ETV Bharat / state

રાજકોટમાં ચાલુ વર્ષે કેટલા રસ્તા તૂટ્યા એની કોર્પોરેશન પાસે માહિતી નથી, હજુ સર્વે શરૂ

author img

By

Published : Aug 29, 2020, 10:56 PM IST

rajkot road report
રાજકોટમાં ચાલુ વર્ષે કેટલા રસ્તા તૂટ્યા એની કોર્પોરેશન પાસે માહિતી નથી

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને પગલે રોડની હાલત બિસ્માર બની છે. જેને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં રોડની હાલત દયનીય બની છે અને એના કરતા પણ દયનીય હાલતમાં છે રાજકોટની જનતા. આવો જાણીએ રાજકોટના રસ્તાની પરિસ્થિતિનો અહેવાલ...

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દર વર્ષે મનપા દ્વારા નવા રોડ બનાવવા માટે કોરોડો રૂપિયાનું બજેટ ફળવામાં આવે છે. જે રોડ બની જાય છે. તે ફરી એક જ વરસાદમાં તૂટી જતા હોય છે અથવા રસ્તા પર મસમોટા ગાબડા પડી જતા હોય છે.

આ વર્ષે પણ રાજકોટના મુખ્ય માર્ગો ગણાતા એવા ગોંડલ રોડ, મોરબી રોડ, ઢેબર રોડ અને 150 ફૂટ રિંગરોડ પર પણ મસમોટા ગાબડા પડી ગયા છે. જ્યારે કેટલાક રસ્તાઓ તો તૂટી ગયા છે. તૂટેલા રોડ રસ્તાઓના કારણે રાજકોટવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

રાજકોટમાં ચાલુ વર્ષે કેટલા રસ્તા તૂટ્યા એની કોર્પોરેશન પાસે માહિતી નથી

આ અંગે ETV BHARATને વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન હજૂ સત્તાવાર આંકડા જાહેર કરી શક્યું નથી કે, ચાલુ વર્ષે કેટલા રોડ તૂટી ગયા છે. જ્યારે ગત વર્ષે અંદાજીત રૂપિયા 51 કરોડના રોડ તૂટ્યા હતા અને બજેટમાં આ રસ્તાઓના સમારકામ માટે રૂપિયા 38 કરોડ ફાળવાયા હતા, પરંતુ ચાલુ વર્ષે પણ આ જ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ ગત જનરલ બોર્ડમાં રોડ રસ્તા મામલે મનપાના શાસક પક્ષને સવાલો પૂછ્યા હતા, પરંતુ તેમના દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યા હતા નહીં.

રાજકોટના સ્થાનિક રાજુ જુન્જાએ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષને દોષ દેતા જણાવ્યું હતું કે, હાલ ભાજપની સતા હોય, તે પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપી રહી નથી. આજે મોટાભાગના વિસ્તારોમાં માત્ર એક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પણ તૂટી ગયા છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદકી થાય છે અને રોગચાળો ફેલાય છે.

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટમાં ગત વર્ષે બનાવવામાં આવેલા રસ્તાઓ હજૂ સુધી તૂટ્યા નથી. હાલ જૂના રસ્તાનો સર્વે ચાલી રહ્યો છે અને સર્વે થયા બાદ કુલ કેટલા રોડ તૂટ્યા છે તેની વિગતો સામે આવશે. આ સાથે જે પણ રસ્તાઓ તૂટ્યા છે, તેનું ચોમાસા બાદ સ્મારકામ અથવા મેટલિંગ કામ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.