ETV Bharat / state

Morbi Bridge Collapse : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ નિર્દોષ છે - કોંગ્રેસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 10:25 PM IST

Morbi Bridge Collapse
Morbi Bridge Collapse

મોરબી ઝુલતો પુલ દુર્ઘટના મામલે આજે SIT દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં પુલનું રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને જવાબદાર ગણવામાં આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તેઓએ દાવો કર્યો હતો કે, જયસુખ પટેલ નિર્દોષ છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલ નિર્દોષ છે - કોંગ્રેસ

રાજકોટ : વર્ષ 2022 ના ઓક્ટોબર મહિનામાં મોરબીમાં ઝુલતો પુલ પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે આ દુર્ઘટનામાં અંદાજિત 135 લોકોના જીવ ગયા હતા. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં SIT દ્વારા રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં SIT ના રિપોર્ટમાં સ્પષ્ટપણે પુલનું રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને જવાબદાર ગણવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ આ ઘટનામાં નિર્દોષ છે.

સરકાર પર આક્ષેપ : લલિત કગથરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, મોરબીમાં જ્યારે ઝુલતા પુલ દુર્ઘટના સર્જાઈ ત્યારે પણ મારી એક જ વાત હતી કે સરકાર મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલને હોળીનું નાળિયેર બનાવી રહી છે. આ દુર્ઘટના સર્જાઈ ત્યારે પણ મેં નિવેદન આપ્યું હતું કે, જયસુખ પટેલ નિર્દોષ છે. ખરેખરમાં આ ઘટનામાં દોષીઓને પકડવા જોઈએ. જે તે સમયના કલેકટર તેમજ પુલને જેણે મંજૂરી આપી હોય તે ચીફ ઓફિસર સહિત તમામ અધિકારીઓ વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.

લલિત કગથરાનો દાવો : લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને કોઈપણ નફો કમાવવાની લાલચ નહોતી. જ્યારે જયસુખ પટેલ અને તેના પિતાજીએ લાખો કરોડો રૂપિયા દાનમાં વાપર્યા છે. મોરબી ઝુલતા પુલનો રીનોવેશન કરાવવા મામલે જયસુખ પટેલનો કોઈ નફો કરાવવાનો હેતુ નહોતો. જયસુખ પટેલે મોરબીની અસ્મિતાને બચાવવા માટે 135 વર્ષ કરતા પણ વધુ જુના ઝૂલતા પુલના રીનોવેશન માટે પોતાના પૈસા રોક્યા હતા. તેમજ આ ઝુલતો પુલ મોરબીને ભેટમાં આપ્યો હતો. આ સરકાર જયસુખ પટેલની કેસમાં સંડોવણી કરી રહી છે. જ્યારે જયસુખ પટેલ નિર્દોષ છે.

ઝુલતો પુલ દુર્ઘટના : લલિત કગથરાએ વધુમાં કહ્યું કે, આ ઘટનામાં SITની રચના કરવામાં આવી હતી. પરંતુ SIT સરકારની છે અને સરકાર જેને ધારે તેને દોષી બનાવી શકે છે. ત્યારે આ દુર્ઘટના મામલે જયસુખ પટેલને દોષી ઠેરવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ગત વર્ષે ઝુલતો પુલ દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. ત્યારે દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારજનો પણ ન્યાયની આશા લઈને બેઠા છે.

  1. Morbi Bridge Collapse: SITનો ફાઇનલ રિપોર્ટ સીલ કવરમાં નહિ પણ તમામ પક્ષકારોને અપાશે, આગામી ત્રણ સપ્તાહમાં હાઇકોર્ટ સમક્ષ મુકાશે
  2. Morbi Bridge Collapse : મોરબી ઝુલતા પુલ કેસ મામલે હાઇકોર્ટમાં SIT રિપોર્ટ રજૂ, મૃતકોના પરિજનોએ દુઃખ વર્ણવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.