ETV Bharat / state

ડીસામાં માસ્કનો ઉપયોગ ન કરનારી ફેકટરીઓમાં રોજિંદી ચીજ-વસ્તુઓ બની રહી છે

author img

By

Published : Dec 6, 2020, 7:25 PM IST

ETV BHARAT
ડીસામાં માસ્કનો ઉપયોગ ન કરનારી ફેકટરીઓમાં રોજિંદી ચીજ-વસ્તુઓ બની રહી છે

ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તેમજ ડીસામાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે, ત્યારે ડીસા શહેરમાં આવેલી બેકરી ચલાવતા લોકોનું રિયાલીટી ચેક ETVની ટીમે કર્યું હતું. જેમાં કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.

  • માસ્ક વિનાની ફેકટરીઓ પર ETV BHARATનું રિયાલિટી ચેક
  • ETV BHARATના માધ્યમથી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તપાસ
  • આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવા લોક માગ

બનાસકાંઠાઃ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધતા જતા કોરોના કેસો વચ્ચે મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તેમજ ડીસામાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જેથી ETV BHARATની ટીમે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા લોકોનું રિયાલીટી ચેક કર્યું હતું.

કોરોના ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો

ડીસામાં આવેલા ગવાડી વિસ્તારમાં ટોસ, ખારી, પફ, દાબેલી, જેવી ચીજ-વસ્તુઓ બનાવતી બેકરીમાં લોકો માસ્ક વગર કામ કરતા હોવાનું સામે આવી રહ્યું હતું. આ ઉપરાંત લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની માહિતી મળતા ETV BHARATની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં બેકરીમાં કામ કરતા લોકોએ માસ્ક પણ નહોતું પહેર્યું અને હાથમાં કોઈ જાતની સુરક્ષા વાળી વસ્તુઓ પણ નહોતી પહેરી. અહીંયા આવેલી ફેક્ટરીમાં કોરોનાની ગાઈડલાઈન ભૂલી માસ્ક વગર તેમજ હાથના ગ્લોઝ વગર પફ, દાબેલી, તેમજ ટોસ જેવી ચીજ વસ્તુઓ બનાવતા નજરે પડ્યા હતા.

ETV BHARAT
કારીગરો

કારીગરોએ બોલવાનો ઈન્કાર કર્યો

ETV BHARATની ટીમ દ્વારા કામ કરતા કારીગરોને કોરોના ગાઈડલાઈન અંગે પૂછતાં, તેમણે કેમેરા સામે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને જાણે આ ફેક્ટરીમાં કામ કરતા કારીગરોને કોરોના વાઇરસથી કંઈ જ લેવા-દેવા ન હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળ્યું હતું. ડીસાના ગવાડી વિસ્તારમાં આવી અનેક ફેક્ટરીઓ આવેલી છે, જ્યાં રોજે-રોજ માસ્ક અને હાથના ગ્લોઝ પહેર્યા વિના રોજિંદા-જીવનમાં વપરાતી વસ્તુઓ બની રહી છે, ત્યારે આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે ETV BAHART દ્વારા એક મુહિમ કરવામાં આવી છે. જેનાથી આવનારા સમયમાં લોકો આવી ચીજ-વસ્તુઓ ખાતા પહેલા વિચારે કરે.

આવી ફેક્ટરીને સીલ કરવામાં આવશે

ડીસાના ગવાડી વિસ્તારમાં માસ્ક વગર બની રહેલી રોજિંદા-જીવનની વસ્તુઓની જાણ ETV BHARATના માધ્યમથી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને કરતાં તેમણે જણાવ્યું હતું કે, ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી આવી ફેક્ટરીઓની જાણ હાલમાં જ થઈ છે અને આ બાબતે કોઈ પણ પ્રકારે ચલાવવામાં આવશે નહીં. એક તરફ ડીસામાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ બાબતનું ધ્યાન નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ શકે તેમ છે. જેથી આ બાબતે તંત્રને જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવશે. આ સાથે જ ડીસામાં ચાલતી આવી ફેક્ટરીને સીલ કરવાની કામગીરી કરવામાં આવશે.

ડીસામાં માસ્કનો ઉપયોગ ન કરનારી ફેકટરીઓમાં રોજિંદી ચીજ-વસ્તુઓ બની રહી છે

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે

આ ઘટનાની જાણ ETV BHARATના માધ્યમથી આરોગ્ય વિભાગને કરતાં આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ તાલુકા અધિકારી ડૉ.કે.પી દેલવાડિયાએ જણાવ્યું હતું કે, ETV BHARATના માધ્યમથી એમને આવી માસ્ક વગર ચાલતી બેકરીઓની જાણ થઈ છે. ડીસા શહેરમાં લોકો રોજિંદા જીવનમાં વપરાશકર્તા ખારી, બિસ્કીટ અને ટોસ જેવી વસ્તુઓ શહેરના ગવાડી વિસ્તાર ખાતે મોટા પ્રમાણમાં બની રહી છે, પરંતુ હાલમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે આવા બેકરી ચલાવતા લોકો દ્વારા કોરોનાની કોઈ ગંભીરતા લેવામાં આવતી નથી. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ છે, ત્યારે આ બાબત અમારા ધ્યાનમાં આવી છે અને તાત્કાલિક ધોરણે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, જરૂર જણાય તો પોલીસ અને અધિકારીઓને સાથે રાખી આવી ફેક્ટરીઓને સીલ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

કડક કાર્યવાહી કરવાની લોક માગ

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં લોકોની બેદરકારીના કારણે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ છતાં લોકો ગાઈડલાઈનનો ભંગ કરતા જોવા મળે છે. જેથી આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા છે, ત્યારે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતી ફેક્ટરીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની લોક માગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.