ETV Bharat / state

કોરોનાગ્રસ્ત સગર્ભાની ડિલિવરી દરમિયાન કરૂણ મોત, બાળકની તબિયત નાજુક

author img

By

Published : Apr 24, 2021, 12:27 PM IST

યુવતીને કોરોના ભરખી જતાં પરિવારમાં માતમ
યુવતીને કોરોના ભરખી જતાં પરિવારમાં માતમ

બનાસકાંઠામાં ધનિયાવાડા ગામની એક 24 વર્ષીય યુવતીને કોરોના ભરખી જતાં પરિવારમાં માતમ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાગ્રસ્ત સગર્ભાની ડિલિવરી દરમિયાન કરૂણ મોત થયું હતું. જ્યારે, બાળકની તબિયત નાજુક હોવાથી પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

  • વડગામના ધનિયાવાડાની કોરોનાગ્રસ્ત મહિલાનું ડિલિવરી દરમિયાન મોત
  • બાળકની તબિયત નાજુક હોવાથી પાટણ ધારપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • બાળકની ચીચીયારીની વાટે બેઠેલા પરિવારની ખુશીઓને કોરોનાએ કરી વેરવિખેર

બનાસકાંઠા: ગુજરાતમાં કોરોનાએ માજા મુકી છે. ત્યારે, બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો છે. આ દરમિયાન, દાંતીવાડાની એક ઘટના સામે આવી છે. જેમાં, આ ગામની એક યુવતીનો પણ સમાવેશ થાય છે. ધનિયાવાડા ખાતે રહેતા સરોજબેનના લગ્ન 2 વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ મુજબ રાજસ્થાનના હડમતીયા ગામે રહેતા ક્રિપાલસિંહ દેવડા સાથે થયા હતા. સરોજબેન નાનપણથી જ હસમુખા અને મળતાવડા સ્વભાવના હોવાથી લગ્ન બાદ સાસરીમાં પણ તેઓ સૌના પ્રિય બની ગયા હતા. તેમનું દામ્પત્ય જીવન ખુબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. તે દરમિયાન, તેમના શ્રીમંત બાદ તેમના પિયર તેડી લાવ્યા હતા.

આ પણ વાંચો: પાલનપુરની બનાસ કોવિડ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ઓક્સિજનનો પ્લાન્ટ શરૂ

બાળકના જન્મ સાથે જ કોરોનાગ્રસ્ત સરોજબેન

કુદરતને આ મંજૂર ન હોય તેમ પુરા માસે સરોજબેન કોરોના સંક્રમિત થતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેઓને પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં, ડિલિવરી દરમિયાન બાળકના જન્મ સાથે જ કોરોનાગ્રસ્ત સરોજબેનનું કરુંણ મોત થયું હતું, અત્યારે બાળકની તબિયત નાજુક હોવાથી તેની સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ લગ્નના 2 વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. કુદરતને પણ આ મંજૂર ના હોય તેમ આ જોડી ખંડિત થઈ ગઈ છે. સૌના પ્રિયા અને હંમેશા હસતા અને હસાવતા સરોજબેનના મોતથી પરિવારમાં માતમ જેવો માહોલ છવાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન વગર અનેક દર્દીઓના મોત

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં કોરોનાના વધેલા સંક્રમણના કારણે હાલ કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. જેના કારણે, હાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓની સંખ્યા સામે આવી રહી છે. હાલમાં, બનાસકાંઠા જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર પણ મળી રહી નથી. જેનું કારણ છે કે, હાલમાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ રહી છે, તો બીજી તરફ સતત વધતા જતા કોરોના વાઇરસના દર્દીઓના કારણે સારવારમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં વધતા જતા કોરોના કેસને લઈને 5 દિવસ માટે ડીસા સ્વયંભૂ બંધ

ઓક્સિજન પૂરો પાડવામાં આવે તો લોકો બચી શકશે

એક તરફ સરકાર કોરોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આયોજન કરી રહી છે. તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે, તાત્કાલિક ધોરણે સમયસર સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન પૂરો પાડવામાં આવે તો હજુ પણ અનેક દર્દીઓ બચી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.