ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?

author img

By

Published : Jun 19, 2023, 8:14 PM IST

અમદાવાદના જગન્નાથ મંદિરથી મંગળવારે 146મી રથયાત્રા નગરચર્યા કરશે. જેના પ્રારંભ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિધિ સંપન્ન કરવામાં આવે છે જેને પહિન્દ વિધિ કહેવામાં આવે છે. આ પહિન્દ વિધિ કોણ કરે છે અને શા માટે કરવામાં આવે છે તેનું મહત્ત્વ જાણીએ.

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?
Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?

અમદાવાદ : અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી 20 જૂનને મંગળવારે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા ધામધૂમથી નીકળશે. આ વર્ષે નવા બનાવેલા રથોમાં વહેલી સવારે 6.30 વાગ્યે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરશે અને પછી રથયાત્રાનો પ્રારંભ થશે. શું આ પહિન્દ વિધિ?

આ વર્ષે રથયાત્રાનો અદમ્ય ઉત્સાહ : ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ વર્ષમાં એક વખત શહેરના નગરજનોને સામે ચાલીને નગરયાત્રાએ નીકળીને દર્શન આપવા આવે છે. ત્યારે નગરજનો પણ ભગવાનની નગરયાત્રા દરમિયાન ભગવાનને વધાવીને ઓવારણા લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કોરોનાકાળના બે વર્ષમાં ભગવાનની નગરચર્યાને લઇને ભક્તજનો નિરાશ થયાં હતાં. ત્યારે રથયાત્રા 2023માં અમદાવાદમાં 146મી રથયાત્રા ખૂબ ધામધૂમપૂર્વક નીકળી રહી છે. એક અંદાજ પ્રમાણે 25 લાખથી વધુ ભાવિક ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરશે.

શું છે પહિન્દ વિધિ : આ સમગ્ર રથયાત્રા મંદિરના પ્રાંગણમાં પહિન્દ વિધિ આયોજિત થતી હોય છે. પહિન્દ વિધિમાં હંમેશા રાજ્યના મુખ્યપ્રધાન ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથોનો માર્ગ પ્રશસ્ત કરવા માટે સોનાની સાવરણીથી પહિન્દ વિધિ કરે છે. આ વર્ષે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોનાની સાવરણીથી સ્વચ્છ કરીને રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવશે.પહિન્દ વિધિ એટલે સોનાની સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કરવો અને પછી ખલાસીભાઈઓ સાથે સીએમ દોરડું ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવે છે. તે વખતે રાજ્યના વડા અને રાજા હોવાને નાતે તેઓ પહિન્દ વિધિ વખતે માથે પાઘડી પહેરે છે. પહિન્દ વિધિ થયા પછી જ ભગવાનના રથ નગરચર્યાએ જવા માટે જગન્નાથ મંદિરની બહાર નીકળે છે.

મુખ્યપ્રધાન દ્વારા થાય છે પહિન્દ વિધિ
મુખ્યપ્રધાન દ્વારા થાય છે પહિન્દ વિધિ

કોણ કરે છે પહિન્દ વિધિ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સવારે 6.30 વાગ્યે જગન્નાથ મંદિરમાં પહિન્દ વિધિ કરશે. ત્યાર બાદ રથયાત્રાનો શુભારંભ થશે. જગન્નાથ પુરીમાં ભગવાનના રથોનું પ્રસ્શાન કરાવવાની પહિન્દ વિધિ ત્યાંના પૂર્વ રાજવી દ્વારા કરવામાં આવે છે. જ્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં ગુજરાત રાજ્યના રાજા એવા મુખ્યપ્રધાન દ્વારા પહિન્દ વિધિ સંપન્ન કરવામાં આવે છે. આમ પહિન્દ વિધિ ગુજરાતના મુખ્યપ્રધાન કરે છે. દર વર્ષે ગુજરાતના જે મુખ્યપ્રધાન ગાદી પર બિરાજમાન હોય તે પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

9 વાગ્યે નિજમંદિરે પરત : ઓડિશામાં આવેલા જગન્નાથ પુરી પછી અમદાવાદની રથયાત્રા બીજા નંબરે આવે છે. આ રથયાત્રા પ્રસ્થાન થવાનો સમય સવારે 7 વાગ્યે શરૂ થાય છે. જે ક્રમશ અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે અને સરસપુરના રણછોડરાયજી મંદિરે થોડો વિરામ લે છે. ભગવાન જગન્નાથ પોતાના ભાઇબહેનની સાથે અમદાવાદ શહેરના રસ્તાઓ પર નગરજનોને દર્શન આપીને રાત્રે 9 વાગ્યે નિજમંદિરે પરત ફરે છે.

સાધુસંતો વિવિધ રાજ્યોમાંથી આવ્યા : આ વર્ષની રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા 101 ટ્રક, અંગ કસરતના દાવ કરતાં 30 અખાડા, 18 ભજનમંડળીઓ, 3 બેન્ડવાજાવાળા રહેશે. 1000થી વધુ ખલાસી ભાઈઓ ત્રણેય ભગવાનના રથ ખેંચશે. 2000 જેટલા સાધુસંતો વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે તેઓ આ રથયાત્રામાં જોડાશે. ખૂબ દબદબાભેર નીકળનારી રથયાત્રાને જોવા માટે ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ ભાવિકભકતો અમદાવાદ આવે છે.

  1. Ahmedabad Jagannath Rath Yatra 2023 : જગન્નાથ મંદિરમાં નવા ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજા કરાઈ, 13 ગજરાજનું પૂજન કરાયું
  2. Ahmedabad Rathyatra 2023: સરસપુરમાં બે લાખ જેટલા શ્રદ્ધાળુ લેશે પ્રસાદનો લાભ, જાણો કેવી છે તેયારીઓ
  3. Ahmedabad Jagannath Rath Yatra 2023 : રથયાત્રામાં ટ્રાફિકમાં ન ફસાવું હોય તો જાણી લો અમદાવાદમાં કયા રૂટ રહેશે બંધ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.