ETV Bharat / state

શિયાળાનો કિંગ એટલે અડદિયા, જાણો કેવી રીતે બને છે અને કઈ રીતે છે ફાયદાકારક

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 8:21 PM IST

શિયાળાનો કિંગ એટલે અડદિયા, જાણો કેવી રીતે બને છે અને કઈ રીતે છે ફાયદાકારક
શિયાળાનો કિંગ એટલે અડદિયા, જાણો કેવી રીતે બને છે અને કઈ રીતે છે ફાયદાકારક

કચ્છમાં ધીરેધીરે ઠંડી જામી છે ત્યારે શરીરને ગરમાહટ આપતા શિયાળુ વસાણાંઓની યાદ લોકોને આવવા લાગી છે. શિયાળુ વસાણાંમાં સૌપહેલું નામ અડદિયાનું આવે. ત્યારે કચ્છી અડદિયાની વિશેષતા જાણીએ.

શરીરને ગરમાહટ આપતા શિયાળુ વસાણાં

કચ્છ : શિયાળો આવે એટલે શિયાળાનો કિંગ અડદિયા યાદ આવે જ. આમ તો લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી અનેક વાનગીઓ બનાવતાં હોય છે. અડદિયા એ ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. અડદની દાળમાંથી બનતી આ આઈટમમાં ઘણાં ડ્રાયફ્રુટ્સ અને 50થી પણ વધુ પ્રકારના તેજાના હોય છે. શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે. અડદિયા શરીરને આખા વર્ષ માટેની તાકાત પણ પૂરી પાડે છે.

અડદિયા વેચાણમાં હાલમાં મંદી : અડદિયામાં મુખ્યત્વે વપરાતી અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે. આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે માટે જ કહેવાય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ. જોકે વેપારીઓના જણાવ્યા મુજબ હજી કચ્છમાં શિયાળાની શરૂઆત મોડી થઈ છે અને હવે આગામી સમયમાં અડદિયાનું વેંચાણ વધશે તેવી આશા છે.

શરીરને ગરમાહટ આપે છે અડદિયા : મીઠાઈના વેપારી મૌલિકભાઈ ઠકકરે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે હજી ઠંડીનો માહોલ જામ્યો નથી. જેના કારણે જે રેગ્યુલર ગ્રાહકો છે તે સિવાયના લોકો હજી અડદિયાની ખરીદી નથી કરી રહ્યા. આગામી સમયમાં જ્યારે ઠંડીનો જોર વધશે ત્યારે લોકો ખરીદી કરશે. અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, ગાયનું દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ તેમજ 50થી પણ વધારે મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયામાં ભરપૂર માત્રામાં તેજાના હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે : કચ્છમાં શિયાળાની ફુલગુલાબી ઠંડીના કારણે લોકોને ઠંડી વધારે પડતી હોય છે પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદિયા ઉપયોગી છે. જિલ્લામાં નવરાત્રિના પહેલા નોરતે તેમજ દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દે છે.

ભાવ 400થી લઈને 850 સુધી : જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. અડદિયાના એક કિલોના ભાવ 400થી લઈને 850 સુધીના છે. આજે પણ કચ્છ સહિત દેશભરમાં તેમજ વિદેશમાં પણ કચ્છી અડદિયાની ખૂબ માંગ રહેતી હોય છે. કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે. અડદિયા માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારતમાં પહોંચે છે.વિદેશ વસતા કચ્છના લોકો પણ સગાંસબંધીઓ પાસેથી અચૂક અડદિયા મંગાવે છે. ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ અડદિયા બનાવીને રાહત દરના ભાવે વહેંચતા હોય છે.

4 પ્રકારના અડદિયા ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદરપાક, ખજૂર પાક, મેથી પાક, ગોળના લાડુની પણ ડિમાન્ડ રહે છે. કચ્છમાં એક માત્ર ખાવડા મેસૂક સેન્ટરના વેપારી દ્વારા 4 પ્રકારના અડદિયા બનાવવામાં આવે છે. જેમાં રેગ્યુલર અડદિયા, ડાયાબિટીક લોકો માટે સુગર ફ્રી અડદિયા, સુગરની જગ્યાએ ગોળમાંથી બનેલા ગોળના ગોળદિયા, તેમજ ઘી અને વધુ મસાલાથી દૂર રહેતા ડાયટ કોન્સિયસ લોકો માટે અડદિયા લાઈટ કે જેમાં ઓછી માત્રામાં ઘી અને મસાલા હોય છે.

  1. ટીમ ઇન્ડિયા કાઠીયાવાડીની શાહી બનાવાટ અડદિયા સાથે રીંગણાના ઓળાની લિજ્જત માણશે
  2. Winter Special Food: જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.