બનાસકાંઠા: ગઈકાલની સાંજથી શરૂ થયેલા વરસાદે સૂકાભટ્ટ નડાબેટ રણને સમુદ્ર રણમાં ફેરવી દીધું છે. ભારત-પાકિસ્તાન બોર્ડરે આવેલું નડાબેટ રણ હંમેશ માટે કોરું ધાકોર રહેતું હોય છે અને અહીં એક ગ્લાસ પાણી લાવવું પણ મુશ્કેલ બનતું હોય છે. પરંતુ વરસાદે તાસવીર બદલી નાખી છે અને રણમાં પાણી ભરી દેતા સમુદ્ર જેવા મોજા જોવા મળ્યા હતા.
નડેશ્વરી માતાનું મંદિર બંધ: ભારત-પાકિસ્તાનની બોર્ડર પર મા નડેશ્વરેનું મંદિર પણ આવેલું છે. મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. સહેલાણીઓ રણમાં દરિયા જેવો માહોલ જોઈને ખુશ થયા છે. જોકે મંદિરના તંત્ર દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને આગામી ત્રણ દિવસ સુધી નડેશ્વરી માતાનું મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સમગ્ર જિલ્લામાં વરસાદ: બિપોરજોય હવે આગામી કલાકોમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું છે પરંતુ તેની ગુજરાત પર હજુ પણ અસરો થઈ રહી છે. રાજ્યના ઉત્તર ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા છે. બનાસકાંઠામાં સૌથી વધુ વડગામમાં 111mm વરસાદ નોંધાયો છે. આ સિવાય બનાસકાંઠાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ?: 17મી જૂનના સવારના 6 વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં તોફાની વરસાદ વરસ્યો છે. જેમાં વડગામમાં 111mm, ધાનેરામાં 109mm, દિયોદરમાં 94mm, ભાભરમાં 83mm, સુઈગામમાં 80mm, ડીસામાં 78mm, પાલનપુરમાં 65mm વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી: ભારે પવન વરસાદ થતાની સાથે બનાસકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે પણ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત તથા રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.