Ashwagandha Farming: શું અશ્વગંધાની ખેતી ફાયદેમંદ છે, કેટલા રોકાણમાં કેટલી આવક થઈ શકે છે? જાણો વિગતવાર

author img

By ETV Bharat Gujarati Desk

Published : Jan 18, 2024, 3:07 PM IST

અશ્વગંધાની ખેતીમાં ઓછા રોકાણ દ્વારા મબલખ આવક રળી શકાય છે

અશ્વગંધાની ખેતીમાં ઓછા રોકાણ દ્વારા મબલખ આવક રળી શકાય છે. અશ્વગંધાની ખેતીને લગતી વિશેષ માહિતી આણંદના ICARના હેડ સાયન્ટિસ્ટ ડૉ. પરમેશ્વરલાલ સારણે ઈટીવી ભારત સાથે એક્ઝક્લુઝિવ વાતચીત કરીને પૂરી પાડી છે. વાંચો અશ્વગંધાની ખેતી વિશે વિગતવાર. Ashwagandha Farming ICAR Anand Dr Parmeshwarlal Saran Less Investment Huge Profit

અશ્વગંધાની ખેતી વિશે વિગતવાર માહિતી

આણંદઃ ખેડૂતો માટે અશ્વગંધા ઔષધની ખેતી લાભદાયક છે. આ પાકને ઉગાડવામાં ઓછા રોકાણે વધુ આવક મેળવી શકાય છે. અશ્વગંધાના ફળો, બીજ અને મૂળનો ઉપયોગ અનેક પ્રકારની દવા બનાવવામાં થાય છે. ગુજરાતના ઘણા ખેડૂતો અશ્વગંધાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. માર્કેટમાં 10 હજાર મેટ્રિક ટન જેટલા અશ્વગંધાના મૂળની માંગ જોવા મળે છે. આ માંગ દિન પ્રતિદિન વધી રહી છે.

ક્યારે થાય છે વાવણી?: ગુજરાતમાં સામાન્ય રીતે ખેડૂતો અશ્વગંધાની વાવણી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ કરતા હોય છે. જો કે ઉત્તરપ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અશ્વગંધાની ખેતી ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે. અશ્વગંધાના બીજનું અંકુરણ વાવણીના 7થી 8 દિવસ બાદ જોવા મળે છે. અશ્વગંધા છ માસથી લઈને એક વર્ષીય છોડ છે. અશ્વગંધાની વાવણી કતાર અને છંટકાવ એમ બે રીતે કરવામાં આવે છે. કતાર પદ્ધતિમાં સરખા અંતરે બીજને રોપવામાં આવે છે. જયારે છંટકાવ પદ્ધતિમાં બીજને ખેતરમાં હળવા ખેડાણ દ્વારા છાંટવામાં આવે છે. અશ્વગંધાનો પાક વાવણી પછી 160થી 180 દિવસે લણણી માટે તૈયાર થઈ જતો હોય છે. છોડના સૂકાં પાંદડાં અને લાલ-નારંગી રંગની બેરી તેની પરિપક્વતા અને લણણીના સમયનો સંકેત આપે છે.

કેવી માટી, જમીન અનુકૂળ છે?: અશ્વગંધાની ખેતી માટે રેતાળ, ગોરાડુ અને લાલ જમીન ખૂબ જ અનુકુળ છે. જો જમીનનું pH મૂલ્ય 7 થી 8 હોય તો અશ્વગંધાનું ઉત્પાદન સારું મળી શકે છે. છોડના વિકાસ માટે ખેતરમાં પૂરતો ભેજ હોવો જોઈએ. પાનખરમાં 1થી 2 વરસાદમાં અશ્વગંધાનાં મૂળ સારી રીતે વિકસે છે. અશ્વગંધાનું વાવેતર સામાન્ય રીતે ગરમ પ્રદેશોમાં થાય છે. અશ્વગંધાની ખેતી માટે 25થી 30 ડીગ્રી તાપમાન અને 500થી 750 મીમી વરસાદની જરૂર રહે છે.

કેટલું બિયારણ જોઈએ?: અશ્વગંધાના 40 છોડ 1 ચોરસ મીટરમાં ઉગાડી શકાય છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો 1 હેક્ટરમાં અશ્વગંધાની ખેતી કરવી હોય તો કુલ 8થી 10કિલો બીજની જરુર પડે છે. અશ્વગંધાની ગણતરી મૂળ દુષ્કાળ સહન કરવાની ક્ષમતા ધરાવતા છોડમાં કરવામાં આવે છે. તેથી ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય રાજ્યોમાં આ ઔષધિય છોડની ખેતી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ છોડના મૂળને કાપી તેના 8થી 10 સેમી લંબાઈના ટુકડાં કરી સૂકવવામાં આવે છે. જેનું સીધું વેચાણ પણ કરી શકાય છે. અશ્વગંધાના બીજ અને ફૂલોને સૂકવીને અલગ કરવામાં આવે છે. જે બીજી વાવણી માટે પણ બિયારણ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

અશ્વગંધાની ખેતી કરવાનો સૌથી મહત્વનો સમય ઓક્ટોબર મહિનાનો ગણાય છે. 1 હેક્ટરમાં વાવેતર માટે અશ્વગંધાના 8થી 10 કિલો બીજની જરુર પડે છે. 1 હેક્ટરમાં નાગોરી અશ્વગંધાના સૂકા મૂળનું 15 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન થઈ શકે છે. આ પાકમાં ઓછી સિંચાઈની જરુર પડે છે. તેમજ રાસાયણિક દવાની જરુર પડતી નથી. આ પાકને કોઈપણ પશુ નુકસાન પહોંચાડતા નથી ...ડૉ. પરમેશ્વરલાલ સારણ (હેડ સાયન્ટિસ્ટ, ICAR, આણંદ)

એક ઉત્તમ ઔષધ 'અશ્વગંધા'

 1. કેન્સરના કોષોને વધતા રોકે છે
 2. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે
 3. બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
 4. ઊર્જા સ્તર અને જીવનશક્તિ વધારે છે
 5. ડિપ્રેશન, તણાવ અને ચિંતા ઘટાડે છે
 6. રોગપ્રતિકારક શક્તિ વધારે છે
 7. સ્નાયુ સમૂહ અને શક્તિ વધારે છે
 8. અન્ડરએક્ટિવ થાઇરોઇડને ઉત્તેજિત કરે છે
 9. હૃદય માટે સારી છે
 10. કોલેજનને ઉત્તેજિત કરે છે અને ઘા રૂઝવામાં મદદ કરે છે
 11. પ્રજનન તંત્રને ફાયદો કરે છે
 12. સાંધા અને આંખો માટે સારી છે
 13. બળતરા અને પીડા ઘટાડવામાં મદદ કરે છે
 14. યાદશક્તિ અને જ્ઞાનાત્મક કાર્યક્ષમતામાં વધારો કરે છે
 1. અશ્વગંધા: તણાવને દૂર રાખતું ઔષધ
 2. શું અશ્વગંધા કોરોના વાઈરસથી બચાવી શકે છે ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.