- ડીસા તાલુકાના રાણપુર ગામેથી ગાંજો ઝડપાયો
- 400 કિલ્લાથી વઘુનો ગાંજો ઝડપાયો
- પોલીસે 40 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી અટકાયત
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે નશાયુક્ત પદાર્થોનું મોટા પ્રમાણમાં ધૂમ વેચાણ થાય છે. રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં આમ તો દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે પરંતુ હવે દારૂની જગ્યાએ બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ગાંજાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માલિકીના ખેતરમાં નશાયુક્ત ગાંજાનું કેટલાક ખેડૂતો મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે, ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા અત્યાર સુધી અનેક ખેતરો પર દરોડા પાડી મુદ્દામાલ જડપવામાં આવ્યો હતો.
પોલીસે ખેતર માલિક સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી, જ્યારે બે આરોપીઓ ફરાર
ડીસા તાલુકાના રાણપુર ગામમાં ગાંજાની ખેતી થતી હોવાની ઘટના સામે આવી છે. રાણપુર ઉગમણાવાસની સીમમાં ગાંજાની ખેતી થતી હોવાની માહિતી મળતા જ SOGની ટીમે તપાસ હાથ ધરી હતી અને ગત મોડી સાંજે ખેતરમાં તપાસ કરતાં ખેતરામાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેથી પોલીસે 407.16 કિલોગ્રામ વજનના 6344 છોડ કબજે કર્યા હતા, અને છોડ તેમજ મોબાઈલ સહિત કુલ 40.82 લાખ રૂપિયાનો મુદામાલ પણ જપ્ત કર્યો છે. SOGની ટીમે ખેતર માલિક સહિત કુલ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે પાંચ આરોપીઓ સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ રાજકોટ પોલીસે 10 કિમી કારનો પીછો કરી બે શખ્સો સહિત 41 કિલો ગાંજો ઝડપ્યો
એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ડીસા તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસમાં મહત્વની બાબત એ છે કે, આટલા મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર આખરે કઈ રીતે થયું. ગાંજાના બીજું સપ્લાય કોણે કર્યું. તેમજ નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં આટલા મોટા ગાંજા સાથે પકડાયેલા આરોપીઓ સાથે બીજા કેટલાક લોકો જોડાયેલા છે. આ તમામ બાબતે પોલીસે તપાસ હાથધરી છે. બનાસકાંઠાના ગુનાહિત ઈતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજો પકડાયો હોય તેવી આ પહેલી ઘટના છે.
પકડાયેલા આરોપીઓ
- અજય ઈશ્વરભાઈ રબારી
- દીનેશસિંગ માણેકસીંગ ઠાકોર
- લક્ષમણજી બાબુજી વાઘેલા
ફરાર આરોપીઓ
- મનુ ઉર્ફે હર્ષદ ચમનભાઈ મેવાડા
- મેહુલ સોમાભાઈ મેવાડા