ETV Bharat / state

રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ, સ્પર્ધાના વિજેતાને મળશે અમૂલ્ય અવસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 12:49 PM IST

રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ
રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ

રાજ્ય સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્તરોમાં યોજાનાર આ સ્પર્ધામાં રાજ્યભરના સ્પર્ધકો ભાગ લેશે અને વિજેતા સ્પર્ધકને એક અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે. જાણો સંપૂર્ણ વિગત

અમદાવાદ : ભારતના વારસા સમાન યોગને વિશ્વભરમાં એક વિશેષ ઓળખ મળી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24 નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ગુજરાતભરના 13 હજારથી વધુ ગામ અને વિવિધ વિસ્તારના કુલ 8 લાખથી વધુ સ્પર્ધકો જોડાશે. જે અંતર્ગત આજે અમદાવાદના સંસ્કારધામ પરિસરમાંથી હર્ષ સંઘવીએ આ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા : અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી કહ્યું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધા
સૂર્ય નમસ્કાર સ્પર્ધા

યોગની આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. ત્યારે બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતિ વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગ અભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે. -- હર્ષ સંઘવી (રાજ્યના ગૃહપ્રધાન)

15 લાખથી વધુ સ્પર્ધક સામેલ : હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, આજના દિવસે ગુજરાતના 13 હજારથી વધુ ગામડા, નગરપાલિકાના 1,113 વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8 લાખ 53 હજારથી વધુ સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને 2024 ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.

વ્યક્તિત્વ વિકાસમાં યોગદાન : આ કાર્યક્રમમાં યોગબોર્ડના ચેરમેન શીશપાલે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દૈનિક ધોરણે યોગ કરવા પર ભાર મૂકતા કહ્યું કે, સૂર્યનમસ્કાર સ્પર્ધામાં 15 લાખથી વધુ સ્પર્ધકો જોડાયા તે આનંદની વાત છે. આ સ્પર્ધા તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે. યોગના અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે.

  1. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ સક્રિય, બે દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ
  2. અમદાવાદ મંડળના 6 રેલવે કર્મચારીઓનું મંડળ રેલ પ્રબંધક દ્વારા સમ્માન કરવામાં આવ્યું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.