ETV Bharat / state

અહો આશ્ચર્યમ ! વડનગરમાં 2800 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2024, 12:52 PM IST

વડનગરમાં 2800 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા
વડનગરમાં 2800 વર્ષ જૂની માનવ વસાહતના પુરાવા મળ્યા

ગુજરાતનું વડનગર આશરે 2800 વર્ષ જૂનું હોઈ શકે છે. હા, આ વાત સાચી છે. હાલમાં ખોદકામ દરમિયાન 2800 વર્ષ જૂના માનવ વસાહતના પુરાવા મળી આવ્યા છે. વર્ષ 2016 થી વડનગર ખાતે IIT ખડગપુર અને ASI ના સંશોધકોની ટીમ ખોદકામ કરી રહી છે. જુઓ સંપૂર્ણ માહિતી

મહેસાણા : ભારતના એકમાત્ર પુરાતત્વીય સ્થળ વડનગર અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગામ વડનગર 2500 થી 3000 વર્ષ જૂનું હોવાના પુરાવા મળ્યા છે. વડનગર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર (IIT), ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) અને ડેકન કોલેજના સંશોધનો વર્ષ 2016 થી વડનગર ખાતે સંશોધન હેતુથી ખોદકામ કરી રહ્યા છે. જેમાં હાલ 800 BC સમયની માનવ વસાહતના પુરાવા મળી આવ્યા છે.

2800 વર્ષ જૂનું વડનગર : ગુજરાતના વડનગર ખાતે IIT ખડગપુર અને ASI સાથે મળી અન્ય સંસોધકોની મદદથી છેલ્લા 7 વર્ષથી સંશોધન અર્થે ખોદકામ કરી રહ્યા છે. હાલમાં જ IIT ખડગપુરના ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડો. અનિન્દ્ય સરકારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડનગર ખાતે પુરાતત્વીય ખોદકામનું રિસર્ચ સૂચવે છે કે, અંદાજે 3,500 વર્ષના સમય દરમિયાન વિવિધ સામ્રાજ્યોના ઉદય અને પતન તથા મધ્ય એશિયાના યોદ્ધાઓ દ્વારા ભારત પર વારંવાર આક્રમણ સહિત આબોહવામાં દુષ્કાળ જેવા ગંભીર ફેરફાર થયા હશે.

એક બૌદ્ધ મઠ મળ્યો : ડો. અનિન્દ્ય સરકારે વધુમાં જણાવ્યું કે, IIT ખડગપુરની ટીમ છેલ્લા 4-5 વર્ષથી ASI સાથે વડનગરમાં ખોદકામ કરી રહી છે. વર્ષ 2016 થી 2023 દરમિયાન 20 મીટર જેટલી ઊંડાઈ સુધી ખોદકામ કર્યું છે. જેમાં એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. વડનગરનો ઇતિહાસ ઘણો જૂનો છે. વડનગર ભારતનું એકમાત્ર પુરાતત્વીય સ્થળ છે જ્યાં પ્રારંભિકથી મધ્યયુગીન ઇતિહાસ સંપૂર્ણપણે સચવાયેલો છે. જેના ચોક્કસ ઘટનાક્રમની હવે જાણ થશે.

અમારી હાલની કેટલીક અનપબ્લિશ્ડ રેડિયોકાર્બન ડેટ સૂચવે છે કે આ વસાહત 1400 અથવા 1500 BCE જેટલી જૂની હોઈ શકે, જે પોસ્ટ-અર્બન હડપ્પા કાળના અંતિમ તબક્કાના સમકાલીન હોઈ શકે છે. ઉપરાંત આ સંશોધન ભારતમાં છેલ્લા 5,000 વર્ષથી સાંસ્કૃતિક સાતત્ય હોવાનું સૂચવે છે અને કહેવાતો અંધકાર યુગ કદાચ દંતકથા હોઈ શકે છે. -- ડો. અનિન્દ્ય સરકાર (પ્રોફેસર, IIT ખડગપુર)

માનવ વસાહતના પુરાવા મળ્યા : ડો. અનિન્દ્ય સરકારે ઉમેર્યું કે, વડગામ 800 BCE થી સતત વસવાટ ધરાવતું ભારતનું સૌથી જૂનું જીવંત કિલ્લેબંધી ધરાવતું શહેર પણ છે. સાત સાંસ્કૃતિક સ્તરો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં સૌથી જૂનું સ્તર 2800 વર્ષ અથવા 800 BCE નું છે. કૃષિપ્રધાન ભારતીય ઉપખંડ ખૂબ સારા ચોમાસાના કારણે સમૃદ્ધ હતો, પરંતુ મધ્ય એશિયા અત્યંત શુષ્ક અને દુષ્કાળના કારણે નિર્જન હતું. ઉપરાંત ત્યાં લગભગ તમામ પ્રકારના આક્રમણ અને સ્થળાંતર થયા હતા. વડનગરના સાંસ્કૃતિક સમયગાળાના અમારા આઇસોટોપ ડેટા અને તારીખ દર્શાવે છે કે, આ તમામ આક્રમણો ત્યારે જ થયા હતા.

એક લાખથી વધુ અવશેષ : પુરાતત્વ વિભાગના નિરીક્ષક મુકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, PM મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારથી વડનગરમાં ખોદકામ ચાલુ છે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. અહીંની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને પાણીનું સ્તર ખૂબ સારું હોવું તે મુખ્ય કારણ છે કે આ એક જીવંત શહેર છે. વડનગરમાં અત્યાર સુધીમાં 30 જેટલી જગ્યાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે. અહીં બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મ સહિત વિવિધ ધર્મના લોકો સુમેળ સાથે રહેતા હતા.

  1. Gyanvapi ASI Survey: જ્ઞાનવાપી કેમ્પસ સર્વે મામલે ASI આ ટેકનિકથી ખોલશે ભોંયરાના રહસ્ય, જાણો
  2. Taj Mahal: તાજમહેલની સુરક્ષામાં બેદરકારી, રાત્રે ટોર્ચની મદદથી મોનિટરિંગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.