ETV Bharat / state

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી રામમય બનશે, વિશાળ રામ ધનુષ્યનું પ્રસ્થાપન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 5:57 PM IST

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન ' મન કી અયોધ્યા ' થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત 12 ફૂટ ઊંચાઈનું વિશેષ રામ ધનુષ્ય પ્રસ્થાપિત થશે.

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી રામમય બનશે

પાટણ : અયોધ્યા ખાતે રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે. યુવા વિદ્યાર્થીઓ ભગવાન રામના જીવન ચરિત્ર અને તેમના આદર્શોને જીવનમાં ઉતારે તેવા ઉદ્દેશ સાથે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ દિવસીય 'મન કી અયોધ્યા' થીમ પર વિશેષ મહોત્સવનું આયોજન કરાયું છે.

રામમય બનશે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી : ભગવાન રામ જન્મભૂમિ અયોધ્યા નગરી ખાતે રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ મહોત્સવને અનુલક્ષીને અનેકવિધ કાર્યક્રમના આયોજન થઈ રહ્યા છે. ત્યારે આ ધાર્મિક મહોત્સવમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પણ સહભાગી બનવા આગળ આવી છે. જે અંતર્ગત પાંચ દિવસના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

પંચ મહોત્સવ કરાવશે મોજ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વહીવટી ભવન ખાતે કુલપતિ રોહિત દેસાઈએ પંચમહોત્સવના કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પાંચ દિવસ 'મન કી અયોધ્યા' થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18 જાન્યુઆરી ગુરુવારે પ્રથમ દિવસે રાત્રે 8:00 કલાકે કાજલ ઓઝા વૈદના મુખે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના જીવન કર્તવ્યોની શાબ્દિક પ્રસ્તુતિ કરાશે. બીજા દિવસે રાત્રે 8:30 કલાકે સુરેશચંદ્ર પંડ્યા શ્રી રામ ચરિત માનસના પ્રસંગોનું કથામૃત કરાવશે. શનિવારે રાત્રે 9:00 થી 12:00 વાગ્યા સુધી યુનિવર્સિટીમાં 108 કુંડી સમરસતા યજ્ઞ કરવામાં આવશે.

12 ફૂટનું ભવ્ય રામ ધનુષ્ય : કુલપતિ રોહિત દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરી રવિવારે રાત્રે જાણીતા કલાકાર માયાભાઈ આહીર દ્વારા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન કર્તવ્યોને ઉજાગર કરતો ભવ્ય લોક ડાયરો યુનિવર્સિટીના ફૂટબોલ ગ્રાઉન્ડ પર યોજાશે. જ્યારે 22 જાન્યુઆરી સોમવારે રાત્રે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવે અને તેમની ટીમ દ્વારા મર્યાદા પુરુષોત્તમ રામના જીવન મૂલ્યોની સંગીતમય પ્રસ્તુતિ સાથે ગીત-સંગીત અને લોક ડાયરો યોજાશે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવન અને બાબાસાહેબ આંબેડકર ભવન પાસેના સર્કલ પર 12 ફૂટ ઊંચાઈનું અને એક ટન વજન ધરાવતું એક જ પથ્થરમાંથી બનાવેલ વિશાળ ધનુષ્ય કર્તવ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે.

પંચ મહોત્સવનો શુભ આશય : આજની યુવા પેઢી અભ્યાસની સાથે સાથે ભગવાન શ્રી રામના માતૃ-પિતૃ ભાવ, બંધુત્વ કર્તવ્ય, સમર્પણ કર્તવ્ય, ધર્મરક્ષા કર્તવ્ય સહિતના વિવિધ કર્તવ્યો જાણી શકે અને જીવનમાં ઉતારી શકે તે માટે આ પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 18 થી 22 જાન્યુઆરી દરમિયાન સમરસતા યજ્ઞ, લોક ડાયરા સહિત પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યુનિવર્સિટી પરિસર ખાતે વિશાળ રામ ધનુષ્ય કર્તવ્ય સ્તંભ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે.

  1. Lord Narayana Temple : પાટણમાં ભગવાન નારાયણને ઘીના વાઘાનો અનોખો શણગાર, મોગલ કાલથી ચાલતી પરંપરા
  2. Ram Name Writing : પાટણમાં રામભક્તોએ 51 લાખ રામ નામ જાપ લખ્યાં, પોથીનું શું થશે જૂઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.