Rajkot murder case: રાજકોટમાં દિવાળીની રાતે બે હત્યા, એક યુવકની ફટકડા ફોડવાની બાબતમાં અને એકની પૈસાની લેતી-દેતીમાં હત્યા

Rajkot murder case: રાજકોટમાં દિવાળીની રાતે બે હત્યા, એક યુવકની ફટકડા ફોડવાની બાબતમાં અને એકની પૈસાની લેતી-દેતીમાં હત્યા
એક તરફ દિવાળીના પર્વનો ઉમંગ, ઉત્સાહ અને ઉજવણી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ રાજકોટમાં દિવાળીની રાતે બે-બે હત્યાના બનાવ સામે આવ્યા છે. નજીવી બાબતમાં અલગ-અલગ જગ્યાએ બે યુવાનોની હત્યા નીજવામાં આવી છે. ત્યારે દિવાળીની રાતે બે હત્યાના બનાવે પોલીસને પણ દોડતી કરી દીધી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રાજકોટઃ દિવાળીની રાતે મોટાભાગના લોકો ફટાકડા ફોડવામાં અને દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હતા એવામાં શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે કુવાડવાના પીપળીયા વિસ્તારમાં ઉત્તરપ્રદેશના વતની એવા રાજેન્દ્ર પાંડે નામના યુવાનની પૈસાની લેતી દેતી મામલે ઓડિશાના પ્રશાંત અને ચિંપુ નામના શખ્સો દ્વારા પથ્થરના ઘા જીકીને હત્યા કરવામાં આવી છે. જ્યારે યુવાનની હત્યાનો બનાવ સામે આવતા કુવાડવા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ફટાકડા ફોડવા બાબતે હત્યાઃ બીજા બનાવની વાત કરવામાં આવે તો શહેરના પાંજરાપોળ વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે સાગર ગઢવી નામના યુવાન ઉપર શુભમ, કરણ રીબડીયા અને કરણ ઝિંઝુવાડીયા નામના ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં સાગર ગઢવી નામનો યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે.
દિવાળીની રાતે પોલીસ દોડતી રહીઃ દિવાળીના પર્વ નિમિત્તે તમામ લોકો ફટાકડા ફોડીને ઉત્સવ મનાવી રહ્યા હતા. એવામાં રાજકોટમાં બે અલગ અલગ સ્થળે હત્યાના બનાવ સામે આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ આખી રાત દોડતી રહી હતી. જોકે આ મામલે હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. પરંતુ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના વિકાસની સાથે તેની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં હવે ગુનાખોરી બેફામ બની હોય તેમ તહેવારો નિમિત્તે પણ હત્યાના બનાવો સામાન્ય થઈ ગયા હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.
