ધારીનું ભાજપ સંગઠન ગ્રુપ રંગાયું અશ્લીલતાના રંગમાં, પોસ્ટ થયો અશ્લીલ વીડિયો

author img

By

Published : Sep 5, 2021, 3:47 PM IST

ભાજપ સંગઠન

અમરેલીમાં ભાજપ ફરી એક વખત વ્હોટ્સઅપ ગ્રુપમાં બીભત્સ વીડિયો અપલોડ કરવાને લઈને બદનામ થઈ રહ્યું છે. થોડા મહિના અગાઉ ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા દ્વારા પણ ગ્રુપમાં બીભત્સ વીડિયો અપલોડ થયો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી એક વખત ધારી સંગઠન ગ્રુપમાં બિભત્સ વીડિયો અપલોડ થયો છે. જેને લઇને સમગ્ર અમરેલીમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

  • ભાજપ રંગાયુ અશ્લીલતાના રંગમાં ગ્રુપમાં થયો અશ્લીલ વીડિયો પોસ્ટ
  • અગાઉ પણ ધારી સંગઠન ગ્રુપમાં થયો હતો અશ્લીલ વીડિયો પોસ્ટ
  • અશ્લીલ વીડિયો પોસ્ટ થવાને લઈને અમરેલીના લોકોમાં ભારે રોષ

અમરેલી- ભાજપ ફરી એક વખત અશ્લીલ વીડિયોને લઈને બદનામ થઈ રહ્યું છે. ધારી સંગઠન ગ્રુપમાં કોઈ સભ્યએ અશ્લીલ અને બીભત્સ કહી શકાય તેવો વીડિયો પોસ્ટ કરતા અમરેલીમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ ધારી તાલુકા સંગઠન ગ્રુપમાં ધારાસભ્ય જે.વી.કાકડિયાના નંબર પરથી અશ્લીલ વીડિયો પોસ્ટ થયો હતો. જેને લઈને ધારાસભ્ય જે.વી. કાકડિયા દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી હતી, ત્યારે આજે ફરી એક વખત ધારી ભાજપ સંગઠનના વ્હોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ થવાને લઈને વધુ એક વખત ચર્ચાસ્પદ બની રહ્યું છે.

ધારાસભ્ય જે.વી.કાકડિયા
ધારાસભ્ય જે.વી.કાકડિયા

ધારી સંગઠન બીજેપીનું ગ્રુપ ફરી એક વખત બીભત્સ વીડિયોને લઈને ચર્ચામાં

ધારી તાલુકાનું વી.ટી.પી બીજેપી સંગઠન નામનું વ્હોટ્સઅપ ગ્રુપ અસ્તિત્વમાં છે. જેમાં વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા, કોકીલાબેન કાકડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા સહિત અનેક ભાજપના કાર્યકરો અને નેતાઓની સાથે મહિલા સદસ્યો પણ આ ગ્રુપમાં છે, ત્યારે ગ્રુપના કોઈ સભ્ય દ્વારા અશ્લીલ અને બીભત્સ કહી શકાય તેવો વીડિયો ગ્રુપમાં અપલોડ કરવામાં આવ્યો છે. જેને લઇને અમરેલીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અશ્લીલ વીડિયો ગ્રુપમાં પોસ્ટ થતા કેટલાક સદસ્યોએ પોતાનો રોષ ઠાલવીને ગ્રુપમાંથી ચાલ્યા જવાનું મુનાસીબ માન્યું હતું.

વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં વિરોધ પણ શરૂ થયો

રાજકીય નેતાઓ અને ખાસ કરીને મહિલા સદસ્યો ધરાવતા ગ્રુપમાં આ પ્રકારની અશ્લીલ હરકત બીજી વખત જોવા મળી છે. બિલકુલ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો શરતચૂકથી નહીં, પરંતુ ઇરાદાપૂર્વક પોસ્ટ કરવામાં આવ્યો હશે. હવે જયારે વીડિયો પોસ્ટ થઈ ચૂક્યો છે અને તેને લઈને સોશિયલ મીડિયામાં વિરોધ પણ શરૂ થયો છે. આવી પરિસ્થિતિમાં ભાજપનું રાજકારણ ફરી એક વખત અશ્લીલતાના રંગે રંગાતું જોવા મળ્યું છે. અગાઉના કિસ્સામાં પણ પ્રદેશ ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે હવે આ કિસ્સામાં કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.