ETV Bharat / sports

World Cup 2023: જાણો 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પસંદગીની શરુઆત ક્યારે થઈ, કોણ બનશે વર્લ્ડ કપ 2023નો સર્વશ્રેષ્ઠ ખેલાડી?

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 6:30 PM IST

ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીની (પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ) પસંદગીની શરુઆત 1992ના વર્લ્ડ કપથી શરૂ થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન માર્ટિન ક્રોને 'મેન ઓફ ધ સિરીઝ' જાહેર કરવામાં આવ્યો હતો. ETV ભારતના પ્રદીપ સિંહ રાવતે આઠ ખેલાડીઓ વિશે લખે છે જેમણે આજ સુધી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો છે.

Etv BharatWorld Cup 2023
Etv BharatWorld Cup 2023

હૈદરાબાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકોથી લઈને ક્રિકેટ નિષ્ણાતો સુધી દરેકના હોઠ પર સવાલ છે કે આ પ્રતિષ્ઠિત ટ્રોફી કોણ ઉઠાવશે? આ વર્લ્ડ કપમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ છેલ્લી વખત જોવા મળશે, કેટલાક નવા સ્ટાર્સ પાસે તેમની ક્ષમતા સાબિત કરવાની તક છે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શનની વાત કરીએ તો ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીની પસંદગીની શરુઆત 1992ના વર્લ્ડ કપથી શરૂ થઈ હતી. 1992 થી 2019 સુધી, પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આઠ ખેલાડીઓને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' એવોર્ડ આપવામાં આવ્યો છે.

1992 વર્લ્ડ કપ: માર્ટિન ક્રો

1992ના વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ દ્વારા કરવામાં આવી હતી. પાકિસ્તાને ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન માર્ટિન ક્રોએ પોતાની શાનદાર બેટિંગથી સૌને ચકીત કરી દિધા હતા. માર્ટિન ક્રોએ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા સામે સદી અને 4 અર્ધસદી સહિત 9 મેચમાં 456 રન બનાવ્યા હતા. માર્ટિન ક્રો વર્લ્ડ કપના ઈતિહાસમાં એકમાત્ર એવા કેપ્ટન છે જેને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો છે. આ એડિશનમાં માર્ટિન ક્રોને ત્રણ વખત 'મેન ઓફ ધ મેચ' પણ જાહેર કરવામાં આવ્યો હતો. માર્ટિન ક્રોનું 3 માર્ચ 2016ના રોજ ઓકલેન્ડમાં અવસાન થયું હતું.

1996 વર્લ્ડ કપ: સનથ જયસૂર્યા

અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની શ્રીલંકા પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બની હતી. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાના ઓપનર સનથ જયસૂર્યા અને રોમેશ કાલુવિથરાનાએ ક્રિકેટ જગતને શીખવ્યું કે, કેવી રીતે પ્રથમ 10 ઓવરમાં ઝડપી બેટિંગ કરવી. શ્રીલંકાને ચેમ્પિયન બનાવવામાં આ બંનેનો મહત્વનો ફાળો હતો, ખાસ કરીને ડાબોડી બેટ્સમેન સનથ જયસૂર્યા, જેણે 6 મેચમાં 221 રન બનાવ્યા હતા અને 7 વિકેટ પણ લીધી હતી. તેણે 5 કેચ પણ લીધા હતા.

1999 વર્લ્ડ કપ: લાન્સ ક્લુઝનર

જો કે સાઉથ આફ્રિકાની ટીમ ક્યારેય વર્લ્ડ કપ જીતી શકી ન હતી, પરંતુ 1999માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં આ ટીમે ટક્કર આપી હતી અને સેમીફાઈનલ સુધી પહોંચી હતી. લાન્સ ક્લુઝનર 1999ના વર્લ્ડ કપની વાત આવે તો ક્લુઝનરની યાદ આવે જ તે વર્લ્ડ કપમાં, ક્લુઝનરે બોલ અને બેટ બંને વડે ધમાલ મચાવી હતી. તેણે 9 મેચની 8 ઇનિંગ્સમાં 281 રન બનાવ્યા અને 17 વિકેટ પણ લીધી હતી.

ટૂર્નામેન્ટમાં 2 અડધી સદી ફટકારીને, લાન્સ ક્લુઝનરે તેની ટીમને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધી હોત જો દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર એલન ડોનાલ્ડ સેમિફાઇનલમાં રનઆઉટ ન થયા હોત. ઘણા ક્રિકેટ નિષ્ણાતોના મતે, આ ખેલાડીએ પોતાની ટીમને લગભગ વર્લ્ડ કપ જીતાડ્યો હતો. પરંતુ 4 મેન ઓફ ધ મેચ પુરસ્કારો બાદ લાન્સ ક્લુઝનરને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો. લાન્સ ક્લુઝનરના પ્રદર્શનને તે સમય સુધીના વિશ્વ કપ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

2003 વર્લ્ડ કપ: સચિન તેંડુલકર

ભારતે 1983 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. જો કે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં મેન ઇન બ્લુ, દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા વર્લ્ડ કપની 2003ની ફાઈનલ સુધી પહોંચી હતી. જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઈનલમાં પોતાની ટીમને લઈ જવામાં ક્રિકેટ આઈકન સચિન તેંડુલકરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટૂર્નામેન્ટમાં 11 મેચો દરમિયાન તેંડુલકરે 1 સદી અને 6 અડધી સદીની મદદથી 673 રન બનાવ્યા હતા.

સચિન તેંડુલકરે ટૂર્નામેન્ટમાં 61.18ની એવરેજથી રન બનાવ્યા હતા. તેને ત્રણ વખત 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી અને 4 કેચ પણ પકડ્યા હતા. જે બાદ તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તેમજ ગોલ્ડન બેટ એવોર્ડ આપવામાં આવ્યું હતુ. એક જ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

2007 વર્લ્ડ કપ: ગ્લેન મેકગ્રા

2007માં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત વર્લ્ડ કપની યજમાની કરી અને પ્રથમ વખત કોઈ બોલરને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના મહાન ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ કુલ 11 મેચમાં 26 વિકેટ ઝડપી અને પોતાની ટીમને સતત ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેની બોલિંગ એવરેજ 13.73 અને ઇકોનોમી રેટ 4.41 હતો. તેણે ટૂર્નામેન્ટની દરેક મેચમાં ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં શ્રીલંકાને હરાવી ટ્રોફી જીતી હતી.

2011 વર્લ્ડ કપ: યુવરાજ સિંહ

2011ના વર્લ્ડ કપની યજમાને ભારતે કરી હતી અને આ વખતે મેન ઇન બ્લુ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. 2 એપ્રિલ, 2011ના રોજ મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સિક્સર દરેક ભારતીય ચાહકોના હૃદય અને દિમાગમાં છવાયેલા છે. પરંતુ ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનવામાં સૌથી મોટું યોગદાન ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હતો. યુવરાજ સિંહે 9 મેચની 8 ઇનિંગ્સમાં 1 સદી અને 4 અડધી સદીની મદદથી 362 રન બનાવ્યા અને 15 વિકેટ પણ લીધી હતી. વર્લ્ડ કપ 2011 દરમિયાન તેને 4 વખત 'મેન ઓફ ધ મેચ' પણ જાહેર કરવામાં આવ્યો હતો.

2015 વર્લ્ડ કપ: મિચેલ સ્ટાર્ક

વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ દ્વારા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ કપની ટ્રોફી કબજે કરી હતી. જેમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટાર્કે 8 મેચમાં 10.18ની બોલિંગ એવરેજ અને 3.5ના ઈકોનોમી રેટથી 22 વિકેટ લીધી હતી. જેમાં ન્યૂઝીલેન્ડ સામે 28 રનમાં 6 વિકેટ પણ સામેલ છે. આ પ્રદર્શન માટે તેને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ બોલરને આ ટ્રોફી મળી હોય. અગાઉ 2007માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.

2019 વર્લ્ડ કપ: કેન વિલિયમસન

2019 માં, લગભગ 20 વર્ષ પછી, ઇંગ્લેન્ડે ફરીથી વર્લ્ડ કપની યજમાની કરી અને તે સતત ત્રીજી વખત હતું જ્યારે યજમાનોએ વર્લ્ડ કપ જીત્યો હતો. 2019માં ઈંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. પરંતુ આ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વિલિયમસને 10 મેચની 9 ઇનિંગ્સમાં 2 સદી અને અડધી સદીની મદદથી 578 રન બનાવ્યા હતા. જોકે, ફાઇનલમાં ઇંગ્લેન્ડે બાઉન્ડ્રીની ગણતરીના આધારે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. કેન વિલિયમસન વર્લ્ડ કપના ઈતિહાસમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' બનનાર બીજો કેપ્ટન છે. અગાઉ, 1992ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરનાર માર્ટિન ક્રોને તે એડિશનમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

આ વખતે કોણ બનશે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ?: આ વખતે વર્લ્ડ કપમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન, જો રૂટ, શાકિબ અલ હસન, ટ્રેન્ટ બોલ્ટ, ગ્લેન મેક્સવેલ, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ સામેલ થશે. ટૂર્નામેન્ટમાં શુભમન ગિલ, ઇશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, ઇમામ ઉલ હક, નૂર અહેમદ, કેમરન ગ્રીન, હેરી બ્રૂક, તનઝીમ હસન શાકિબ, મોહમ્મદ વસીન જુનિયર, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ સિરાજ, કુલદીપ જેવા યુવા ખેલાડીઓ પણ જોવા મળશે. આ વખતે એ જોવાનું રસપ્રદ રહેશે કે, કોઈ સિનિયર ખેલાડીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળે છે કે પછી કોઈ ઉભરતો યુવા ખેલાડી તેને જીતે છે. ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે બોલરને પસંદ કરવામાં આવશે કે બેટ્સમેન કે ઓલરાઉન્ડરની પસંદગી 19 નવેમ્બરે જ થશે.

આ પણ વાંચો:

  1. World Cup 2023 : ICC વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પ્રેક્ષકોની પાંખી હાજરી
  2. World Cup 2023: વર્લ્ડ કપ પહેલા રોહિત શર્માએ ખેલાડીઓને આપી સલાહ, જાણો શું કહ્યું કપ્તાને...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.