મળતી માહિતી મુજબ દહેગામ તાલુકામાં આવેલા મોટા જલુન્દ્રા ગામની સીમમાં બનાવટી ઘી બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ગાંધીનગર લોકલક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારે PSI પી.એલ. પઢીયાર સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા આ દિશામાં તપાસ વેગવંતી બનાવી હતી.
જેમાં પોલીસે રેડ કરતા રાકેશ ધીરજલાલ આચાર્ય (મૂળ રહે, સિટી સેન્ટર નરોડા પાટીયા અમદાવાદ) પ્લોટ નંબર એ-203માં પતરાનો શેડ બનાવીને બનાવટી ઘી બનાવી રહ્યો હતો. પોલીસે ડ્રગ્સ અધિકારી આશાબેન સોઢાને બોલાવીને આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
બીજી તરફ સમગ્ર વિસ્તારમાં વેપારીઆલમમાં એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, બનાવટી ઘી બનાવતી ફેક્ટરીઓની હાટડીઓ ખૂલી ગઈ છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની નજરમાં આવતું નથી. ત્યારે પોલીસ આ પ્રકારના કામગીરી કરે છે તે સરાહનીય છે.
પોલીસે સ્થળ પરથી સ્ટોન ફિલ્ડ ઘી ક્લાસિક ફ્લેવર, નકલી ઘી બનાવવા માટે કરવામાં આવતુ કેમિકલ, ઘીના ડબ્બા પેક કરવાનું મશીન, ડબ્બા સીલ કરવાનું મશીન સહિત રૂ.7,4,615 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાકેશ ધીરજલાલ આચાર્ય અગાઉ નરોડામાં ડુપ્લીકેટ ઘી બનાવતા ઝડપાયો હતો. જેની પાસેથી આશરે 1.60 લાખનું બનાવટી ઘી દિવાળીના સમયમાં ઝડપી લેવામાં આવ્યું હતું.