ETV Bharat / state

Navsari News : આદિવાસી હળપતિ સમાજની અનોખી પરંપરા, જુઓ આ ખાસ અહેવાલ

author img

By

Published : Jul 18, 2023, 5:39 PM IST

Navsari News : આદિવાસી હળપતિ સમાજની અનોખી પરંપરા
Navsari News : આદિવાસી હળપતિ સમાજની અનોખી પરંપરા

નવસારીના મોલધારા ગામે છેલ્લા ૧૦૦ વર્ષથી આદિવાસી હળપતિ સમાજ દ્વારા અનોખી પરંપરા મુજબ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. લોકવાયકા મુજબ ઢીંગલા-ઢીંગલીના હિન્દુ વિધિ પ્રમાણે ગોર મહારાજની હાજરીમાં ફેરા ફરાવી લગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ ભક્તિપૂર્વક ઢિંગલાબાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઢીંગલા બાપાના અને ઢીંગલી માતાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉભરાય છે.

આદિવાસી હળપતિ સમાજની અનોખી પરંપરા

નવસારી : ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ વિસ્તારોમાં પોતાની સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવો અને તહેવારો ઉજવવામાં આવે છે. જે પોતાની અલગ ઓળખ ધરાવતા હોય છે. નવસારીના મોલધરાં ગામે આદિવાસી હળપતિ સમાજ દ્વારા પોતાના પૂર્વજોથી ચાલી આવતી અનોખી પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે. આ પરંપરાને આદિવાસી હળપતિ સમાજ દ્વારા ઘણા હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જેમાં છેલ્લા ૧૦૦ વર્ષ કરતાં પણ વધુથી અષાઢ વદ અમાસના દિવસે ઢીંગલા બાપા અને ઢીંગલી માતાના હિન્દૂ વિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવે છે. ઉપરાંત લોકવાયકા અને માનતા મુજબ તેમની શોભાયાત્રા કાઢી તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે.

લોકવાયકા : આમ તો મોલધરા ખોબા જેટલું ગામ છે. જેમાં હળપતિ સમાજની વસ્તી 2000 થી 2500 જેટલી છે. પરંતુ આ ગામ તેની અનોખી પરંપરા માટે જાણીતું બન્યું છે. મોલધરા ગામના હળપતિ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ 100 વર્ષથી વધુ પહેલા પ્લેગ કે કોલેરા જેવા રોગની મહામારીના પગલે હળપતિ સમાજના ઘણા લોકોના મૃત્યુ થયા હતા. તેથી તેઓના પૂર્વજો દ્વારા માનતા માનવામાં આવી હતી. આ માનતા મુજબ માનવના આકારની ઢીંગલા-ઢીંગલીની ત્રણથી ચાર ફૂટની પ્રતિમા બનાવી તેનો ભોગ ધરાવવો હોય છે. ઉપરાંત ઢીંગલા-ઢીંગલીના લગ્નની ત્રણ દિવસ સુધી વિધિ કરીને નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી. આ વિધિ બાદ ગામમાં અને વિસ્તારમાં થતા મોત અટકી ગયા હતા. ત્યારથી હળપતિ સમાજ દ્વારા આ પરંપરાને રંગેચંગે ઉજવવામાં આવે છે અને ઉત્તરોત્તર આમાં વધારો થતો આવ્યો છે.

આ ખૂબ જૂની પરંપરા છે જે ઘણા વર્ષોથી ચાલતી આવી છે. જેમાં ઢીંગલાબાપા અને ઢીંગલી માતાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ઢીંગલા-ઢીંગલીના તમામ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો આવીને ધન્યતા પ્રાપ્ત કરે છે.-- ચિરાગ વ્યાસ (ગોર મહારાજ)

અનોખી પરંપરા : મુલધારા ગામમાં ઢીંગલાબાપા અને ઢીંગલી માતાના લગ્ન કરાવવામાં આવે છે. જેમાં ગામમાં ઢીંગલી માતાને કાંકરિયા મોરા ફળિયામાં કન્યાપક્ષ અને ઢીંગલા બાપાને 10 ગાળા ફળિયામાં વર પક્ષ તરીકે સ્થાપના કરવામાં આવે છે. બંને પક્ષો દ્વારા ખૂબ ઉત્સાહથી લગ્નની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં આદિવાસી મહિલાઓ દ્વારા ઢીંગલી માતાનો શૃંગાર કરવામાં આવે છે અને પીઠી ચોળવામાં આવે છે. સાથે શાંતક અને મોસાળાની વિધિ પણ ધામધૂમથી કરવામાં આવે છે. દિવાસાનાં દિવસે લગ્ન માટે વરઘોડાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જાનૈયાઓ બની વરઘોડામાં જોડાય છે. મહિલાઓ પણ એકત્રિત થઈ લગ્નના ગીતો ગાય છે. બપોરના સમયે મુરત પ્રમાણે ગોર મહારાજની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે લગ્ન ચોળીમાં હિન્દૂ વિધિ પ્રમાણે ઢીંગલા ઢીંગલીના ફેરા ફરાવી માથે સિંદૂર પણ પુરવામાં આવે છે.

ભવ્ય શોભાયાત્રા : આ અનોખા લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે. લગ્ન પૂર્ણ થયા બાદ ઢીંગલા ઢીંગલીની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં સાથે મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના લોકો આવે છે. ત્યારબાદ ગામની નજીકથી પસાર થતી પૂર્ણા નદીમાં તેમનું વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ છેલ્લા ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી આયોજિત થાય છે.

  1. Navsari Rain : નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, અનેક માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ
  2. Navsari News: નવસારીમાં રેતીના ઢગ પર રમવા ચડેલા શાળાના બે વિદ્યાર્થીઓને લાગ્યો કરંટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.