ગાંધીનગર : સાતમી મેના રોજ ગુજરાત સરકારના ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટીની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 18 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા માટેના ફોર્મ ભર્યા છે.તલાટી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઉમેદવારોને પોતાના જિલ્લામાં નહીં પરંતુ અલગ અલગ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે.
ઝોન પ્રમાણે પરીક્ષા કેન્દ્રો : ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઈને જુનિયર ક્લાર્ક પરીક્ષાઓમાં જે રીતે અલગ અલગ જિલ્લાઓની ફાળવણી ઉમેદવારોના કરવામાં આવી હતી તે રીતની જ ફાળવણી આ વખતે પણ કરવામાં આવશે.
આ પણ વાંચો Talati Exam 2023 : તલાટી પરીક્ષાના 18 લાખ ઉમેદવારોએ આ તારીખ સુધીમાં આપવું પડશે કન્ફર્મેશન
દૂર હશે પરીક્ષા કેન્દ્ર : તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ ઉમેદવારોને પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા નહીં દેવામાં આવે. તલાટી પરીક્ષામાં તમામ લોકોને પોતાના રહેવાસી અમુક કિલોમીટરના દૂર નજીકના જિલ્લામાં પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવશે. આમ ઉત્તર દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર ઝોન પ્રમાણેનું પરીક્ષા કેન્દ્ર અંતર્ગત ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવશે.
20 એપ્રિલ અંતિમ દિવસ : ગુજરાત રાજ્યની જાહેર પરીક્ષામાં લાખોની સંખ્યામાં યુવકો અને યુવતીઓ પરીક્ષા માટેના ફોર્મ ભરે છે. પરંતુ પરીક્ષા આપવા માટે ફક્ત ગણતરીના જ લોકો એટલે કે 40 થી 50 ટકા લોકો જ પરીક્ષા આપે છે. ત્યારે ગુજરાત સરકારના જે તે વિભાગનો વહીવટી તંત્ર ઉપરાંત સ્ટેશનરીનો પણ ઘણો ખર્ચ થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા પહેલા સંમતિ પત્રક આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો હતો. તલાટીની પરીક્ષામાં 20 એપ્રિલ સવારના 11 વાગ્યા સુધી જ ઉમેદવારો સંમતિ આપશે તેવા ઉમેદવારોને જ પરીક્ષા આપવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો TALATI EXAM 2023: 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાશે
અત્યાર સુધી કેટલા સંમતિ પત્રક? : તલાટી પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારો દ્વારા કન્ફર્મેશન આપવાનો નિર્ણય ફરજિયાત કરાયો છે અને હવે બે દિવસ બાકી છે ત્યારે હજુ સુધી કેટલા ઉમેદવારોએ સંમતિ પત્રક આપ્યો છે તે બાબતે હસમુખ પટેલે કોઈ જ પ્રકારની સ્પષ્ટતા કરી ન હતી. ઉલ્લેખનીય છે કે 20 એપ્રિલના સવારે 11 વાગ્યા સુધી તલાટી પરીક્ષામાં બેસવા ઇચ્છનાર ઉમેદવારો સંમતિ પત્રક આપી શકશે.
કેવું રહેશે પેપર? : તલાટીની પરીક્ષા બાબતે હસમુખ પટેલે નિવેદન આપ્યું હતું કે મંડળ દ્વારા એવું પ્રશ્ન પેપર તૈયાર કરવામાં આવશે જેથી ઉમેદવારોને આજુબાજુ જોવાનો કોઈ પ્રકારનો ટાઈમ જ નહીં મળે. જ્યારે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે તે વિદ્યાર્થીઓને કેપેસિટી પ્રમાણેનું રહેશે. જ્યારે તમામ કેન્દ્રોની તૈયારીઓ સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત પરીક્ષાના 7 થી 8 દિવસ પહેલા કોલ લેટર ડાઉનલોડ કરવાનું સૂચના પણ ઉમેદવારોને આપવામાં આવશે.