ETV Bharat / state

Ahmedabad Crime News : વિદેશમાં નોકરીની લાલચમાં લાખોનો ચૂનો લાગ્યો, ચબરાક ઠગની ટેક્નિક તો જુઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2023, 6:50 PM IST

Ahmedabad Crime News
Ahmedabad Crime News

રાજ્યભરમાં લોભામણી સ્કીમ આપી લોકોને છેતરવાના કિસ્સા વધ્યા છે. તાજેતરમાં જ એક વ્યક્તિને વિદેશમાં એડમિશનના નામે છેતર્યાનો કિસ્સો બન્યો હતો. ત્યારે હવે એક ઠગે વિદેશમાં નોકરીની લાલચ આપી 22 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. જોકે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વિદેશમાં નોકરીની લાલચમાં લાખોનો ચૂનો લાગ્યો

અમદાવાદ : ભારત બહાર વિદેશમાં જઈને અભ્યાસ કરવાની અને નોકરી કરીને પૈસા કમાવાની લાલચમાં આવી જઈને અનેક યુવાનો ઠગાઈનો શિકાર બનતા હોય છે. હાલમાં જ બાપુનગર વિસ્તારમાં એક યુવક સાથે લંડનની યુનિવર્સિટીમાં એડમિશનના નામે 11.52 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો બન્યો હતો. આ ગેંગના ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હવે વિદેશમાં નોકરીના નામે મોકલવાનું કહીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરનાર બોગસ ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીની ટોળકી અલગ અલગ રીતે જાહેરાત આપીને વિદેશમાં કામ અપાવવાનું કહેતા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ લોકોને વિદેશ મોકલવાનું કહીને છેતર્યા હોવાનું સામે આવ્યું છે.

લોભામણી જાહેરાત : અમદાવાદ શહેર સાયબર ક્રાઇમમાં 31 ઓગસ્ટના રોજ રાજસ્થાનના સીકર ખાતે રહેતા એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં નવેમ્બર 2020 માં સુરેન્દ્રનગરના પાટડીના મુસ્તાક અન્સારી નામનો શખ્સ તેઓના ગામના જમાઈ થતા હોય રાજસ્થાન ખાતે અવર-જવર કરતા હતા. તેઓએ ન્યુઝ પેપરમાં એસ.ડી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી કંબોડિયા દેશ ખાતે ડ્રાઇવર હેલ્પર અને વર્કર બાબતે નોકરીની જાહેરાત જોઈ હતી. વિદેશમાં ઓછા ખર્ચે જવા મળે અને ઊંચા પગાર મળશે, તે પ્રકારની જાહેરાત જોતા પરિવારના સભ્યો અને મિત્રોને વિદેશ જવાની વાતચીત કરી હતી. તેમાં 12 જેટલા લોકોએ નોકરી માટે વિદેશ જવાની તૈયારી દર્શાવી હતી.

પાસપોર્ટ લઈ લીધા : ફરિયાદીએ મુસ્તાક અન્સારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ બધાને અમદાવાદ ખાતે આશ્રમ પાસે આવેલી એસ.ડી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓફિસે ગયા હતા. ત્યાં ઓફિસમાં મુન્ના ચૌહાણ, દિનેશ યાદવ, વિદ્યા સાગર અને કૃતિકા નામની વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી. જે બાદ તેઓએ બધાને કંબોડિયા ખાતેની ગિલ કંપનીનો એમ્પ્લોયમેન્ટ ઓફર લેટર બતાવી મેડિકલ કરવાનું જણાવ્યું હતું. તમામ લોકોએ મેડિકલ રિપોર્ટ કરાવી પોતાના પાસપોર્ટ મુસ્તાક અન્સારીને આપ્યા હતા.

પકડાયેલા આરોપી અને તેની ગેંગે ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે વિદેશમાં નોકરીની જાહેરાત આપી કેટલા લોકોએ તેઓનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર પાસેથી લીધેલા પાસપોર્ટનું આરોપીઓએ શું કર્યું તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં 12 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જોકે પકડાયેલા આરોપીની વધુ તપાસમાં અન્ય ખુલાસા સામે આવશે. -- જે.એમ. યાદવ (ACP, સાયબર ક્રાઈમ અમદાવાદ)

લાખો રૂપિયા પડાવ્યા : ત્યારબાદ 14 ફેબ્રુઆરી 2023 ના રોજ મુસ્તાક અન્સારીએ ફરિયાદીને ફોન કરીને વ્યક્તિદીઠ 1.40 લાખ રૂપિયા ફી ભરવી પડશે તેમ જણાવ્યું હતું. ફરિયાદીએ ફી ભરવા માટે આનાકાની કરતા મુસ્તાકે અમદાવાદની ઓફિસથી દિનેશ યાદવ અને મુન્ના ચૌહાણને રાજસ્થાન ખાતે મોકલ્યા હતા. તેઓએ ફરિયાદી પાસે જઈને વિશ્વાસ અપાવી ફી ભરવાનું જણાવ્યું હતું. જેથી તેઓએ 5.60 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં ટુકડે ટુકડે કુલ 22 લાખ 40 હજાર રૂપિયા ભર્યા હતા.

છેતરાયા હોવાનું ધ્યાને આવ્યું : જે બાદ મુન્ના ચૌહાણ અને દિનેશ યાદવે સાત વ્યક્તિઓની દિલ્હી બેંકોક અને કંબોડિયાની ટિકિટ બતાવી હતી. તમામના પાસપોર્ટ લઈ લીધા અને દિલ્હી આવવાનું જણાવતા તેઓ દિલ્હી ખાતે પહોંચીને આરોપીઓની રાહ જોઈ રહ્યા હતા. જોકે કોઈપણ વ્યક્તિ હાજર ન થતા અને મુસ્તાક અંસારીનો ફોન પણ બંધ આવતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ મામલે અંતે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.

આરોપી ઝબ્બે : આ અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી ગુનામાં સામેલ બિહાર ખાતે રહેતા અંસારુલ હક ઉર્ફે મુન્ના ચૌહાણ અન્સારી નામના 43 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 10 હજાર રૂપિયા રોકડ કબજે કરી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ નવેમ્બર 2022 થી 25 એપ્રિલ 2023 સુધી આશ્રમ રોડ ખાતે ઓફિસ ભાડે રાખી એસ.ડી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના નામથી ઓફિસ ખોલી હતી.

ચબરાક ઠગ : તેઓએ ન્યુઝ પેપરમાં વર્ક પરમિટ વિઝા તેમજ વિદેશમાં ઓછા ખર્ચે ઊંચા પગારની નોકરીની લાલચ આપી ગ્રાહકોનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતા. આમ મોટી રકમ મેળવી લઈ ગુનો આચર્યો હતો. પકડાયેલા આરોપીએ ધોરણ 9 સુધી અભ્યાસ કરેલો છે. તેણે અભ્યાસ છોડીને ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા હતા. બાદમાં સાઉદી અરેબિયા ખાતે બે વર્ષ ડ્રાઇવર તરીકે પણ નોકરી કરી ચૂક્યો છે. જોકે આ ગુનામાં તેની સાથે સામેલ અન્ય આરોપીઓ મુસ્તાક અન્સારી, દિનેશ યાદવ અને વિદ્યા સાગર વોન્ટેડ છે. તેઓના ઝડપાયા બાદ વધુ ખુલાસા સામે આવશે.

  1. Ahmedabad Crime: સોલામાં તોડકાંડ મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ લાંચની કલમ ઉમેરાઈ, આગામી સમયમાં પોલીસને ડીકોય ગોઠવવા કમિશનરનું સૂચન
  2. Ahmedabad Crime News : માધવપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરનારાઓને પોલીસે ઝડપી લીધા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.