ETV Bharat / state

બનાસકાંઠાઃ 50 વર્ષ બાદ બટાકાના ભાવમાં વધારો, જાણો ખેડૂતો અને વેપારીઓના મંતવ્યો...

author img

By

Published : Oct 22, 2020, 9:03 PM IST

ETV BHARAT
50 વર્ષ બાદ બટાટાના ભાવમાં વધારો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવમાં વધારો થયો છે. બટાકાના ભાવમાં ઐતિહાસિક વધારો થતાં વેપારીઓ અને ખેડૂતોના ચહેરા પર ખૂશી જોવા મળી રહી છે.

  • 50 વર્ષ બાદ બટાકાના ભાવમાં વધારો
  • ભાવ વઘતાં ખેડૂતો અને વેપારીઓ ખુશ
  • બટાકાના ભાવ વઘતાં મોટા ખેડૂતોને ફાયદો

બનાસકાંઠાઃ ડીસાને ગુજરાતની બટાકા નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આ વર્ષે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર બટાકાના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે. દર વર્ષે ખેડૂતો સારી આવકની આશા રાખી મોટા પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન કરતા હોય છે. પરંતુ ગત 5 વર્ષથી ડીસા શહેરમાં ખેડૂતો બટાકામાં મંદી ભોગવતા ખેડૂતો ભારે પાયમાલ થઇ ગયા હતા. ત્યારે આ વર્ષે રેકોર્ડ બ્રેક બટાકાના ભાવમાં વધારો થતાં ખેડૂતોને મહદઅંશે રાહત મળી શકશે. જેથી ખેડૂતો એક જ માગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા બટાકામાં આ પ્રમાણે જ ભાવ ટકાવી રાખવામાં આવશે, તો ખેડૂતો વર્ષોના દેવામાંથી બહાર આવી શકશે.

50 વર્ષ બાદ બટાકાના ભાવ વધતા ખેડૂતો અને વેપારીઓ ખુશ

ડીસામાં બટાકાના વાવેતરની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી સૌથી બટાકાના પ્રતિ કિલો 20 રૂપિયા ભાવ હતો, પરંતુ આ વર્ષે 35થી 40 રૂપિયે કિલો બટાકા વેચાતા વેપારીઓ અને ખેડૂતોને ઘણા વર્ષો બાદ મોટો ફાયદો થયો છે. સતત મંદીના કારણે ચાલુ વર્ષે બટાકાનું વાવેતર પણ ઓછું થતાં ઉત્પાદન ઓછું થયું હતું. એક તરફ બટાકાનું ઉત્પાદન ઓછું અને બીજી તરફ કોરોના મહામારીના કારણે માંસાહાર લેતા લોકો શાકાહાર તરફ જતા પણ બટાકાની માગ વધી છે. આ માગમાં વધારો થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખૂશી જોવા મળી રહી છે.

50 વર્ષ બાદ બટાટાના ભાવમાં વધારો

બટાકાની 80 લાખ બોરી કોલ્ડ સ્ટોરેજમાં...

ડીસા શહેરમાં ચાલુ વર્ષે 200 કોલ્ડ સ્ટોરેજોમાં 2.5 કરોડ જેટલી બટાકાની બોરીનો સંગ્રહ થયો હતો. જેની સામે હાલ માત્ર બટાકાની 80 લાખ બોરી કોલ્ડ સ્ટોરેજમાં છે. ગત ઘણા વર્ષોથી બટાકામાં મંદી હોવાના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓએ આત્મહત્યા કરી હતી. ખાસ કરીને હાલમાં બહારના રાજ્યોમાંથી બટાકાની આવક બંધ થતા સતત બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ હાલમાં લોકો કોરોના વાઇરસની મહામારી વચ્ચે માસાહારીમાંથી શાકાહારી તરફ વળ્યાં છે. જેના કારણે હાલ સતત બટાકાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર દ્વારા જો આ ભાવ ટકાવી રાખવામાં આવે, તો ગત ઘણા વર્ષોથી મંદીનો માર સહન કરી કોલ્ડ સ્ટોરેજો બંધ થયા તે ફરી એકવાર ધમધમતા થઇ શકશે.

બટાકાના ભાવ વધારાથી મોટા ખેડૂતોને ફાયદો

ગત 5 વર્ષથી સતત મંદીના કારણે નાના ખેડૂતોએ બટાકાનું વાવેતર કરવાનું બંધ કર્યું હતું, પરંતુ મોટા ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું. જેના કારણે આ વર્ષે જે પ્રમાણે બટાકાના ભાવ વધી રહ્યા છે,. તેના કારણે નાના ખેડૂતો કરતા મોટા ખેડૂતોને વધારે ફાયદો થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.