Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો પ્રસાદ મળશે

author img

By

Published : Mar 3, 2023, 6:35 PM IST

Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં હવે નહીં મળે મોહનથાળનો પ્રસાદ, ફક્ત સુકો પ્રસાદ મળશે

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે. અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિએ આ નિર્ણય કર્યો છે. એટલે હવે ભક્તોને ફક્ત સુકો પ્રસાદ જ આપવામાં આવશે.

હવે ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણય

અંબાજીઃ શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવેથી ભક્તોને સુકો પ્રસાદ જ મળશે. અહીં હવે ભક્તોને મોહનથાળનો પ્રસાદ ન આપવાનો નિર્ણય અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિએ કર્યો હતો. એટલે હવે મોહનથાળનો નવો પ્રસાદ બનાવવાનો નવો ઓર્ડર પણ આપવામાં આવ્યો નથી. જેટલો સ્ટોક છે, તે પૂરો કરાશે. પછી ભક્તોને સુકો પ્રસાદ અપાશે. જોકે, અંબાજી મંદિરમાં દર્શન કરવા જઈએ અને ત્યારે તમામ ભક્તો મોહનથાળનો પ્રસાદ ઘરે લઈ જતા હતા. મોહનથાળનો પ્રસાદ એ અંબાજી માતાજીના પ્રસાદની ઓળખ હતી. જોકે, અંબાજી મંદિરના આ નિર્ણયથી માઈભક્તો નિરાશ થશે.

આ પણ વાંચોઃ અમદાવાદના ભક્તે અંબાજીમાં 21 કીલો વેજેટેરીયન કેકનો પ્રસાદ અર્પણ કર્યો

મોહનથાળનો પ્રસાદ એ અંબાજી મંદિરની ઓળખઃ સુવર્ણમય અંબાજી મંદિરમાં 50 વર્ષથી કે, તેથી વધુ વર્ષોથી મા અંબાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવાતો હતો અને શ્રદ્ધાળુઓ માટે વિતરણ વ્યવસ્થામાં મૂકવામાં આવતો હતો. ભક્તો પણ મોહનથાળનો પ્રસાદ આરોગીને ધન્ય બનતા હતા. મોહનથાળનો પ્રસાદ એ અંબાજી માતાના મંદિરની ઓળખ હતી. કોઈ પણ ભક્ત કોઈ અજાણ્યા વ્યક્તિને મોહનથાળનો પ્રસાદ આપે તો મોહનથાળના પ્રસાદ હાથમાં લે અને તુરંત જ કહી દે કે અંબાજી જઈ આવ્યા. આ તો અંબાજીનો પ્રસાદ છે.

જાગૃત નાગરિકોએ કર્યા ટ્વિટઃ છેલ્લા 2-3 દિવસથી અંબાજીમાં મોહનથાળના પ્રસાદને બંધ કરવાની હિલચાલ હતી. મંદિર વ્યવસ્થાપન સમિતિએ મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્થગિત કરી હતી અને નવો ઓર્ડર પણ આપ્યો ન હતો. જે વખતે જાગૃત નાગરિકો દ્વારા ટ્વિટ કરીને માહિતી શેર કરવામાં આવી હતી. જોકે, મોહનથાળનો પ્રસાદ બંધ ન કરવામાં આવે તેવી માગ પણ પ્રવર્તી હતી, પણ અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિએ કોઈ સ્પષ્ટતા કરી નહતી. તેમ જ આજે અચાનક મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

હવે ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણયઃ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભક્તોને ચિકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર સંચાલકો દ્વારા મંદિરનો પ્રસાદ બગડે નહીં, લોકો લાંબો સમય પ્રસાદ રાખી શકે અને વિદેશમાં પણ લોકો પ્રસાદ લઈ જઈ શકે આ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચિકીનો પ્રસાદ લાંબા સમય સુધી ટકી રહે છે.

આ પણ વાંચોઃ Maha Shivratri Fair: મેળાના પ્રથમ દિવસે નાગા સંન્યાસીઓએ મહાદેવજીને ધર્યો 56 ભોગનો હાંડીનો પ્રસાદ

જિલ્લા કલેક્ટરે કરી સ્પષ્ટતાઃ નાસકાંઠાના અંબાજી મંદિર વ્યવસ્થાપન સમિતિના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અમને ઘણી બધી રજૂઆતો મળી હતી કે, ઉપવાસ હોય ત્યારે પ્રસાદ આરોગી શકાય તેવો પ્રસાદ હોવો જોઈએ. ખાસ કરીને પૂનમ હોય અને પૂનમના દિવસે ઉપવાસ હોય ત્યારે ભક્તો પ્રસાદ આરોગી શકે અને નવરાત્રિ દરમિયાન ઉપવાસ હોય ત્યારે ભકત પ્રસાદ આરોગી શકે તેવો પ્રસાદ હોવો જોઈએ. આથી ચિકી પ્રસાદ તમામ ઉપવાસમાં લઈ શકાય છે. મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં આરોગી શકાતો નથી. બીજો સુકો પ્રસાદ ચિકી છે, તેની સેલ્ફ લાઈફ લાંબી હોય છે અને તે વિશ્વભરના માઈભક્તો સુધી પહોંચાડી શકાય છે. માટે ભક્તોની લાગણીને માન આપીને અમે આવો નિર્ણય લીધો છે. દેશના બીજા મંદિરોમાં પણ આવી પહેલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.