જૂનાગઢઃ ભારતના ચક્રવર્તી રાજાઓમાં સમ્રાટ અશોકનું નામ અગ્રહરોળમાં આવે છે. સમગ્ર ભારતમાં સમ્રાટ અશોકના શિલાલેખ જોવા મળે છે. જૂનાગઢમાં પણ 3000 વર્ષ પૂર્વે લખાયેલ સમ્રાટ અશોકના શિલાલેખો સચવાયેલા છે. દિવાળી તેમજ અન્ય પ્રસંગે જૂનાગઢની મુલાકાત લેતા પ્રવાસીઓમાં સમ્રાટ અશોકના શિલાલેખ માટે ભારે આકર્ષણ જોવા મળે છે.
શિલાલેખનું સાહિત્યઃ ચક્રવર્તી સમ્રાટ અશોકનું કલિંગાના યુદ્ધ બાદ હૃદય પરિવર્તન થઈ ગયું હતું. તેથી અશોકે પથ્થરોની મહાકાય શિલાઓ પર એક રાજાએ કેવી રીતે શાસન કરવું તેના વિશે સૂચનો કોતરાવ્યા હતા. સમ્રાટ અશોકે પશુ પક્ષીઓને ન મારવાની શીખામણનો પણ આ શિલાલેખોમાં સમાવેશ કર્યો છે. અશોકના વખતે મોર અને હરણમાંથી બનતો સૂપ બહુ પ્રચલિત હતો. જેની મનાઈ સમ્રાટ અશોકે ફરમાવી હતી. આ ઉપરાંત ઉત્સવો અને પ્રસંગોએ થતા હવનમાં પશુના બલિ ચડાવવા પર પણ સમ્રાટ અશોકે પ્રતિબંધ લાદ્યો હતો. રાજાઓ પર પણ જીવ હત્યા માટે પ્રતિબંધ લગાવ્યો હતો. રાજાના કર્તવ્યોને પણ વિસ્તારપૂર્વક આ શિલાલેખો પર દર્શાવેલા છે. આ ઉપરાંત સમ્રાટ અશોકના શાસનમાં કેવી જનસુવિધાઓ ઉપલબ્ધ હતી તેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ દરેક સૂચનો બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. આ ઉપરાંત જે તે સમયની 22 ભાષાઓમાં કોતરવામાં આવ્યા હતા. જેમાં સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાનો પણ સમાવેશ થાય છે. જૂનાગઢમાં સચવાયેલો શિલાલેખ આ પૈકીનો જ એક છે.
સમ્રાટ અશોક વિશેઃ ભારતના ચક્રવર્તી સમ્રાટ અશોક ભારતના મહાન રાજવી પૈકીના એક ગણાય છે. અશોકનું મૂળ નામ દેવોના પ્રિય એવા પ્રિયદર્શી હતું. કલિંગાના યુદ્ધ બાદ અશોકના હૃદયનું પરિવર્તન થઈ ગયું હતું. ત્યારબાદ સમ્રાટ અશોકે બુદ્ધ ધર્મ અપનાવીને અહીંસાનો માર્ગે જીવન વ્યતીત કર્યુ હતું. ત્યારબાદ અશોકે જનસુવિધાના અનેક વિકાસકાર્યો કરાવ્યા હતા. હવનમાં તેમજ ખોરાકમાં પશુ પક્ષીઓ પ્રત્યેની હિંસા પર પણ પ્રતિબંધ લાદી દીધો હતો. સમ્રાટ અશોક ચિકિત્સા વિજ્ઞાનમાં પણ માહેર હતા. માનવી ઉપરાંત તે પશુઓની પણ ચિકિત્સામાં ઊંડો રસ લેતા હતા. જેના માટે તેઓ જડીબુટ્ટીના છોડ અને રોપાઓ તૈયાર કરી વાવેતર કરાવતા હતા. સમ્રાટ અશોકે આદર્શ રાજાના કર્તવ્યોને શિલાલેખ સ્વરુપે તૈયાર કરાવ્યા. આ શિલાલેખો સમગ્ર ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સુધી મોકલવામાં આવ્યા હતા. ગુજરાતમાં જૂનાગઢમાં આજે પણ 3000 વર્ષ પૂર્વેના સમ્રાટ અશોકના શિલાલેખો સચવાયેલા છે.
અમે જૂનાગઢના ગિરનારની મુલાકાતે આવ્યા છીએ. અમે અહીં અશોકના શિલાલેખને જોયો જેમાં બૌદ્ધ ધર્મ અને અશોકે કરેલા શાસન વિશેનું વર્ણન પણ કમાલનું છે. સંસ્કૃતિ સચવાય તો જ ધર્મ સચવાય તેમ હું માનું છું તેથી હું મારા બાળકોને સાથે લઈને આ શિલાલેખ જોવા આવ્યો છું...દલસુખભાઈ(મુલાકાતી, અમદાવાદ)
સમ્રાટ અશોકે તેમના સમયમાં આ શિલાલેખો તૈયાર કરાવ્યા હતા. જેમાં કેવી રીતે જીવન જીવવું તે દર્શાવ્યું છે. પશુ વધ ન કરવો તેમજ માતા પિતા વૃદ્ધોનું સન્માન કરવું તેવું દર્શાવ્યું છે. આ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યા છે. આ શિલાલેખો ભારતના અનેક સ્થળોએ જોવા મળે છે. જેનું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા સંવર્ધન કરવામાં આવ્યું છે...શિવમ શુક્લા(કર્મચારી, અશોક શિલાલેખ, જૂનાગઢ)