ETV Bharat / state

tauktae cyclone: કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત

author img

By

Published : May 28, 2021, 9:31 PM IST

કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત
કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત

કેન્દ્રીય ટીમે ખેતી, બાગાયત અને મકાનોને થયેલી નુકસાની અંગેનો તાગ મેળવી ઉના પ્રાંત કચેરી ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી વાવાઝોડા(tauktae cyclone) સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી તાત્કાલિક કામગીરીની સમીક્ષા કરી હતી.

  • કેન્દ્રની ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત
  • ગાંગડા, સામતેર, દેલવાડા અને નલિયા માંડવી ગામના અસરગ્રસ્ત ખેડૂતો સાથે કર્યો સંવાદ
  • ગુજરાત સરકારે વાવાઝોડા પૂર્વે અને પછી યુદ્ધના ધોરણે કામગીરી કરી છે: કેન્દ્રીય ટીમ

ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડા(tauktae cyclone)થી પ્રભાવિત થયેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગામોની કેન્દ્ર સરકારની ટીમે મુલાકાત લઇ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો અને લોકો સાથે નુકસાની અંગેનો તાગ મેળવવા સંવાદ કર્યો હતો. કેન્દ્રીય ટીમના સભ્યોએ ઉના તાલુકાના ગાંગડા, સામતેર, દેલવાડા અને નલિયા માંડવી સહિતના ગામોની મુલાકાત લઇ ગામમાં તેમજ બાગ-બગીચાઓ કે જ્યાં ખેતી અને બાગાયતી પાકોને વધુ નુકસાન થયું છે, તે વિસ્તારોની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.

આ પણ વાંચોઃ વલસાડમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી

ગામ લોકો પાસેથી માહિતી મેળવી

કેન્દ્રીય ટીમના સભ્યોએ અને ઉચ્ચ અધિકારીઓએ ઉના પંથકમાં કેરીના બગીચા તેમજ નાળિયેરીના પાકને થયેલા નુકસાન તેમજ ઘરવખરી મકાનોને થયેલા નુકસાનની વિગતો ગામ લોકો પાસેથી જાણીને વાવાઝોડા પૂર્વે સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે તાત્કાલીક ખસેડવામાં આવતા વાવાઝોડાની ભયાનકતા પ્રમાણે જાનહાનિ નહિવત ખૂબ ઓછી થઈ છે તેની પણ વિગતો સ્થાનિક અધિકારીઓ અને ગામ લોકો પાસેથી જાણી હતી.

કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત
કેન્દ્ર સરકારની ટીમે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા ઉના તાલુકાના ગામોની લીધી મુલાકાત

સર્વેની કામગીરી તેમજ રિસ્ટોરેશનની કામગીરી અંગેની માહિતી આપી

ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાત વેળાએ રાહત કમિશ્નર હર્ષદ પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આપવામાં આવેલી તાત્કાલિક રાહતો અને સર્વેની કામગીરી અંગેની અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અજય પ્રકાશે સ્થાનિક જિલ્લામાં થયેલી રાહત બચાવ અને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલી સહાય અને સર્વેની કામગીરી તેમજ રિસ્ટોરેશનની કામગીરી અંગેની માહિતી આપી હતી.

વીડિયો કેન્ફરેન્સ દ્વારા બેઠક

ઉના તાલુકાના ગામડાઓની મુલાકાત બાદ કેન્દ્રીય ટીમે ઉના પ્રાંત કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા પૂર્વે અને પછી તાત્કાલિક કરવામાં આવેલી કામગીરી, અસરગ્રસ્ત લોકોને પહોંચાડવામાં આવેલી રાહતો અને ખેડૂતોના રાહત પેકેજ અંગેની માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કુલ 500 કરોડની આર્થિક સહાયની ખેડૂતો જોડે મજાક કરી હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપઃ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા

મુખ્ય સચિવે આભાર વ્યક્ત કર્યો

મુખ્ય સચિવે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક આપવામાં આવેલી મદદ તેમજ વડાપ્રધાન દ્વારા વાવાઝોડાના બીજા જ દિવસે નિરીક્ષણ અને ગુજરાતમાં NDRFની 44 ટીમ દ્વારા રોડ પરથી ઝાડ અને અડચણો દૂર કરી રસ્તા ખૂલ્લા કરવાની કામગીરી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાત સરકારના સંકલન વચ્ચે વાવાઝોડા પૂર્વે આપવામાં આવેલી માહિતી લીધે લોકોને સાવચેત કરી પૂર્વ આયોજન કરાયું સહિતની તમામ કામગીરીમાં કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મદદ અંગે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી. રેવન્યૂ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે પણ ગુજરાતમાં તાત્કાલિક કરવામાં આવેલી કામગીરીની સર્વગ્રાહી વિગતો આપી હતી.

કેશડોલની સહાય ચૂકવી દેવામાં આવી

મુખ્ય સચિવે કહ્યું હતું કે, પ્રભાવિત વિસ્તારોમાં ઇલેક્ટ્રિસિટીના રિસ્ટોરેશન માટે યુદ્ધના ધોરણે કામગીરી થઇ છે. આ ઉપરાંત તાત્કાલિક મકાન અને ખેતી અંગેના નુકસાનનો સર્વે પૂર્ણ થઈ ગયા છે. તમામ પાત્રતા ધરાવતા સ્થળાંતરિત થયેલા અસરગ્રસ્તોને કેશડોલની સહાય ચૂકવી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ રણમાં વાવાઝોડાથી અગરીયાઓને લાખોનું નુકસાન

કેન્દ્રીય ટીમે સરકારની કામગીરીને આવકારી

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay rupani)ના માર્ગદર્શન હેઠળ વાવાઝોડાથી પ્રભાવિત થયેલા વિસ્તારોના ખેડૂતો માટે નુકસાનીના વળતર અંગેનું રૂપિયા 500 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેની પણ તાત્કાલિક અમલવારી કરીને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજળી, પાણી અને આવશ્યક સેવાઓ તેમજ કોરોનાના દર્દીઓ માટે કરાયેલું આયોજન સહિતની વિગતો આપવામાં આવી હતી. કેન્દ્રીય ટીમે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વાવાઝોડા પૂર્વે અને પછી તાત્કાલિક રાહત અને મદદ લોકોને મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. ઇલેક્ટ્રિસિટીના રિસ્ટોરેશન માટે ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ છે. લોકોને જુદા જુદા પ્રકારની રાહતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે તે અંગે પણ કેન્દ્રીય ટીમે સરકારની કામગીરીને આવકારી હતી.

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ મુલાકાતમાં ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક મહેશ કુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક જીતેશ શ્રીવાસ અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી રાજીવ પ્રતાપ દુબે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુલાકાત ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખટાલે, ઉનાના પ્રાંત અધિકારી ભાવના બા ઝાલા અને નાયબ કલેક્ટર વિનોદ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.