અમદાવાદઃ આજકાલ નકલી ઘીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ અને જામનગરમાં કુલ 3 રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન નકલી ઘીનો કુલ 13,849 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ નકલી ઘીની બજાર કિંમત કુલ રુપિયા 93 લાખ જેટલી થવા જાય છે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના કમિશ્નર એચ. જી. કોશિયાએ આ માહિતી પૂરી પાડી છે.
ખાનગી મકાનમાં રેડઃ જામનગરના એક ખાનગી મકાનમાં રેડ કરવામાં આવી હતી. આ ઘરમાં ચિરાગ હરિયાની વગર પરવાનગીએ ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતો હતો. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લૂઝ જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો આશરે રૂ. ૨.૬૫ લાખની કિંમતનો ૫૩૦ કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
બે ફેક્ટરીમાં રેડઃ અમદાવાદ ખાતે પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ રેડ બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્સ ખાતે પેઢીના માલિક અંકીત બારોટની હાજરીમાં જ શંકાસ્પદ “રીધમ પ્રીમીયમ ઘી” અને “વચનામૃત” એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવર્સના પણ નમૂના લેવામાં આવ્યા હતા. બીજી રેડ દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. શ્રી હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરતભાઈ પટેલની હાજરીમાં શંકાસ્પદ “ગોપી શ્રી” બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવર્સના નમૂના લેવામાં આવ્યા હતા.
ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અમદાવાદ વિભાગ-૨ની ટીમ તેમજ જામનગર જિલ્લાની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાંથી ભેળસેળયુક્ત ઘીના ૧૦ નમૂના લેવામાં આવ્યા હતા. ૩ રેડમાં રૂ.૯૩ લાખની કિંમતનો ૧૩,૮૪૯ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ચકાસણી માટે મોકલાવેલા ૧૦ નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે...ડૉ. એચ. જી. કોશિયા(કમિશ્નર, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ)