ETV Bharat / state

નવસારીમાં મજૂરો અને જરૂરિયાતમંદોને જઠરાગ્નિ થાળવા વહારે આવી સેવાભાવી સંસ્થાઓ

author img

By

Published : Mar 29, 2020, 10:00 PM IST

નવસારી
નવસારી

કોરોનાની મહામારીને પગલે ભારત સરકારે 21 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. નવસારીમાં જનતા કરફ્યુ બાદ જ લાગુ થયેલા લોકડાઉનને અઠવાડિયું પુરૂ થયુ છે. લોકડાઉન દરમિયાન શહેરમાં રહેતા શ્રમિકો અને મજૂરોની સ્થિતિ કફોડી બની છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ સામે આવી છે. તેમજ જિલ્લામાં અંદાજે 5 હજારથી વધુ મજૂરોને બે સમય ભોજન મળી રહે એની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી છે.

નવસારી : કોરોનાની મહામારીથી બચવા લોકોને ઘર બહાર નીકળવા પર મનાઈ ફરમાવવા સાથે જ આવશ્યક સેવાઓ છોડીને તમામ કામ ધંધાઓ બંધ થયા છે. જેને કારણે ઘણા મજૂરો સહિત સામાન્ય લોકોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને મજૂર વર્ગને રહેવા સાથે ખાવા-પીવાની પણ સમસ્યા ઉભી થઇ છે. લોકડાઉનની સ્થિતિને અઠવાડિયુ થયુ છે. ત્યારે મજૂરો સહિત જરૂરિયાતમંદ લોકોની વહારે નવસારીની સેવાભાવી સંસ્થાઓ આવી છે. નવસારી, વિજલપોર, ગણદેવી, બીલીમોરા ચારેય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરો, શેરડી કાપતા મજૂરો, બાંધકામ ઉદ્યોગ બંધ થતા ઘરે જવા નીકળેલા દિહાડી મજૂરો અને હાઈ-વે પર અટકી પડેલી ટ્રકોના ડ્રાઇવરો-ક્લીનરોને દિવસમાં બે દિવસ જમવાની વ્યવસ્થા સેવાભાવી લોકો, સંસ્થાઓ સાથે જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યું છે.

નવસારીની રામ રોટી પરિવાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, તેલાડાના મુસ્લિમ યુવાનો, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સ્વામિનારાયણ મંદિર સંસ્થાન, અરિહંત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, વિજલપોરના યુવાનોનું ગ્રુપ, વિજલપોર પોલીસ, નગર પાલિકાઓ જેવી ઘણી સંસ્થાઓ ફૂડ પેકેટ્સ બનાવી કપરા સમયમાં જરૂરિયાતમંદોના જઠરાગ્નિને શાંત કરી રહ્યા છે.

નવસારી નગરપાલિકાના સિટી ઈજનેર રાજુભાઇ ગુપ્તાએ જણાવ્યું કે, શહેરની ઘણી સેવાભાવી સંસ્થાઓ હાલમાં મજૂરો અને જરૂરિયાતમંદ લોકો સુધી બે સમયનું ભોજન પહોંચાડી રહી છે. જેમને અપીલ છે કે, જિલ્લા ડિઝાસ્ટરના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી, કેટલા ફૂડ પેકેટ્સની વ્યવસ્થા છે. એની માહિતી આપે અને ત્યાંથી સૂચના મળે એના અનુસાર જે તે વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરે. જેથી સુચારૂ વ્યવસ્થા ગોઠવી શકાય અને જરૂરીયાતમંદ તમામને સેવાનો લાભ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.