ETV Bharat / state

OBC Reservation : સરકારે કરી OBC અનામત અંગે જાહેરાત, નિર્ણયથી અસંતુષ્ટ વિપક્ષના સરકાર પર આક્ષેપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2023, 7:06 PM IST

OBC Reservation
OBC Reservation

રાજ્યમાં OBC વર્ગને અનામત મુદ્દે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ઝવેરી પંચ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે આજે રાજ્ય સરકારે રાજ્યમાં ઓબીસી વર્ગને ફ્લેટ 27 ટકા અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે વિરોધ પક્ષ કોંગ્રેસ હજુ પણ આ નિર્ણયથી સંતુષ્ટ નથી. ત્યારે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા.

OBC Reservation

ગાંધીનગર : સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022 ના રોજ ઝવેરી પંચની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગની બેઠક નક્કી કરતા પહેલા રાજ્ય સરકારે સૂચના આપી હતી. જેમાં કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાનો સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર વિશ્લેષણ કરીને પંચ દ્વારા સંપૂર્ણ રિપોર્ટ આપવામાં આવે. ઝવેરી પંચ દ્વારા 13 એપ્રિલ 2023 ના રોજ રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજે સરકારે ઓબીસીને રાજ્યમાં 27 ટકા ફ્લેટ અનામત આપવાની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારનો નિર્ણય : રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ઓબીસી અનામત બાબતે જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં ઝવેરી પંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કેબિનેટ બેઠકમાં પણ આ રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનામતમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી સમાજને ફ્લેટ 27% અનામત આપવાનો નિર્ણય થયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યમાં ઓબીસી સમાજને 10% અનામત છે. ત્યારે હવે 27% ફ્લેટ અનામત આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

ઝવેરી પંચ દ્વારા ગુજરાતમાં ઓબીસી સમાજની કુલ વસ્તી 50% થી વધુ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ઝવેરી પંચ દ્વારા જે પણ ભલામણ કરવામાં આવી છે. તે રાજ્ય સરકારે સ્વીકારી છે. તમામ લોકોનું હિત સચવાઈ રહે તે માટે રાજ્ય સરકારે ફ્લેટ 27% અનામત આપવાનો નિર્ણય કર્યો છે.-- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન, ગુજરાત સરકાર)

OBC ફ્લેટ 27% અનામત : ઋષિકેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે, એસસી, એસટી સમાજને જે પણ અનામત મળતી હતી તેમાં કોઈપણ પ્રકારનો ફરક પડ્યો નથી. જ્યારે ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તાર અને પૈસા એક્ટની જોગવાઈ લાગુ કરે છે. તે સિવાયના વિસ્તારમાં વોર્ડ અને બેઠકો માટે તેમજ હોદ્દાઓ માટે અન્ય પછાત વર્ગને 27% અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોની હોદ્દાઓ સહિતની બેઠકોમાં 50% ની મર્યાદામાં આ કમિટી ભલામણ કરે છે. એટલે કે એસસી, એસટી અને ઓબીસી 50% ની મર્યાદામાં ઓબીસી ફ્લેટ 27% ની અનામત સબ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ભણકારા : રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા એક વર્ષની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અને 7100 જેટલી ગ્રામ પંચાયતમાં વહીવટીનું શાસન છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના રિપોર્ટના અભ્યાસ બાદ ઓબીસી સમાજ માટે 27% ફ્લેટ અનામતની જાહેરાત કરી છે. હવે નવરાત્રીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે તેવા ભણકારા વાગી રહ્યા છે. આ બાબતે ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં લોકોને સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિઓ પ્રાપ્ત થશે અને ઝડપથી ચૂંટણી થાય તે રીતનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારે ઓબીસી સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાની કામગીરી કરી છે. જ્યારે સરકારની જાહેરાતમાં સરકારની ઈચ્છા સારી નથી દેખાતી. જેથી સરકાર યુનિટ મુજબ ઓબીસી સમાજને અનામત આપે. ગુજરાતના આઠ મહાનગરોમાં 40% ઓબીસી સમુદાયની વસ્તી છે. નવ જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લામાં 54% વસ્તી ઓબીસી સમાજની છે. ત્યારે 27% ની અનામત ઓબીસી સમાજ સાથે હળહળતો અન્યાય છે. -- અમિત ચાવડા (વિપક્ષ નેતા, કોંગ્રેસ)

ગુજરાતમાં OBC વસ્તી : જ્યારે શહેરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પણ વોર્ડ બેઠકો અને હોદ્દાઓ માટે ઓબીસી માટે 27% અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે 50% મર્યાદામાં કમિટીએ ભલામણ કરી છે. આમ શહેરી વિસ્તારમાં એસસી, એસટી અને ઓબીસીમાં 50% ની મર્યાદામાં 27% ઓબીસીની અનામત આપવામાં આવશે. ઉપરાંત જે સંસ્થાઓમાં એસસી-એસટીને બેઠકમાં નુકસાન થાય તેવી શક્યતા છે. તેવામાં પંચાયતના અધિનિયમ મુજબ તેમની 10% બેઠક અનામત જ રાખવામાં આવી છે. આ મુજબ કાયદામાં ફેરફાર પણ કરવામાં આવશે.

વિપક્ષનો આક્ષેપ : રાજ્ય સરકારની ઓબોસી અનામત મુદ્દે જાહેરાત બાદ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે ઓબીસી સમાજ સાથે ફરીથી અન્યાય કર્યો છે. રાજ્ય સરકારે વસ્તી પ્રમાણે 27% અનામત ફાળવી નથી. પરંતુ સરકારે ફક્ત જન્મ-મરણ પ્રમાણપત્રના ડેટા અને મતદારોને ધ્યાનમાં લઈને જ આ એનાલીસીસ કર્યું છે.

ફરી વિરોધની ચીમકી : આ ઉપરાંત અમિત ચાવડાએ ઝવેરી પંચના રિપોર્ટને પબ્લિક ડોમિનમાં મૂકવાની પણ માંગ કરી છે. ત્યારે જો રાજ્ય સરકાર માંગ નહીં સ્વીકાર કરે તો આગામી દિવસોમાં ઓબીસી સમાજ વચ્ચે જઈને ફરીથી વિરોધ પણ કરવામાં આવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે તે અસ્વીકાર્ય અને જ્યારે ભાજપ આ બાબતે ઉજવણી કરશે ત્યારે આ ઉજવણી એક અપમાનની ઉજવણી હશે તેવા આક્ષેપ પણ અમિત ચાવડાએ કર્યો હતો.

  1. OBC Bachao Movement : OBC મુદ્દે કોંગ્રેસને બોલવાનો હક્ક નથી : ઋષિકેશ પટેલ
  2. OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.