ETV Bharat / state

કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ

author img

By

Published : Apr 8, 2021, 12:09 PM IST

કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ

સુરત જિલ્લાના કડોદ અને માંડવી બાદ કામરેજ તાલુકાના દિગસ ગામના લોકોએ પણ સ્વયંભૂ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. ગામમાં વધી રહેલા કોરોના કેસોને કારણે તકેદારીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

  • કડોદ અને માંડવી બાદ દિગસ ગામના લોકોનો નિર્ણય
  • લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ
  • 15 દિવસ માટે જાહેર કરાયું લોકડાઉન

સુરતઃ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરત જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર ફરી એક વખત સ્વૈચ્છિક લોકડાઉન તરફ જઈ રહ્યો છે. સરકારને માત્ર શહેરોના લોકોની જ ચિંતા હોય તેવું લાગી રહ્યું હોવાથી ગ્રામજનો હવે જાતે જ પોતાનો રસ્તો કાઢી રહ્યા છે. જિલ્લાના કેટલાક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરી દીધું છે. ત્યારે કામરેજ તાલુકાના દિગસમાં પણ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ગ્રામજનોએ પત્રિકા અને બેનર મારફતે લોકોને કામ વગર બહાર ન નીકળવાની પણ અપીલ કરી છે.

કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
  • ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની સ્થિતિ ભયજનક

સુરત શહેરની સાથે-સાથે જિલ્લામાં પણ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે સંક્રમણને રોકવા માટે માત્ર 20 શહેરોમાં રાત્રી કરફ્યૂ લગાવી દીધો છે. પણ જે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધુ ઝડપથી પ્રસરી રહ્યું છે તેને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરીએ તો અહીં ગ્રામ્ય વિસ્તારમાં રોજના સત્તાવાર 170થી વધુ પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. જ્યારે બિનસત્તાવાર મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે તેમ છતાં એક પણ મૃત્યુ સરકારી આંકડામાં બતાવવામાં આવતું નથી.

આ પણ વાંચોઃ ખેડાના નડિયાદ અને કપડવંજમાં બપોરે 4 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન

  • ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ

કોરોનાને લીધે ગ્રામ્ય વિસ્તારના લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે. સુરત જિલ્લાના માંડવી નગર ઉપરાંત બારડોલી તાલુકાના કડોદ ગામમાં વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. ગામમાં બપોર બાદ દુકાનો અને બજારો બંધ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

  • પત્રિકા અને બેનર દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઇ

કામરેજ તાલુકાના દિગસ ગામે પણ 15 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કર્યું છે. ગામમાં બેનર લગાવી તેમજ પત્રિકા ફરતી કરી 15 દિવસ સુધી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમજ બહારની વ્યક્તિઓને પણ ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગામ આગેવાનોએ તમામ ધાર્મિક સ્થાન પણ પંદર દિવસ માટે બંધ કરી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.