ETV Bharat / opinion

શું આ અન્ન પૂરું પાડનારને ટેકો છે?

author img

By

Published : Sep 18, 2020, 9:12 PM IST

ખરાબ સ્થિતિમાં પણ દેશમાં અન્નની તંગી થતી નથી અને દેશ આજે ખુશ હોય છે તેનું કારણ છે ખેડૂતો. તેઓ દિવસરાત મહેનત કરે છે. આપત્તિના સમયમાં પણ તેઓ તેમના હળ અને ઢોરને છોડ્યા વગર પરસેવો પાડીને મહેનત કરે છે. તેઓ દેશની કરોડરજ્જુ છે. કોરોનાના કારણે વિનાશ થયો છે અને તેની અસર વિવિધ ક્ષેત્રોને પડી છે. આથી આ ક્ષેત્રોની મદદ માટે કેન્દ્રએ આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે.

શું આ અન્ન પૂરું પાડનારને ટેકો છે
શું આ અન્ન પૂરું પાડનારને ટેકો છે

જ્યારે દેશના મહત્ત્વના અંગ એવા અન્ન પ્રદાતા-ખેડૂતને મદદ કરવાની વાત આવે છે ત્યારે તે એવી નીતિ અપનાવે છે જે તેના કલ્યાણ અને અસ્તિત્વ માટે નુકસાનરૂપ છે. બે વર્ષ પહેલાં દસમી કૃષિ વસતિ ગણતરી બતાવે છે કે દેશભરમાં ૮૬.૨ ટકા નાના ખેડૂતો છે, તેમની પાસે બે હૅક્ટર કરતાં ઓછી જમીન છે; ૧૨ કરોડ ૬૦ લાખ નાના ખેડૂતો પાસે કૃષિ થઈ શકે તેવી સરેરાશ 0.6 હૅક્ટર જમીન જ છે. લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ના નામે ખેડૂતોનું શોષણ દાયકાઓથી વ્યાપ્ત છે, કૃષિ બજારોમાં દલાલોની છેતરપિંડી વિવશ ખેડૂતોનાં હિતોનું શોષણ ગંભીર રીતે કરી રહી છે.

આ અસંગઠિત પ્રણાલિનો સામનો કરવા, કેન્દ્રએ સંસદમાં એક ખરડો રજૂ કર્યો છે જે ખેડૂતને તેનો પાક ગમે ત્યાં વેચવા છૂટ આપે છે અને આકર્ષક ભાવ મેળવવા પણ છૂટ આપે છે. આની સાથે જ રજૂ કરાયેલા બીજા ખરડામાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે લણણી પૂર્વે એક કરારની જોગવાઈ છે જેનાથી વેપારીને સુરક્ષા મળે છે અને ખેડૂતોના હાથ બંધાઈ જાય છે. ખરડામાં દીર્ઘ દૃષ્ટિના બદલે ટૂંકી દૃષ્ટિ છે જે વાસ્તવિકતાથી જોજનો દૂર છે. તે માને છે કે બજારનાં બળો વચ્ચે સ્પર્ધા થવાથી ખેડૂતોને પાકના સમાન ભાવ મળશે અને તેમની આવક બમણી થશે. વાસ્તવિક સ્થિતિ એ છે કે ગરીબ ખેડૂતને બીજ અને પાકની કામગીરી માટે ઋતુની શરૂઆતમાં રોકાણની જરૂર પડે છે અને આ સ્થિતિમાં તે વિવશતાથી વેપારીની જાળમાં આવી જાય છે અને તેને નફો ન થાય તેવી શરતોએ પાક લેવો પડે છે.

જો પાક મબલક થાય તો પણ તેને તેમાંથી કોઈ ફાયદો તો થતો જ નથી અને અગાઉ જે ભાવે નક્કી થયું હોય તે ભાવે વેપારીને બધો જ પાક વેચી દેવા તેને ફરજ પડે છે. સરકારે તો દેશની અન્ન સુરક્ષા માટે નિષ્ઠાવાન રીતે જવાબદાર ખેડૂતોનું કલ્યાણ થાય તેમ કરવું જોઈએ. પણ તેના બદલે નવાઈની વાત એ છે કે સરકાર અન્ન પ્રદાતાને બજારનાં બળોના હાથોમાં શોષણ માટે છોડી દેવામાં આવે છે!

કૃષિ-અર્થશાસ્ત્રી અશોક ગુલાટીએ કરેલા એક અભ્યાસ મુજબ, દર વર્ષે સરકાર પાકના ટેકાના ભાવ એ રીતે નક્કી કરે છે જાણે તે ખેડૂતોને મદદ કરતી હોય, પરંતુ તેનાથી ખેડૂતને ખરેખર દર વર્ષે રૂ. ૨.૬૫ લાખ કરોડ કરતાં પણ વધુ રકમનું નુકસાન જાય છે. અને આ હકીકત પણ જુઓ. વર્ષ ૨૦૦૦-૧૭ દરમિયાન ખેડૂતો પર લદાયેલા પરોક્ષ વેરાની રકમ રૂ. ૪૫ લાખ કરોડથી પણ વધુ હતી. મુક્ત બજાર કરવા માટે કૃષિ બજારમાં સુધારા કરવાનાં સૂચનો મુજબ ખરડા માટે કેન્દ્રએ તૈયારી કરી લીધી છે પણ તેને ખબર નથી કે ખેડૂત નિયંત્રિત બજારોમાં તેનું મોઢું ખોલી શકતો નથી, તો તે મુક્ત બજારમાં કેવી રીતે સફળ થશે? અનુપયોગી ટેકાના ભાવ એ ખેડૂતોના કલ્યાણ માટે બોજો બની ગયો છે તે હકીકતને ધ્યાનામં લેતાં, સમયે-સમયે સુધારા કરવા માટે ડૉ. સ્વામિનાથન સમિતિની ભલામણો શા માટે અમલમાં લેવાતી નથી? ખેડૂત પોતે ભૂખ્યો રહીને દેશનું પેટ ભરે છે અને તે માત્ર અન્ન માટે આત્મનિર્ભરતા જ પ્રાપ્ત નથી કરતો પરંતુ તે સાથે તે ભારતના સાર્વભૌમત્વની રક્ષા કરતો એક સૈનિક પણ છે! તેલંગણાએ પાક વસાહતો બનાવી છે. આ પ્રયોગને દેશવ્યાપી અમલ કરવાની તાત્કાલિક આવશ્યકતા છે. આ સાથે ખેડૂતો આસપાસ કેન્દ્રિત સઘન કૃષિ નીતિ ઘડવાની પણ તાતી આવશ્યકતા છે. માટીનું પરીક્ષણ દેશના ૧૦૦ કરતાં વધુ અલગ-અલગ આબોહવાવાળાં ક્ષેત્રોમાં કરવું જોઈએ જેથી ખબર પડે કે કયા પાક માટે માટી અનુકૂળ છે અને તેમાં ભારતની આવશ્યકતાઓ તેમજ નિકાસની તકોને ધ્યાનમાં રાખીને વાર્ષિક પાક યોજના તૈયાર કરવી જોઈએ.

કૃષિ સંશોધન કરવું અને ખેડૂતોને ઓછા પાક, ઓછી ગુણવત્તા, જંતુઓની સમસ્યા, દુષ્કાળ અને પૂર જેવી આપત્તિઓથી બચાવવા તે સરકારની ફરજ છે. કેન્દ્રએ પાક પ્રાપ્ત કરવો અને ખેડૂતોને વાજબી આવક થાય તેની ખાતરી કરવી જોઈએ અને દેશની અન્ન સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ. જો વિવશ ખેડૂતને સમસ્યાઓના વમળમાં ફેંકી દેવાશે અને તેને મુક્ત બજારની દયા પર છોડી દેવાશે તો તેની સ્થિતિ કૂવામાંથી ખાઈમાં પડવા જેવી થશે અને અવાસ્તવિક સુધારાઓ અને ખરડાઓ વરદાનના બદલે શાપ બની જશે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.