ETV Bharat / state

National Mathematics Festival : રાષ્ટ્રીય કક્ષાએ છવાયા પાટણના બે વિદ્યાર્થી, ગણિત મહોત્સવમાં બાજી મારી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 10:55 AM IST

પાટણની શેઠ MN હાઈસ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પાટણ સહિત ગુજરાતનો ડંકો વગાડ્યો છે. છત્તીસગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ગણિત મહોત્સવમાં પાટણના આ બંને વિદ્યાર્થીઓએ મેડલ મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. જુઓ રમતા-રમતા ગણિત શીખવતો અનોખો પઝલ પ્રોજેક્ટ...

National Mathematics Festival
National Mathematics Festival

રાષ્ટ્રીય કક્ષાએ છવાયા પાટણના બે વિદ્યાર્થી

પાટણ : છત્તીસગઢના ભટાપરા ખાતે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા 17 માં રાષ્ટ્રીય ગણિત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 25 રાજ્યોના 350 વિદ્યાર્થીઓમાંથી પાટણની શેઠ MN હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓ દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પાટણ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

રાષ્ટ્રીય ગણિત મહોત્સવ : ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા 30 અને 31 ડિસેમ્બર 2023 ના રોજ છત્તીસગઢના ભટાપરા ખાતે ગણિત મહોત્સવ યોજાયો હતો. ઇસરોના 10 વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રાષ્ટ્રીય કક્ષાના ગણિત મહોત્સવમાં સમગ્ર ભારતમાંથી 25 રાજ્યોના 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ગણિત મહોત્સવમાં ગણિતના વિવિધ મોડેલ, ગણિત પઝલ, ટીચર ઇનોવેશન પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.

પાટણનું ગૌરવ : આ ગણિત મહોત્સવમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની એમ. એન. હાઇસ્કુલમાં ધોરણ 9 અભ્યાસ કરતા વિદ્યાર્થી પટેલ ભવ્ય અને પટેલ અંશુલે ગણિત પઝલ વિભાગમાં ભાગ લીધો હતો. આ બંને વિદ્યાર્થીઓ દ્વારા ટારસિયા જિગ્સો પઝલ્સ પદ્ધતિનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટના સંદર્ભમાં બંને વિદ્યાર્થીઓએ મોડલ જોવા આવનાર વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોને સુંદર માર્ગદર્શન અને વિવરણ આપ્યું હતું.

પાટણનું ગૌરવ
પાટણનું ગૌરવ

સિલ્વર મેડલ મેળવ્યો : પાટણની એમ. એન. હાઇસ્કુલના બંને વિદ્યાર્થીઓની પ્રેઝન્ટેશન અને મોડલને નિહાળનાર લોકો ખૂબ વખાણી હતી. આ ગણિત સ્પર્ધામાં આ પઝલ પ્રોજેક્ટને દ્વિતીય નંબર મળ્યો હતો. આ બંને વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન, ભારતના મેથ્સ ગુરુ તેમજ ગ્રેટ મેથેમેટિશીયન ઓફ ઇન્ડિયાના હસ્તે શિલ્ડ, સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ટારસિયા પઝલ્સ પદ્ધતિનું મોડેલ : આ બંને વિદ્યાર્થીઓ ટારસિયા પઝલ્સ પદ્ધતિનું મોડેલ બનાવ્યું હતું. જેમાં જુદી જુદી આકાર ધરાવતી આકૃતિ દ્વારા પઝલ્સ બનાવવામાં આવી હતી. આ મોડલથી આકૃતિ બનાવવાનો આનંદ મેળવવાની સાથે સાથે વિદ્યાર્થીઓ ગણિતની ગાણિતિક ક્રિયાઓ જેવી કે ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળા તેમજ ગાણિતિક સૂત્રો, નિત્યસમો સરળતાથી કંટાળ્યા વગર તૈયાર કરી શકે છે. આ મોડલના માધ્યમથી ગણિતમાં રુચિ ન રાખનાર વિદ્યાર્થીઓ પણ સરળતાથી ગણિત શીખી શકે છે અને આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓની જટિલ સમસ્યા, યાદશક્તિ અને તર્ક ક્ષમતામાં સુધારો કરવામાં આ પઝલ પદ્ધતિ મદદરૂપ થાય છે.

શિક્ષકોનો સહયોગ : પાટણની એમ. એન. હાઇસ્કુલના આ બંને વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર અને ગણિત શિક્ષક અલ્પેશ પટેલના માર્ગદર્શન હેઠળ ટારસિયા પઝલ્સ પદ્ધતિનું મોડેલ બનાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ બંને વિદ્યાર્થીઓએ અગાઉ રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં પણ વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે હવે રાષ્ટ્રીય કક્ષાના ગણિત મહોત્સવમાં પણ આ બંને વિદ્યાર્થીઓએ મેડલ મેળવીને શાળા, શહેર તેમજ ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે.

  1. Patan Railway Station : પાટણ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે માપણી અને માર્કિંગની કામગીરી શરુ
  2. પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના દંડકને હોદ્દા પરથી દૂર કરાયાં, ધારાસભ્યની ખુલ્લી નારાજગી બાદ એક્શન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.