ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં વધુ બે આકર્ષણ ઉમેરાયા, વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે અદ્ભુત લ્હાવો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 10:18 PM IST

Bhuj

કચ્છના મુખ્યમથક ભુજના ભુજીયા ડુંગર પર એક તરફ 2001 ના ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિ વન બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વિજ્ઞાનના અનેક પાસાને ઉજાગર કરતું રાજ્યનું પ્રથમ રિજનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં આ કેન્દ્ર ખાતે પબ્લીક સ્પેસ ઓબ્ઝર્વેટરી તથા ફ્લાઇટ સિમ્યુલેટરના સ્વરૂપમાં વધુ બે આકર્ષણનો ઉમેરો કરવામાં આવશે.

ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં વધુ બે આકર્ષણ ઉમેરાયા

કચ્છ : આવનારી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ પ્રવાસનને વધુ વેગ આપવા ગુજરાત સરકાર દ્વારા ભુજીયા ડુંગર ખાતે 10 એકરમાં રિજનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિજનલ સાયન્સ સેન્ટર 89 કરોડના ખર્ચે બનેલું છે. આ મ્યુઝિયમ વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે કચ્છનું એક નવલું નજરાણું બની ગયું છે. છેલ્લા 1 વર્ષમાં 1 લાખથી પણ વધુ લોકોએ આ સેન્ટરની મુલાકાત લીધી છે.

બે નવા આકર્ષણ ઉમેરાશે : ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની તાજેતરમાં દિવાળીના તહેવાર નિમિત્તે 3,500 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લઈને વિજ્ઞાનની અદ્ભુત સફરને માણી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં આવેલા ફિલ્ડસ મેડલ ગેલેરી તથા નેનો ટેકનોલોજી ગેલેરી દેશમાં બીજે ક્યાંય પણ નથી. આ રિજનલ સાયન્સ સેન્ટરમાં હવે પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી તથા ફ્લાઇટ સિમ્યુલેટરના સ્વરૂપમાં વધુ બે આકર્ષણનો ઉમેરો કરવામાં આવશે.

ફ્લાઇટ સિમ્યુલેટરની મજા
ફ્લાઇટ સિમ્યુલેટરની મજા

ફ્લાઇટ સિમ્યુલેટરની મજા : વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કેન્દ્રમાં 6 ગેલેરી ઉપરાંત પણ લોકોને નિહાળવા માટે ઘણું બધું મળી રહે તે માટે આગામી સમયમાં સ્પેસ ઓબ્ઝર્વેટરી અને એરક્રાફ્ટ સીમ્યુલેટર મૂકવામાં આવશે. જેમાં ઓબ્ઝર્વેટરી દ્વારા જાહેર જનતાને ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો, ઉપગ્રહો તેમજ નક્ષત્રને ખૂબ નજીકથી નિહાળવાનો લ્હાવો મળશે. આ કેન્દ્ર પર સ્પેસ શટલ જેવા આકારના 24 બેઠકો ધરાવતા ફ્લાઇટ સિમ્યુલેટરમાં લોકો સ્પેસ ટ્રાવેલ, અન્ડર વોટર વર્લ્ડ, જંગલ સફારી, વર્લ્ડ ઓફ ડાયનાસોર, પિરામિડ ઓફ ઇજિપ્ત, રોલર કોસ્ટર જેવી રાઇડસ વગેરેનો રોમાંચક અનુભવ મેળવી શકશે.

ભુજ રિજનલ સાયન્સ સેન્ટર : હાલમાં ચાલી રહેલા રણોત્સવમાં કચ્છ આવતા પ્રવાસીઓને આ નવા આકર્ષણોનો લાભ મળશે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા કચ્છમાં જોવાલાયક અનેક સ્થળોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર વિશિષ્ટ રીતે ઉભરી આવ્યું છે. હવે તે ફરવાના સ્થળ તરીકે પણ લોકપ્રિય બની ગયું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ વિજ્ઞાન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે અદ્ભુત લ્હાવો
વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે અદ્ભુત લ્હાવો

6 રસપ્રદ ગેલેરી : રિજનલ સાયન્સ સેન્ટરમાં મરીન નેવીગેશન, એનર્જી સાયન્સ, ફિલ્ડસ મેડલ (મેથેમેટીક્સ), બોન્સાઇ, નેનો ટેકનોલોજી ગેલેરી કાર્યરત છે. દરેક ઉંમરના લોકો કંટાળ્યા વગર ઉત્સુકતાથી દરેક ગેલેરીમાં વધુમાં વધુ સમય વિતાવીને માહિતગાર થઈ શકે છે. મુલાકાતીઓનો રસ કેળવી રાખવા તથા વિજ્ઞાનના વિવિધ પાસાનો અભ્યાસ કરી તેનાથી માહિતગાર થઇ શકે તે માટે વૈજ્ઞાનિક પરીક્ષણ તથા વિવિધ પ્રયોગો કરવાની વ્યવસ્થા પણ અહીં ઉભી કરવામાં આવી છે.

બેસ્ટ ટેલિસ્કોપ : આ ઉપરાંત ભુજ રિજનલ સાયન્સ સેન્ટરમાં થ્રીડી મુવી થિયેટર, થીમ આધારિત વિશાળ લેન્ડસ્કેપિંગ ગાર્ડન, સોલાર ટ્રી અને ઉચ્ચ ગુણવત્તાનું ટેલિસ્કોપ વગેરે અહીં મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. તો વિશેષ આકર્ષણમાં સમુદ્રી નૌકા ચલાવવાની અનુભૂતિ કરાવતો સિમ્યુલેટર અને સબમરીન સિમ્યુલેટર પણ અહીં મૂકવામાં આવ્યું છે.

  1. Chandrayaan 3 Landing : ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 ના લેન્ડિંગની ઐતિહાસિક ક્ષણ માણવા આયોજન
  2. Rann Utsav 2023-2024: કચ્છમાં વિશ્વ વિખ્યાત 'રણોત્સવ'નો પ્રારંભ થયો, ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.