રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક કૌભાંડો અને વિવાદો અગાઉ પણ સામે આવ્યા હતા. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વડા એવા મનોજ જોશીએ કટાક્ષ કરીને એક કવિતા લખી હતી. જ્યારે મનોજ જોશી દ્વારા કવિતા લખવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયલ મીડિયા ગ્રુપમાં તે વાયરલ કરવામાં આવી હતી.
"સમગ્ર ઘટનાને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રોફેસર મનોજ જોશીએ ખુલાસો કર્યો હતો કે આ કવિતા મેં કોઈ પણ સંસ્થા માટે લખી નહોતી. તેમજ જો આ કવિતાથી કોઈ પણ સંસ્થા અથવા કોઈ વ્યક્તિનું લાગણી દુભાઈ હોય તો હું તેમની માફી માંગુ છું. જ્યારે મનોજ જોશીએ કવિતા મામલે માફી પણ માંગી હતી. જેને લઈને તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરત ફરજ ઉપર લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 3 જુલાઈના રોજ પ્રોફેસર મનોજ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા"-- ડો. ભીમેશ ગિરીશ ભીમાણી (યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ)
સસ્પેન્ડ કરવામાં આવ્યા: જેને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો હતો. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરીશ ભીમાણી દ્વારા કવિતા લખવા મામલે ગુજરાતી ભવનના વડા પ્રોફેસર મનોજ જોશીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. જ્યારે હવે તપાસ પૂર્ણ થયા બાદ ફરી પ્રોફેસર મનોજ જોશીને ફરજ ઉપર લેવામાં આવ્યા છે.
આ હતા કવિતાના શબ્દો
રોજરોજ કૌભાંડ જ આવે,
બોલ ભાઈ ભજિયા શેં ભાવે
કોઈ ફસાયા કેસ મહીં તો કોઈ થયા સસ્પેન્ડ
થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ
રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ
ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ
સમીર એટલે હવા અને એ ઊડી ગયો પરદેસ
કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ
ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન
કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી
એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી
બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી
શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી
સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી
હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી
મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ, શરમ ના આવે?
બધા મોરચે થયો વિફળ ને તો પણ ભજિયા ભાવે?