Worlds Best School: ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ 2023’ પુરસ્કાર માટે અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ ટોપ 3ની યાદીમાં સામેલ

Worlds Best School: ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ 2023’ પુરસ્કાર માટે અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ ટોપ 3ની યાદીમાં સામેલ
ગુજરાતનું નામ રોશન કરવામાં શિક્ષણ સંસ્થાઓનો મોટો ફાળો છે. ભારતમાં હાલ એજ્યુકેશન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતે દેશમાં ડંકો વગાડ્યો છે. જેમાં ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કુલ’ બનવાની રેસમાં અમદાવાદની રિવરસાઈડ સ્કૂલે નોમિનેશન લિસ્ટમાં ટોપ 3માં સ્થાન મેળવી ગુજરાતની ગરીમામાં વધારો કર્યો છે.
અમદાવાદ: વિશ્વમાં સર્વશ્રેષ્ઠ શાળાઓને આપવામાં આવતા ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ 2023’ પુરસ્કાર માટે ભારતની 2 શાળાઓએ સ્થાન મેળવ્યું છે. આ એવોર્ડ માટે ગુજરાતની અને મહારાષ્ટ્રની કુલ 2 શાળાઓએ ટોપ 3માં પોતાનું સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદ સ્થિત રિવરસાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલ ટોપ 3માં સામેલ થઈ છે.
અમદાવાદની શાળા ટોપ 3માં: અમદાવાદની રિવરસાઈડ સ્કૂલ અને મહારાષ્ટ્રના અહમદનગરની સ્નેહાલય ઇંગ્લિશ સ્કૂલે આ વર્ષે આ એવોર્ડના નોમિનેશનમાં ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. આ સંસ્થાએ પોતાના વિદ્યાર્થી-કેન્દ્રિત દ્રષ્ટિકોણથી વિશ્વભરમાં અનોખી સિદ્ધિ મેળવી છે. ખાસ કરીને 'I CAN' શિક્ષણ મોડેલથી આ શાળાએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ ક્ષેત્રે આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
મહારાષ્ટ્રની શાળાને મળ્યું સ્થાન: વર્લ્ડ બેસ્ટ સ્કૂલ 2023 એવોર્ડના નોમિનેશનમાં ટોપ 3માં સ્થાન મેળવનાર બીજી ભારતીય સ્કૂલ અહમદનગરની સ્નેહાલય ઇંગ્લિશ સ્કૂલ છે. સ્નેહાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એક ચેરિટી સ્કૂલ છે. જેણે એચઆઇવીથી ગ્રસ્ત બાળકો અને સેક્સવર્કર પરિવારોના બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ શાળાએ જિલ્લામાં શિક્ષણથકી દેહવ્યાપાર પ્રવૃત્તિનો અંત લાવવા જેવા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે.
ક્યારે થઈ શરૂઆત: જે શાળાઓ પોતાની ખાસ શિક્ષણ પ્રણાલીથી વિદ્યાર્થીઓને ભણાવે છે. એવી શાળાઓને આ એવોર્ડ આપવામાં આવે છે. વર્લ્ડ બેસ્ટ સ્કૂલ ઓફ 2023 એવોર્ડની શરૂઆત T4 એજ્યુકેશન દ્વારા વર્ષ 2022માં કરવામાં આવી હતી. વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલનો આ પુરસ્કાર પાંચ બાબતોને ધ્યાનમાં લઇને આપવામાં આવે છે. જેમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં કાબૂ મેળવવા માટેનું શિક્ષણ આપવાની સાથે અને સ્વસ્થ જીવન જીવવા માટેની રીતનું પ્રશિક્ષણ સામેલ છે.
કેવી રીતે કરાય છે પસંદગી: પુરસ્કાર માટે પસંદગી કરતી વખતે આગલી પેઢીનાં બાળકોને તૈયાર કરવામાં શાળાઓની અગત્યની ભૂમિકા કેટલા અંશે મહત્વની છે અને સોસાયટીના વિકાસમાં શાળાના યોગદાનને પણ વિશેષરૂપે ધ્યાને લેવામાં આવે છે. આ વખતે અમદાવાદ અને અહમદનગરની શાળાઓએ આ માપદંડો સ્થાપિત કરી પુરસ્કાર માટે ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે આ ગૌરવભરી વાત કહી શકાય.
