ETV Bharat / state

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાનું શરૂ

author img

By

Published : Feb 11, 2021, 8:42 PM IST

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાનું શરૂ
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાનું શરૂ

બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભરવાનો શુભારંભ કર્યો છે. આજે ગુરુવારે વોર્ડ નંબર 3માંથી મહિલા ઉમેદવારે ઉમેદવારીપત્ર રજુ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • ડીસા નગરપાલિકા ચૂંટણીનું કાઉન-ડાઉન શરૂ
  • ડીસા નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ભરવાના થયા શ્રીગણેશ
  • ટિકિટ માટે ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધ

બનાસકાંઠાઃ 28 ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે તમામ પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર ખાતે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ ક્યાંકને ક્યાંક ભાજપમાં વિખવાદના કારણે હજુ સુધી એક પણ ઉમેદવારોએ પોતાનું ચિત્ર સ્પષ્ટ કર્યું નથી. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. દર 5 વર્ષે યોજાતી નગરપાલિકાની ચૂંટણીઓમાં ખરાખરીનો જંગ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં જામતો હોય છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાને ઉતારતાં આગામી સમયમાં ચોક્કસ પણે બનાસકાંઠાની ચૂંટણીઓમાં ત્રિપાંખિયા જંગ જામી શકે છે.

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ફોર્મ ભરવાનું શરૂ

કોંગ્રેસ શહેર પ્રમુખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ આજે ગુરુવારથી ઉમેદવારીપત્ર ભરવાનો શુભારંભ કર્યો છે. વોર્ડ નંબર 3 માંથી મહિલા ઉમેદવાર સીતા દેખાઈએ નાયબ કલેક્ટર કચેરીએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. 5 વર્ષના ભાજપના શાસનમાં વોર્ડ નંબર 3માં વિકાસના કામો નહિવત જેટલા થયા હોવાથી આ વખતે ડીસા નગરની જનતા કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ડીસા નગરપાલિકામાં 92,000 મતદારો

ડીસા શહેરમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં 92,000 મતદારો છે. જેમાં ગત ટર્મમાં ભાજપે કોંગ્રેસને માત આપી નગરપાલિકા પર શાસન કર્યું હતું, પરંતુ આ વખતે યોજાનારી ચૂંટણીમાં પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. ડીસા નગરજનો ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને જેના કારણે આવનારા સમયમાં ડીસા નગરપાલિકામાં પરિવર્તન થવાની ચર્ચાએ શહેરમાં જોર પકડી છે. હાલમાં ભાજપમાં ઉમેદવારોએ ટિકિટ મેળવવા માટે ચગડોળે ચડયા છે. ક્યાંકને ક્યાંક ટિકિટ માટે ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના કારણે આવનારા સમયમાં ક્યાંકને ક્યાંક આ વિરોધનો ફાયદો કોંગ્રેસને થઈ છે.

ભાભરમાં ભાજપે 8 ફોર્મ ભર્યાં

બનાસકાંઠા જિલ્લામાં ભાભર માટે ભાભર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં ગત ટર્મની નગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક લોકોએ ખોબલે-ખોબલે મત આપી ભાભર નગરપાલિકામાં 24 ઉમેદવારો ભાજપના મોકલ્યા હતા અને જેના કારણે 5 વર્ષ સુધી ભાભર નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલતું હતું, પરંતુ ક્યાંકને ક્યાંક અનેક વિકાસના કામો નહીં થતાં સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે આ તમામ ચર્ચાઓ વચ્ચે ભાભર નગરપાલિકામાં ફરી ચૂંટણી લડવા માટે ભાજપના 8 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.