ETV Bharat / sports

ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય: આર્જેન્ટિનાનો 2-1થી વિજય, 6 ઓગસ્ટે બ્રોન્ઝ માટે રમશે

author img

By

Published : Aug 4, 2021, 5:46 PM IST

ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય
ભારતીય મહિલા હોકી ટીમનો પરાજય

ટોક્યો ઓલિમ્પિક્સના 13માં દિવસે દેશભરની નજર ભારતીય મહિલા હોકી ટીમ પર હતી. આર્જેન્ટિના સામેની સેમિફાઈનલ મેચમાં ભારતનો 2-1થી પરાજય થયો છે. હવે, ભારતીય મહિલા હોકી ટીમ 6 ઓગસ્ટના રોજ બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે.

  • મહિલા હોકીની સેમિફાઈનલમાં ભારતીય ટીમનો 2-1થી પરાજય
  • ભારતીય ટીમ મેચની બીજી મિનીટમાં ગોલ માર્યા બાદ એક પણ ગોલ ન મારી શકી
  • આર્જેન્ટિનાના કપ્તના મારિયા નોએલે 2 ગોલ મારીને આર્જેન્ટિનાને ફાઈનલ્સમાં પહોંચાડી

ન્યૂઝ ડેસ્ક: આજે બુધવારે ટોક્યો ઓલિમ્પિક્સના 13માં દિવસે યોજાયેલી ભારતીય મહિલા હોકી ટીમ અને આર્જેન્ટિના વચ્ચેની મેચમાં ભારતનો 2-1થી પરાજય થયો છે. ભારતીય ટીમ મેચ શરુ થયાની બીજી મિનીટે જ ગોલ માર્યા બાદ સમગ્ર મેચ દરમિયાન એક પણ ગોલ મારી શકી ન હતી. જ્યારે આર્જેન્ટિનાએ શાનદાર પર્ફોન્સ સાથે મેચ પોતાના નામે કરી હતી.

ભારતે બીજી મિનીટે તો આર્જેન્ટિનાએ 18મી મિનીટે ફટકાર્યો હતો પ્રથમ ગોલ

સેમિફાઈનલ મેચ શરૂ થઈ તેની બીજી જ મિનીટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યું હતું. જેમાં ગુરજીત કૌરે ગોલ મારીને ખાતુ ખોલ્યું હતું. જ્યારબાદ 8મી મિનીટે આર્જેન્ટિનાને પેનલ્ટી કોર્નર મળ્યું હતું, જે તેઓ ચૂકી ગયા હતા. જ્યારબાદ 18મી મિનીટે બીજા પેનલ્ટી કોર્નરમાં આર્જેન્ટિનાના કપ્તાન મારિયા નોએલે ગોલ મારીને સ્કોર બરાબર કર્યો હતો.

ભારતીય ખેલાડીઓ ખૂબ જ પ્રેશરમાં જોવા મળ્યા, યેલો કાર્ડ ભારે પડ્યું

હાફ ટાઈમ સુધીમાં ભારત અને આર્જેન્ટિના વચ્ચે 1-1થી બરાબરીનો મુકાબલો ચાલી રહ્યો હતો. જોકે, આર્જેન્ટિનાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બતાવતા ભારતીય ખેલાડીઓ પર પ્રેશર ઉભું થયું હતું. જે મેચના બીજા હાફમાં ભારે પડ્યું હતું. આ સિવાય મેચની 39મી મિનીટે ભારતીય ખેલાડી નેહા ગોયલને ગ્રીન કાર્ડ મળતા તેમને 2 મિનીટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના કારણે ભારતે 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.

આર્જેન્ટિનાએ ત્રીજા ક્વોર્ટરમાં બીજો ગોલ કર્યો, બન્ને ગોલ કપ્તાનના નામે

ભારતીય ખેલાડીઓ પર પ્રેશર બનાવ્યા બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓ ખૂબ જ સારી રીતે રમ્યા હતા. મેચના ત્રીજા ક્વોર્ટરની શરૂઆતમાં જ આર્જેન્ટિનાએ પેનલ્ટી કોર્નર મેળવ્યું હતું. જેમાં કપ્તાન મારિયા નોએલે ગોલ મારીને 2-1થી લીડ મેળવી હતી. આજની આ મેચમાં આર્જેન્ટિના તરફથી બન્ને ગોલ કપ્તાન મારિયા નોએલે જ માર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.