ETV Bharat / state

બિસ્માર રસ્તાઓને મુદ્દે આણંદના તારાપુર તાલુકાના રહીશોએ કર્યું આંદોલન

author img

By

Published : Oct 5, 2020, 8:46 PM IST

બિસ્માર રસ્તાઓને મુદ્દે તારાપુર તાલુકાના રહીશોએ છેડ્યુ આંદોલન
બિસ્માર રસ્તાઓને મુદ્દે તારાપુર તાલુકાના રહીશોએ છેડ્યુ આંદોલન

આગામી દિવસોમાં આણંદમાં તારાપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે તાલુકાના ગ્રામ્ય કક્ષાની સમસ્યાઓના નિરાકરણ માટે નાગરિકોએ આંદોલન છેડ્યું છે. ઉપરાંત મોરજ ગામમાં બિસ્માર રસ્તાની સમસ્યાને લઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આણંદ: તારાપુર તાલુકાના મોરજ તથા આંબલીયારાના ગ્રામજનોએ 'રોડ નહી તો મત નહી'ની ઝુંબેશ સાથે આંદોલન શરૂ કર્યું છે. જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ ગામોમાં આઝાદીકાળથી આજદીન સુધી મોરજ ગામથી આંબલીયારાને જોડતો સીમ વિસ્તારનો આશરે 3 કીમીનો રસ્તો કાચો છે, તથા મોરજથી ટોલ ગામ સુધીનો આશરે 2.5 કીમીનો રસ્તો પણ બિસ્માર હાલતમાં છે, આ માર્ગને પાકો ડામરનો રોડ બનાવવા માટે અગાઉ પણ અનેક વખત સ્થાનિકોએ માગ કરી છે, તેમ છતાં હજુ સુધી રસ્તો ન બનતા ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.

બિસ્માર રસ્તાઓને મુદ્દે આણંદના તારાપુર તાલુકાના રહીશોએ છેડ્યુ આંદોલન

સરકાર દ્વારા ગામથી ગામને જોડતા અને સીમ વિસ્તારના રસ્તાઓ કે જ્યાં ખેડૂતોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા રસ્તાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી લેવા અને સત્વરે કામ કરવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પરંતુ તેમ છતાં છેલ્લા કેટલાય સમયથી મોરજથી આંબલીયારા પાકા રોડની માગ માત્ર કાગળ પર જ રહી જવા પામી છે, જેથી આ માર્ગ પર આવેલા સીમ વિસ્તારમાં જમીન ધરાવતા મોરજ તથા આંબલીયારાના ખેડૂતોએ આ રોડ ન બને ત્યાં સુધી આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે માહિતી આપતા તારાપુર તાલુકાના સામાજિક કાર્યકર ભાનુબેને જણાવ્યું હતું કે હવે આવનારા સમયમા તારાપુર તાલુકા પંચાયતની ચુંટણી આવનાર છે, અગાઉના વર્ષોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આ વિસ્તારના રહીશોને માત્ર ઠાલા વચનો આપવામાં આવ્યા છે, જે વચનોરૂપી લોલીપોપ ગ્રામજનો આઝાદીકાળથી સાંભળી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી આ રસ્તો પાકો બન્યો નથી, જેથી જ્યાં સુધી સ્થાનિકોની સમસ્યાનું જ્યાં સુધી નિરાકરણ નહિ આવે ત્યાં સુધી આવનારી તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણીનો લોકો બહિષ્કાર કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.