ઉમરગામમાં ભાજપ સેવા હી સંગઠન કાર્યક્રમ હેઠળ માત્ર 68 યુનિટ રક્ત એકત્રિત કરી શક્યું

author img

By

Published : May 31, 2021, 1:20 PM IST

ઉમરગામમાં ભાજપ સેવા હી સંગઠન કાર્યક્રમ હેઠળ માત્ર 68 યુનિટ રક્ત એકત્રિત કરી શક્યું

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેવામાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 7 વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. જોકે, કાર્યક્રમોનો ફિયાસ્કો થયો હતો.

  • દમણના ઉમરગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું
  • રક્તદાન શિબિરમાં માત્ર 68 યુનિટ રક્ત એકત્રિત કરાયું
  • સામાન્ય દિવસોમાં 100 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરાય છે
  • ભાજપના રક્તદાન કેમ્પમાં કાર્યકરોએ માત્ર ફોટા પડાવ્યા

દમણઃ દેશની સૌથી મોટી પાર્ટીમાં કોરોના કાળની અસર વર્તાઈ હોય એમ વડાપ્રધાન મોદીના શાસન કાળના 7 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અર્થે યોજાયેલા કાર્યક્રમોમાં કાર્યકરો તો દેખાયા પણ દરેક કાર્યક્રમોનો જાણે ફિયાસ્કો થયો હતો. સામાન્ય દિવસોમાં પણ જે કાર્યક્રમમાં 100 યુનિટથી વધુ રક્ત એકત્ર કરી શકાય તેમ છતા ભાજપના આ મહત્વના કાર્યક્રમમાં રક્તદાતાઓ કરતા ફોટા પડાવવા કાર્યકરો વધારે જોવા મળ્યા હતા. ઉમરગામમાં યોજાયેલા રક્તદાન શિબિરમાં માત્ર 68 યુનિટ રક્ત એકત્ર થયું હતું.

આ પણ વાંચોઃ પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

કેન્દ્ર સરકારમાં ભાજપના 7 વર્ષની ઉજવણી કરાઈ

વલસાડ જિલ્લામાં ભાજપ દ્વારા દરેક તાલુકામાં ભાજપના કેન્દ્રમાં સફળ 7 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ઉમરગામ તાલુકાના ભીલાડ ભંડારી સમાજ હોલમાં વન અને આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 68 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું.

આ પણ વાંચોઃ કેન્દ્રમાં સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જૂનાગઢ શહેર ભાજપે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

રાજયપ્રધાનની હાજરીમાં કાર્યક્રમનો ધબડકો

ઉમરગામ તાલુકામાં સેવા-હી-સંગઠન કાર્યક્રમના ઈન્ચાર્જ અને તાલુકા ઉપપ્રમુખ દોલત પટેલની અધ્યક્ષતામાં અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રકતદાન શિબિર યોજાઈ હતી, જેમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, હાલ જિલ્લામાં અને ઉમરગામ તાલુકામાં કોરોનાના કપરા કાળમાં દર્દીઓને બચાવવા માટે લોહીની મોટી જરૂરિયાત ઉભી થઈ છે.

દેશમાં કોરોના કાળમાં રક્તની અછત છેઃ પાટકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન કાળના 7વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે લોકોને મદદરૂપ થવાની ભાવનાએ રવિવારે સમગ્ર જિલ્લા અને તાલુકામાં રક્તદાન શિબિરનું આયોજન કરી રકતની અછતને પહોંચી વળવાનો અમારો આ પ્રયાસ રહ્યો છે. અહીં આખા દિવસ દરમિયાન અન્ય સેવાકીય કાર્યમાં માસ્ક વિતરણ, દવાખાનામાં દર્દીઓને ફળ અને બિસ્કિટ વિતરણ જેવા કાર્યક્રમો પણ હાથ ધરી મદદરૂપ થવાની ભવાના સાથેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, રક્તની ઘટ હોવા છતાં કાર્યક્રમમાં ફોટા પાડવા આવેલા કાર્યકરો રક્તદાન કરવાથી અલગા રહેતા માત્ર 68 યુનિટ રક્ત જ એકત્ર થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.