રાજકોટઃ હિન્દી કોમેડી ફિલ્મ 'ધમાલ'માં કલાકાર સંજય મિશ્રાએ એક ડાકુનો રોલ કર્યો હતો. તેમાં તેના સાથીઓ અને તે પોતે પણ હંમેશા એક વાત કહેતા હતા કે, આતંક કા દૂસરા નામ બાબુભાઈ. આવો જ એક ડાયલોગ ફિટ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર. એટલે કહી શકાય કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીજું નામ વિવાદોનું હબ. કારણ કે, આ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્યએ યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો Saurashtra University: વિદ્યાધામ કે મહેફિલનો અડ્ડો? કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલ મળી
કુલપતિ દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરાયા: ક્લાધર આર્યઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ ક્લાધર આર્યની નિમણૂકને ગેરકાયદેસર ઠેરવી હતી. ત્યારબાદ આ મામલે વિવાદ વકર્યો હતો. તેને લઈને ક્લાધર આર્યએ પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભિમાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ણાવ્યું હતું કે, ગિરીશ ભીમાણીએ ષડયંત્ર કરી અરજી ઉભી કરી અને ત્યારબાદ આ અરજીના આધારે મારી નિમણૂક ગેરલાયક ઠેરવી છે. જ્યારે જે વ્યક્તિના નામની અરજી કરી છે તેવું કોઈ નામનું છે નહીં અને અરજીમાં એડ્રેસ પણ ખોટું છે.
ફોજદારી કેસ કરવાની કાર્યવાહી કરીશઃ આ અંગે ક્લાધર આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, હું આ મામલે ઈન્ચાર્જ કુલપતિ વિરુદ્ધ ફોજદારી કેસ કરીશ. આ માટે હું મારા વકીલની સલાહ લઈ રહ્યો છે. જ્યારે તેમની વિરુદ્ધ બોગસ દસ્તાવેજ, છેતરપિંડી સહિતની કલમો પણ ઉમેરીશ. તેમણે યુનિવર્સિટી પર આક્ષેપ કર્યો હતો કે, પાનના ગલ્લા કરતા પણ નાની જગ્યાઓમાં કૉલેજોની મંજૂરી આપવામાં આવી છે. ગિરીશ ભીમાણી પોતાના કર્મચારીઓ સાથે પણ અપશબ્દોની ભાષામાં વાતો કરે છે.
યુનિ.ના વિભાગો પાસેથી અહેવાલ મગાવ્યો હતોઃ જે અરજીમાં નામ હોય તે વ્યક્તિનું સરનામું હોય તેના આધારે યુનિવર્સિટી દ્વારા હકીકતલક્ષી અહેવાલ મગાવતી હોય છે. જ્યારે ક્લાધર આર્યની નિમણૂક મામલે પણ ગામ અને નામ સાથેની અરજી આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના વિવિધ વિભાગો પાસેથી આ બાબતનો વિગતવાર હકીકતલક્ષી અહેવાલ મગાવ્યો હતો. તેમાં વાત સામે આવી હતી કે, જે વિષયમાં તેઓની નિમણૂક કરવામાં આવી છે. તે વિષયમાં તેઓની તજજ્ઞતા ક્યાંય દેખાતી નહોતી. આને લઈને યુનિવર્સિટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે તેઓ ફોજદારી કાર્યવાહી કરશે તેનો જવાબ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે.
તબલા વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે કરાઈ હતી નિમણૂકઃ ઉલ્લેખનીય છે કે, ક્લાધર આર્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તબલા વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકેની નિમણૂક જેતે સમયના તત્કાલીન કુલપતિ દ્વારા કાયદેસરની નિમણૂક આપવામાં આવી હતી. ત્યારબાદ ક્લાધર આર્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ અચાનક યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ ક્લાધર આર્યની તબલા વિષયની અભ્યાસ સમિતિના સભ્ય પદની નિમણૂકને ગેરલાયક ઠેરવીને તેમને સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હતા. આના કારણે તેમની સિન્ડિકેટ સભ્ય પદ આપોઆપ રદ થઈ જાય છે.