટીએ મહત્વ ધરવતા આ ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેડૂતોના શાકભાજી,શેરડી અને ગુલાબ જેવા પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કીમ નદીએ ઉમરાછી ગામે તારાજી સર્જી ખેડૂતોના પાકને નેસ્તનાબૂદ કરી નાખ્યો છે.ઉમરાછી ગામની 50 હેકટર જમીનના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે.પાકોનો નાશ થતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.ખેડૂતોની હાલત કફોડી બની છે.દેવું કરી બિયારણ લાવી વાવણી કરતા ખેડૂતોના પાક નેસ્તનાબૂદ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.દેવાદાર બની ગયેલો ખેડૂત સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.


છેલ્લા 10 દિવસથી ઉમરાછી ગામમાં કીમ નદીના પાણીનો ભરાવો યથાવત છે.ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે,કે કાંઠા વિસ્તારમાં આવેલા ઝીંગાના તળાવોને કારણે વરસાદ બંધ થયાના 10 દિવસ બાદ પણ ગામમાંથી પાણી ઓસરી રહ્યા નથી.કાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગાના તળાવોને ઉમરાછી ગામના ખેડૂતો માટે માથાનો દુઃખાવો બન્યા છે.

અત્રે ઉલ્લખેનીય છે કે, ગયા વર્ષે પણ લીલા દુકાળની પરિસ્થિતિ નિર્માણ પામતા ખેડૂતો દેવદાર બન્યા હતા,ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું.ત્યારબાદ લોકડાઉન અને કોરોના મહામારીને કારણે પણ ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.આમ તો ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે અને દેશના વિકાસમાં 70 ટકા ભાગ ખેડૂતો ભજવે છે,પરંતુ કોઈ પણ પરિસ્થિતિ હોય કોરોનાનું લોકડાઉન હોય કે પછી લીલો દુકાળ હોય ખેડૂતો જ આવી પરિસ્થિતિનો ભોગ બને છે અને ખેડૂતોને જ નુકસાન વેઠવાનો વારો આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય તો આપવામાં આવે છે, પરંતુ કેટલાક ખેડૂતો પાસે સહાય પહોંચે છે તો કેટલાકની પાસે આ સહાય નથી પહોંચતી.

સરકાર ખેડૂતલક્ષી બજેટ બહાર તો પાડે છે, પરંતુ સરકારે ખેડૂતો માટે ચોક્કસ રણનીતિ ઘડી ખેડૂતો માટે કામ કરવાની જરૂર છે.ખેડૂતલક્ષી બજેટ બહાર પાડ્યા બાદ અને ખેડૂતોને સહાય આપ્યા બાદ ખેડૂતો સુધી સહાય પહોંચે છે કે, નહી અથવા તો બહાર પાડેલા બજેટથી ખેડૂતોને કોઈ ફાયદો થાય છે કે નહીં તેના પર સર્વે કરવાની જરૂર છે. ત્યારે જ દેશની અર્થવ્યવસ્થામાં 70 ટકા ભાગ ભજવતો ખેડૂત સક્ષમ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.