ETV Bharat / state

ચોમાસની ઋતુમાં પાણીની અછત, બનાસકાંઠાના 80 ગામના ખેડૂતો જળ આંદોલન પર ઉતર્યા

author img

By

Published : Aug 17, 2020, 8:47 PM IST

banaskantha district farmers
બનાસકાંઠાના 80 ગામના ખેડૂતો જળ આંદોલન પર ઉતર્યા

બનાસકાંઠામાં ભર ચોમાસે સરહદી વિસ્તારના ખેડૂતોને પાણી માટે આંદોલન કરવાની ફરજ પડી રહી છે. થરાદ તાલુકાના 80 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં આજે સોમવારે ખેડૂતોએ શિવ મંદિરે ધરણા યોજી મુખ્યપ્રધાન રૂપાણીને લેખિત રજૂઆત કરી હતી.

બનાસકાંઠાઃ દર વર્ષે સરહદી બનાસકાંઠા જિલ્લામાં શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન લોકો હંમેશા પાણીની વિકટ સમસ્યાનો સામનો કરે છે. ત્યારે જિલ્લાના ખેડૂતોને પીવા માટે અને ખેતી માટે પાણી મળી રહે તે અંતર્ગત ભાજપ સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજના થકી નર્મદા નહેર શરૂ કરવામાં આવી હતી.

banaskantha district farmers
ખેડૂતોએ શિવ મંદિરે જઇને આંદોલન પર ઉતર્યા

આ નહેર દ્વારા સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારો હરિયાળા બન્યા છે. પરંતુ આજે પણ સરહદી વિસ્તારમાં એવા અનેક ગામ છે કે, જ્યાં નર્મદા નહેર તો બનાવવામાં આવી છે પરંતુ ત્યાં સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે સરહદી વિસ્તારના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે સરહદી વિસ્તારના ખેડૂતોએ અનેકવાર સરકારને રજૂઆતો કરી છે અને આંદોલનો પણ કર્યા છે, પરંતુ આજદિન સુધી આ વિસ્તારના લોકોને પાણી મળ્યું નથી.

બનાસકાંઠાના 80 ગામના ખેડૂતો જળ આંદોલન પર ઉતર્યા

થરાદ તાલુકામાં 80 જેટલા ગામો આ કેનાલના પાણીથી વંચિત રહી ગયા છે. આજે પણ આ ગામના ખેડૂતો સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતા ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. ખેડૂતોને પાણી ન મળવાથી આજે સોમવારના રોજ આંદોલન શરૂ કર્યું છે. જે માટે અહીંના ખેડૂતોએ વારંવાર સરકારમાં રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી આ મામલે કોઇ ઉકેલ આવ્યો નથી. જેથી થરાદ કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ 80 ગામના ખેડૂતો એકઠા થયા હતા અને આ તમામ ખેડૂતોએ શિવ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરણા યોજી સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.

ઉનાળાની સિઝનમાં આ ગામના ખેડૂતોને સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડે છે. ચોમાસામાં અહીંના વિસ્તારમાં વરસાદ નહીવત પડે છે, જેના કારણે બારેમાસ સિંચાઈ માટે પાણીની તંગીનો સામનો અહીંના લોકો કરતા આવ્યા છે. ત્યારે આ તમામ ગામને પણ નર્મદા કમાન્ડ વિસ્તારમાં સમાવવામાં આવે અને સુજલામ સુફલામ યોજનાનો પૂરો લાભ મળે તેવી માંગ સાથે ખેડૂતોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.