ETV Bharat / state

નંબર એક, સુવિધા અનેક - જાણો કેવી રીતે 112 નંબર પર મળશે તમામ પ્રકારની ઇમરજન્સી સેવા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 3:45 PM IST

નંબર એક, સુવિધા અનેક
નંબર એક, સુવિધા અનેક

ગુજરાતમાં હાલ વિવિધ આકસ્મિક સ્થિતિ માટે 108 Ambulance સહિતના ઈમરજન્સી નંબર કાર્યરત છે. ત્યારે તમામ પ્રકારની ઈમરજન્સી સેવા એક સ્થાન પર સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે 112 ઇમરજન્સી નંબરની જાહેરાત કરવામાં આવી છે. જાણો શું છે અનેક સુવિધાઓ માટેના એકમાત્ર ઉપાય 112 emergency number

112 નંબર પર મળશે તમામ પ્રકારની ઇમરજન્સી સેવા

જૂનાગઢ : સમગ્ર દેશમાં 108 સહિત વિવિધ નંબર પરથી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્ત વ્યક્તિ ઈમરજન્સી સેવા મેળવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ માટે સમગ્ર દેશમાં એકમાત્ર નંબર અમલમાં આવી રહ્યો છે. આ અંગે 108 ઇમરજન્સી સેવાના ગુજરાત ઓપરેશન હેડ સતીશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. જાણો 108 ની નવી સુવિધાઓની અને નવા 112 ઇમરજન્સી નંબરની સેવા

112 ઇમરજન્સી સેવા : 108 ઇમરજન્સી સેવાના ગુજરાત ઓપરેશન હેડ સતીશ પટેલ જૂનાગઢ શહેરની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ ઇમરજન્સી સેવા નંબર 112 અંગે માહિતી હતી. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ માટે 112 નંબર અમલમાં આવવા જઈ રહ્યો છે. ઉપરાંત 108 ઈમરજન્સી સેવા પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થવા જઈ રહી છે. વર્તમાન સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવામાં ફેરફાર થવાની સાથે તમામ સેવા આધુનિક અને ડિજિટલ માધ્યમમાં પરિવર્તિત થવા જઈ રહી છે.

ગુજરાત 108 મોબાઈલ એપ્લીકેશન : 108 ઇમરજન્સી સેવાના ગુજરાત ઓપરેશન હેડ સતીશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત 108 ઈમરજન્સી સેવાની મોબાઈલ એપ્લીકેશન ઉપલબ્ધ છે. એક વર્ષ દરમિયાન ચાર લાખ કરતાં વધારે મોબાઈલ હેન્ડસેટમાં 108 સેવાની એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે. આ સેવાથી કોઈપણ વ્યક્તિને આકસ્મિક અને ઇમરજન્સીના સમયમાં માત્ર એપ્લિકેશન ચાલુ કરતા જ તે સ્થળનો GPS સાથેનો ડેટા અને તેની વિગત આપોઆપ 108 સેવાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં રજીસ્ટર થઈ જશે, ગણતરીની મિનિટોમાં જ નજીકમાં રહેલી 108 એમ્બ્યુલન્સ જે તે ઘટનાસ્થળ પર હાજર થઈ જશે.

તમામ પરિસ્થિતિનો એકમાત્ર ઉપાય : આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર 112 ઇમરજન્સી સેવા શરૂ કરવાને લઈને કામ કરી રહી છે. ગુજરાતમાં 112 ઇમરજન્સી સેવા ટેસ્ટીંગ પિરિયડમાં ચાલી રહી છે. આ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ તમામ પ્રકારની ઈમરજન્સી સેવાઓ માટે એકમાત્ર 112 નંબર અમલમાં આવવા જઈ રહ્યો છે. આ નંબર અમલમાં આવવાની સાથે જ અકસ્માત અને આગ સહિત તમામ પ્રકારની આકસ્મિક અને વિપરીત પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ સુધી ખૂબ જ ટૂંકા સમયમાં મદદ પહોંચી શકે તે માટેનું આયોજન પણ થઈ રહ્યું છે.

ઇમરજન્સી સેવા મેળવવી બની સરળ : સતીશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત 108 એપ્લિકેશનનો અમલ શરૂ થતા પૂર્વે ઈમરજન્સી સેવાના ઉપયોગમાં જે તે વ્યક્તિ દ્વારા ફોન કરીને ઘટના, જે તે વ્યક્તિનું નામ અને જે તે ઘટનાસ્થળ ફોન પર લખાવવાનો થતો હતો. જેના કારણે આ પ્રક્રિયા લાંબી બનતી હતી અને કેટલાક કિસ્સાઓમાં ભૂલ થવાની શક્યતા પણ નકારી શકાતી નહોતી. ત્યારે ગુજરાત 108 સેવાની મોબાઇલ એપ્લિકેશન તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદરૂપ બની છે.

એર અને બોટ સેવા : સતીશ પટેલ વધુમાં જણાવે છે કે, ગુજરાતમાં હાલ 8000 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. જેમાં ઓખા અને પોરબંદર વિસ્તારમાં 108 બોટ સેવા પણ કાર્યરત છે. આ બંને સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ છે. થોડા વર્ષ પૂર્વે શરૂ થયેલ એર એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવા માટે જે તે વ્યક્તિએ તેનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે.

તમામ એમ્બ્યુલન્સમાં બનશે એડવાન્સ : હાલ એડવાન્સ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ અને બેઝિક લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ સાથે ગુજરાતમાં એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવે છે. આવનારા દિવસોમાં આ તમામ એમ્બ્યુલન્સ સેવા એડવાન્સ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ સાથે બનાવવામાં આવે તેને લઈને પણ કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર બજેટ ફાળવવાની સાથે જ તમામ જિલ્લાઓમાં બેઝિક લાઈફ સપોર્ટિંગ સિસ્ટમની જગ્યા પર એડવાન્સ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ સાથેની 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવશે. પરંતુ તેનો સમયગાળો હજુ નક્કી થયો નથી. આ સેવાને લઈને 108 સેવામાં કામ કરતા તમામ કર્મચારીઓને તાલીમ આપવાનું પણ કામ ચાલી રહ્યું છે.

  1. 108 Ambulance Launch : અત્યાધુનિક 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી ટ્રેકિંગ સિસ્ટમથી આરોગ્ય સુવિધા બનશે ઝડપી- ઋષિકેશ પટેલ
  2. Dhvani Project : ટ્રાફિકજામમાં એમ્બ્યુલન્સ ફસાવાના બનાવો પર લાગશે આ રીતે પૂર્ણવિરામ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.