ETV Bharat / state

Organ Donation in Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયનું દાન મળ્યું, બ્રેઇનડેડ યુવકના 6 અંગોનું દાન પ્રાપ્ત થયું

author img

By

Published : Jun 8, 2023, 9:20 PM IST

Organ Donation in Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયનું દાન મળ્યું, બ્રેઇનડેડ યુવકના 6 અંગોનું દાન પ્રાપ્ત થયું
Organ Donation in Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદયનું દાન મળ્યું, બ્રેઇનડેડ યુવકના 6 અંગોનું દાન પ્રાપ્ત થયું

અંગદાન મહાયજ્ઞમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને આજે 114મું અંગદાન મળ્યું છે. માર્ગ અકસ્માતમાં બ્રેઇન ડેડ જાહેર થયેલા પાટણના યુવકના હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન પ્રાપ્ત થયું હતું.

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ અંગદાન મહાયજ્ઞમાં સતત જનજાગૃતિના પ્રયાસોના કારણે અંગદાન થઇ રહ્યાં છે. અહીં આજે 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું હતું. માર્ગ અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા પાટણના મહેશભાઇ સોલંકીના પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને સમાજને અંગદાન થકી પરમાર્થનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

પાટણના યુવકનો અકસ્માત થયો હતો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. કહેવાય છે કે જિંદગી કેટલી જીવી ગયા એ મહત્વનું નથી, કેવી જીવી ગયા એ મહત્વનું છે. પાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ અને તેમના પરિવારે આ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા મહેશભાઈને બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે હૃદય, લિવર, બે કિડની અને બે આંખોનું અંગદાન કરીને અન્ય કેટલાક લોકોના જીવનમાં ઉજાસ પાથરીને સમાજને દાનનું નવતર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સિવિલ હોસ્પિટલના અંગદાન મહાયજ્ઞ અંતર્ગત આ 114 મું અંગદાન મળ્યું છે. અત્યાર સુધીમાં મળેલા કુલ 368 જેટલા અંગો દ્વારા 344 જેટલા દર્દીઓની જિંદગી બચાવવામાં સફળતા મળી છે. અંગદાન માટે સમાજમાં ઉત્તરોતર જાગૃતિ વધતી રહે અને આ જ રીતે વધુને વધુ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગી બચાવી શકાય તે માટે સિવિલ મેડીસિટી સતત પ્રયત્નશીલ છે...ડો. રાકેશ જોશી(સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ)

બે દિવસની સારવાર બાદ બ્રેઇનડેડ : પાટણના 28 વર્ષીય યુવાન મહેશભાઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઇજાના લીધે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયાના 2 દિવસ બાદ મહેશભાઈને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બ્રેઈન ડેડ જાહેર કરાયા બાદ મહેશભાઇના પરિવારને સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા 'અમર કક્ષ'મા કાઉન્સેલિંગ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમનો એક નિર્ણય અનેક લોકોની જિંદગી બચાવી શકે છે તે વિશે સમજાવવામાં આવ્યું.

અંગદાન માટે સહમતિ દર્શાવી : મહેશભાઇના પત્ની અને પરિવારજનોએ સ્વજન ગુમાવ્યાંની અત્યંત કરુણ ઘડીઓમાં પણ અંગદાન પ્રવૃત્તિનું મહત્ત્વ સમજીને અન્ય જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવાના હિતાર્થે અંગદાન માટે સહમતિ દર્શાવી હતી. આ રીતે પરિવારે સંમતિ આપતા મહેશભાઇના અંગોનું દાન મેળવવા માટેની કામગીરી કરવામાં આવી. 8 થી 10 કલાક સુધી ચાલેલી ઓર્ગન રીટ્રાઇવલની પ્રક્રિયા બાદ અંગદાનમાં સૌથી મહત્વનું અને દુર્લભ કહી શકાય તેવું હૃદય સહિત લિવર, બે કિડની અને બે આંખોનું દાન મળી શક્યું હતું.

અંગદાન મહાયજ્ઞમાં 114મું અંગદાન
અંગદાન મહાયજ્ઞમાં 114મું અંગદાન

જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ : બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં મળેલા અંગોમાંથી હૃદય યુ.એન.મેહતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે, લિવર અને કિડની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અને આંખો એમ એન્ડ જે ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થાલ્મોનોલોજી, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે મોકલવામાં આવી.જેમાંથી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ થકી નવજીવન મળશે.

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર ક્યારે પડે ? : હાલના સમયમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. હૃદયને લગતા રોગોમાં કેટલાક એવા ગંભીર ગોય છે જેમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરુર પડતી હોય છે. જેમાં હાર્ટ ફેલ્યોર, કાર્ડિયોમાયોપેથી, કોરોનરી આર્ટરી ડીસિઝ, હૃદયના વાલ્વ સંબંધિત બીમારીઓ, જન્મજાત હૃદય સંબંધિત બીમારીઓ અને અગાઉના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ખામી સર્જાઈ હોય તો તેવા કિસ્સાઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે.

અંગદાન કોણ કરી શકે ? : અંગદાન પ્રવૃત્તિ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને હોસ્પિટલની ટીમો દ્વારા અવારનવાર આ પ્રક્રિયા અંગે જાણકારીઓ આપવામાં આવતી હોય છે. તેમાં અંગદાન મેળવવા માટે કેટલીક બાબતો જોવાતી હોય છે જેમાં બ્રેઈન ડેડ દર્દીના અંગોનું દાન થઈ શકે છે. લિવિંગ ડોનર હોય તો તે 18 વર્ષથી વધુ વયની જીવિત વ્યક્તિ શરીરના અમુક અંગોનું દાન કરી શકે છે. જેમાં બોનમેરો, કિડની વગેરેનું દાન કરી શકે છે. જ્યારે કોણ અંગદાન ન કરી શકે તે વિશે જાણીએ તો એચઆઇવી એઇડ્સ, કેન્સર, ફેફસાં કે હૃદય સંબંધિત બીમારીઓ કે અન્ય કોઈ લાંબી બિમારીઓ ધરાવતી વ્યક્તિ અંગદાન કરી શકતી નથી.

  1. Transplant Operation : અંગોના ટ્રાન્સપ્લાન્ટ મામલે સરકારનો કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
  2. Organ Donation: સિવિલમાં 110મું અંગદાન નોંધાયું, 3 વ્યક્તિને નવજીવન મળ્યું
  3. Organ Donation in Ahmedabad : બ્રેઇનડેડ નર્સિંગ વિદ્યાર્થિનીનું અંગદાન, ખુદ સિવિલ હોસ્પિટલ તંત્ર માટે સર્જાઇ ભાવુક ક્ષણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.