અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટર સાથે છોડ્યો હતો દેશ : મીડિયા રિપોર્ટ

author img

By

Published : Aug 16, 2021, 8:57 PM IST

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટર સાથે છોડ્યો હતો દેશ

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ રોકડા નાણા ભરેલા હેલિકોપ્ટરમાં દેશ છોડ્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક રશિયન મીડિયા રિપોર્ટ પ્રમાણે, અશરફ ગનીએ થોડા ઘણા પૈસા પાછળ છોડવા પડ્યા હતા, કારણ કે તે હેલિકોપ્ટરમાં સમાવી શકાય તેમ ન હતા.

  • અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ પૈસા ભરેલા હેલિકોપ્ટરમાં છોડ્યું હતું દેશ
  • હેલિકોપ્ટરમાં એક બેગ ન આવતા પૈસા છોડીને દેશ છોડવા માટે મજબૂર
  • રશિયન સમાચાર એજન્સી TASS દ્વારા કરવામાં આવ્યો દાવો

મોસ્કો/કાબુલ: અફઘાનિસ્તાન હાલ સંપૂર્ણપણે તાલિબાનના કબજામાં છે. ત્યારે અફગાન રાષ્ટ્રપતિ અશરફ ગનીના વર્તન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. રવિવારે જ્યારે તાલિબાનીઓ રાષ્ટ્રપતિના આવાસસ્થાને પહોંચી રહ્યા હતા, ત્યારે અશરપ ગની દેશ છોડીને નાસી છૂટ્યા હતા. આ વચ્ચે સોમવારે રશિયાના આધિકારીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ અશરફ ગનીએ હેલિકોપ્ટરમાં દેશ છોડ્યું હતું. જેમાં તેમણે રોકડા નાણા ભર્યા હતા.

રશિયન એજન્સી TASSએ આપી માહિતી

કાબુલમાં રશિયન એમ્બેસીની માહિતી આપતા આધિકારીક સમાચાર એજન્સી TASSએ જણાવ્યું હતું કે, 72 વર્ષીય રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પૈસાથી ભરેલા હેલિકોપ્ટરમાં સવાર થઈને દેશ છોડ્યો હતો. એક મિશન કર્મચારીએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, શાસનના પતન બાદ તેમને આ વાત જાણીને નવાઈ થઈ હતી કે, કઈ રીતે અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા. ચાર ગાડીઓ રોકડ રકમથી ભરેલી હતી અને તેમણે હેલિકોપ્ટરમાં રોકડા ભરેલી વધુ એક બેગ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હેલિકોપ્ટરમાં જગ્યા બચી ન હોવાથી તેઓ બેગ ભરી શક્યા ન હતા.

પૈસા ભરેલું એક બેગ રન-વે પર છોડ્યું

TASS દ્વારા પોતાના અહેવાલમાં મિશન કર્મચારીનું નામ જાહેર કર્યું ન હતું. રશિયન મિશનના પ્રવક્તા નિકિતા ઈશેંકોના જણાવ્યા પ્રમાણે, અશરફ ગનીને કાબુલથી ભાગતી વખતે રોકડ ભરેલી ગાડીઓ સાથે લઈ જવામાં આવી રહ્યા હતા. ઈશેંકોએ વધુમાં જણાવ્યું હતું કે, રોકડાનો એક ભાગ તેમણે હેલિકોપ્ટરમાં પણ નાંખવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં જગ્યા ન હોવાથી રન-વે પર જ પૈસા છોડીને રવાના થઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.