ETV Bharat / state

Kutchi Kharek GI tag : કચ્છી ખારેકને મળ્યો GI ટેગ, ખારેકના નિકાસ મૂલ્ય અને બ્રાન્ડિંગમાં આવશે તેજી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 10:11 PM IST

કચ્છી ખારેક
કચ્છી ખારેક

કચ્છની દેશી ખારેકને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડ માર્ક (CGPDT) દ્વારા જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યો છે. જે કચ્છ માટે ગૌરવની વાત છે અને આ નિર્ણયને ખેડૂતોએ વધાવી લીધો છે. તો આગામી સમયમાં ખારેકનું નિકાસ મૂલ્ય વધશે અને બ્રાન્ડિંગને પણ વેગ મળશે.

કચ્છી ખારેકને મળ્યો GI ટેગ

કચ્છ : દેશના દરેક રાજ્ય અને શહેરની પોતાની અલગ અલગ પ્રખ્યાત ખાણીપીણી છે. વિવિધ શહેરોની કેટલીક ખાસ અને પ્રખ્યાત વાનગીને જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ મળતો હોય છે. આ GI ટેગના લિસ્ટમાં બે નવા નામ ઉમેરાયા છે. જેમાં ઓરિસ્સાની કીડીની ચટણી અને કચ્છની દેશી ખારેકને નવી ઓળખ મળી છે. કચ્છની દેશી ખારેકને આ વર્ષે GI ટેગ મળ્યો છે.

કચ્છી ખારેકને મળ્યો GI ટેગ : કચ્છની ખેડૂત ઉત્પાદક સંસ્થા યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ (UFPCL) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મંજૂર કર્યા બાદ CGPDT દ્વારા 2 જાન્યુઆરીના રોજ કચ્છી ખારેકને જીયોગ્રાફિકલ ઈન્ડિકેશનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કચ્છના મુન્દ્રામાં એસડીએયુના ડેટ પામ રિસર્ચ સ્ટેશનના તત્કાલીન રિસર્ચ સાયન્ટિસ્ટ સી.એમ. મુરલીધરન દ્વારા જૂન 2021 માં સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU) દ્વારા આ અરજી કરવામાં આવી હતી. જોકે પાછળથી યુનિડેટ્સ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડને (UFPCL) અરજદાર બનાવવામાં આવ્યું હતું.

માઇક્રો ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર ખારેક : ગુજરાતના કચ્છમાં ઉગતી ખાસ પ્રકારની દેશી ખારેકને GI ટેગ મળ્યો છે. તેની ખાસ વાત એ છે કે ખારેક સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. તે માર્કેટમાં રૂપિયા 1,200 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ દેશી ખારેક કાર્બ્સ અને માઇક્રો ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. સાથે જ તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. આ ખારેક પેટની અનેક બીમારીઓથી પણ રાહત આપે છે.

અગાઉ કોને મળ્યો GI ટેગ ? ઉલ્લેખનીય છે કે, કચ્છી ખારેક ગુજરાતમાં GI ટેગ મેળવનારું બીજું ફળ બન્યું છે. વર્ષ 2011 માં સૌરાષ્ટ્રના ગીરની કેસર કેરીને GI ટેગ આપવામાં આવ્યું હતું. આ કેસર કેરી જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ઉગાડવામાં આવતી હોય છે. તો વર્ષ 2011 માં જ ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશોને અડીને આવેલા ભાલ પ્રદેશમાં ઉગાડવામાં આવતા ભાલિયા ઘઉંને પણ GI ટેગ એનાયત કરવામાં આવ્યો હતો.

ખારેકનું નિકાસ મૂલ્ય વધશે
ખારેકનું નિકાસ મૂલ્ય વધશે

કચ્છી ખારેકનો ઇતિહાસ : કચ્છની ખારેક 400 થી 500 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભારતની ઉત્તર-પશ્ચિમ સરહદ પર ખારેકના ગ્રૂવ્સ લોકો દ્વારા ફેંકવામાં આવેલ બીજમાંથી વિકસ્યા છે, જેઓ હજ માટે મધ્ય-પૂર્વના દેશોની મુલાકાત લેતા હતા અને વેપાર માટે ત્યાંથી છોડ લાવ્યા હતા. તે પણ સંભવ છે કે કચ્છના ભૂતપૂર્વ રાજવીઓના મહેલોમાં કામ કરતા આરબ માળીઓએ પણ આરબ દેશોમાંથી ખજૂરના બીજ લાવ્યા હોય.

કચ્છમાં ખારેકનું વાવેતર : કચ્છમાં આજે આશરે 20 લાખ ખારેકના ઝાડ છે. તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે, જે કચ્છની અનન્ય જાતો છે અને તેથી GI ટેગ માટે લાયક છે. GI જર્નલમાં જણાવ્યા મુજબ કચ્છ કદાચ વિશ્વભરમાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ખારેકની આર્થિક રીતે ખેતી અને માર્કેટિંગ કરવામાં આવે છે. કચ્છમાં થતા ખારેકનો પાક ભારતમાં થતી ખારેકની કુલ ખેતીના 85 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. બાગાયત અધિકારી મનદીપ પરસાનીયાના જણાવ્યા અનુસાર કચ્છમાં 19,251 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવે છે, જે રાજ્યના કુલ ખારેકના વાવેતર વિસ્તાર 20,446 હેક્ટરના 94 ટકા છે.

ખેડૂતોને આ રીતે મળશે લાભ : કચ્છની દેશી ખારેકને GI રજિસ્ટ્રીમાંથી GI ટેગ મળ્યો છે. તે હવે કચ્છી ખજૂરના બ્રાન્ડિંગને વેગ આપશે અને આ શુષ્ક અને અર્ધ-શુષ્ક પ્રદેશમાં ખારેક ઉગાડતા હજારો ખેડૂતોને ફાયદો થશે. કેસર કેરી અને કચ્છી સાલ માટે પ્રખ્યાત કચ્છ હવે તેની ખારેક માટે પણ પ્રખ્યાત થશે. ખારેકને GI ટેગ મળતા ખેડૂતો હવે તેના પ્રીમિયમ દર પણ વસૂલી શકશે, ઉપરાંત ખારેકની નિકાસને પણ વેગ મળશે. જે ખેડૂતો GI ટેગનો લાભ લેવા માંગતા હોય તેમણે એફપીઓમાં અરજી કરીને સભ્ય બનવાનું રહેશે. એક સમિતિ તેમના દ્વારા ચોક્કસ ખેતીની જમીન પર ઉગાડવામાં આવતા ફળોની તપાસ કરશે અને સભ્યપદની મંજૂરી આપશે. સભ્ય-ખેડુતને સભ્ય પદની મંજૂરી મળ્યા બાદ GI ટેગના લોગોનો કાયદેસર ઉપયોગ કરી શકશે.

કચ્છમાં ખારેકનું વાવેતર
કચ્છમાં ખારેકનું વાવેતર

ખારેકના બ્રાંડિંગને મળશે વેગ : કચ્છના બાગાયત વિભાગના નાયબ બાગાયત નિયામક અધિકારી મનદીપ પરસાનીયાએ જણાવ્યું હતું કે, કચ્છી ખારેક કે જેને ડેટ પાલ્મ પણ કહેવામાં આવે છે, તેને એક જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યો છે. જે કચ્છીઓ, ખેડૂતો અને કૃષિ જગત સાથે જોડાયેલા લોકો માટે ખૂબ સારા સમાચાર છે. ગુજરાતમાં ગીરની કેરી, ભાલ પ્રદેશના ભાલીયા ઘઉં અને હવે કચ્છની ખારેકને જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં 59000 હેક્ટરમાં બાગાયત પાકની ખેતી થાય છે. જેમાં ખારેકની ખેતી 19,000 હેક્ટરમાં થાય છે. 400 વર્ષથી કચ્છી ખારેકનો પાક થાય છે. દેશી ખારેકની એક અનોખી ઓળખ છે અને હવે તેને જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળવાથી હવે વધુ પ્રચલિત થશે.

વિશ્વ માણશે કચ્છી લહેજત : કચ્છમાં ખારેકની ખેતી સાથે 6,000 જેટલા ખેડૂતો જોડાયેલા છે અને વાર્ષિક 1.75 લાખ ટન જેટલું ઉત્પાદન થાય છે. કચ્છી ખારેકને જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતા હવે કચ્છના ખેડૂતોને ખારેકના ઊંચા ભાવ મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં જીયોગ્રાફિકલ ઈન્ડિકેશન મળેલ ચીજ વસ્તુઓના સારા ભાવ મળે છે અને ખેડૂતોને પણ સારો એવો ફાયદો મળશે.

  1. પશ્ચિમ બંગાળમાં કચ્છનો ચિત્રકાર છવાયો, કચ્છ પ્રદેશની ચિત્રકૃતિ જોઈ આંતરરાષ્ટ્રીય કલાકારો ઘેલા થયા
  2. Kutch News: 300 વર્ષ પુરાણી ચાંદી નક્શીકામની કચ્છી કળાનું ભવિષ્ય ધૂંધળું, માત્ર 7થી 8 જ કારીગર બચ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.