- પશુઓને કાનમાં લગાવાયેલુ ટેગ જ બન્યું આધારકાર્ડ
- ભવિષ્યમાં પશુપાલન ક્ષેત્રે કોઈ નવી યોજનોંનો સીધો લાભ ટેગ લગાવેલા પશુમાલિકને મળશે
- પશુના મોત અંગે પશુપાલકોએ પશુપાલન વીભાગમાં જાણ કરવી પડશે
પોરબંદરઃ ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દેશમાં રહેતા તમામ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા દરેક પશુપાલકોના પશુઓને કાનમાં પીળા કલરની ઈયર ટેગ લગાવવામાં આવી રહી છે. સરકાર દ્વારા ભવિષ્યમાં પશુપાલન ક્ષેત્રે કોઈ નવી યોજનાનું આયોજન કરાય ત્યારે પશુઓના આધાર કાર્ડ દ્વારા પશુ પાલકોને યોગ્ય લાભ મળે તે હેતુથી આ ટેગ લગાવવામાં આવી રહ્યા છે.
રજીસ્ટ્રેશન માલિકનો નંબર પણ જોડવામાં આવશે
પશુઓના ટેગ નમ્બર ઉપરાંત પશુના માલિકના મોબાઈલ નંબર પણ દર્શાવેલ છે આથી સરકારી યોજના કે પશુ અંગેનો એસએમએસ પણ માલિકના મોબાઈલમાં સીધો મળી જશે.
પશુ ચોરાઈ જાય ત્યારે પણ આ એપ કારગત સાબિત થશે
જેવી રીતે વાહન ચોરાઈ જાય અને તેના નંબર પરથી તેના માલિકની ઓળખ થઈ જાય છે, તેવી જ રીતે પશુ ચોરાઈ જાય ત્યારે પણ આ એપ દ્વારા પશુના મૂળ માલિક કોણ છે તે જાણી શકાશે. આમ આ એપ કારગત સાબિત થશે. કુદરતી આફત જેવી કે વાવાઝોડું, ભૂકંપ, વીજળીમાં પશુઓનું મોત થાય તો અથવા કુદરતી રીતે તથા કોઈપણ રીતે પશુના મોત અંગે પશુ માલિકે નોંધ કરાવવી જરૂરી છે. માલિકીની ફેરબદલી થાય ત્યારે પણ પશુપાલકે તેની નોંધ પશુપાલન વિભાગમાં કરાવવી પડશે.
જિલ્લામાં એક લાખથી વધુ પશુઓને લગાવાયા છે ટેગ
હવે પછી સરકારની ગાઈડલાઈન મુજબ ટેગ નહીં હોય તો બીજદાન નહીં તથા ચેપી રોગની વેક્સિન ટેગ વગરના પશુઓને મુકવામાં આવશે નહીં તેમ પોરબંદર જિલ્લાના વેટરનરી ઓફિસરે જણાવ્યું હતું. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં ગાય અને ભેસ પર ઈયર ટેગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં એક લાખથી વધુ ગાય અને ભેસને ટેગ લગાવવામાં આવ્યું છે.