- પત્નિના આડાસંબંધ હોવાની શંકાએ યુવક પર હુમલો
- એસએસજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત
- મૃતકની પત્નિએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા: સાવલી તાલુકાના રાણીયા ગામે પત્નિ સાથે આડાસંબંધની શંકાએ યુવાનને માથાના ભાગે લાકડાનો ફટકો મારી ઈજા પહોંચાડી હતી. તેને વધુ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડાતાં ટૂંકી સારવાર બાદ મોંત નીપજ્યું હતું. પત્નિની ફરિયાદને આધારે ભાદરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ઝઘડો કરી માર માર્યો હોવાનો મૃતકની પત્નિએ કર્યો આક્ષેપ
સાવલી તાલુકાના પોઇચા ગામે જયેશ ભોગીલાલ પટેલના ખેતરમાં કામ કરતા 40 વર્ષીય સનાભાઈ નાયક 10 ફેબ્રુઆરીના રોજ સાંજે ખેતરમાં બટાકાની દેખરેખ રાખવા માટે ગયા હતા અને ઘરે પરત ફર્યા ત્યારે તેઓના માથામાંથી લોહી નીકળતું હતું. આ અંગે પત્નીએ પૂછપરછ કરતા રાણિયા ગામની સીમમાં રહેતા સંજય રાઠોડે નજીકમાં પડેલો વાંસનો બંમ્બુ માથામાં માર્યો હોવાનું કહ્યું હતું.
ભાદરવા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી
ઈજાગ્રસ્ત સનાભાઇને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શનિવારે સાંજે બેભાન અવસ્થામાં જ સનાભાઇનું મોત થયું હતું. જેથી મૃતક શનાભાઇની પત્ની મંજુલા બહેને પોલીસ ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા પતિ સાથે અગાઉ સંજય રાઠોડની ધર્મપત્ની આશાબહેન સાથે આડાસંબંધ રાખવા બાબતે ઝઘડો થયો હતો. જેથી તેની અંગત દુશ્મની રાખી સંજય રાઠોડે પતિને માર્યો હતો. પરંતુ તે વખતે પતિ સાઈકલ પરથી પડી ગયો તેમ જણાવી સારવાર કરાવી હતી. પરંતુ પોલીસે પૂછપરછ કરતા સંજયે માર માર્યો હોવાની કબૂલાત કરવી પડી હતી. આ અંગે ભાદરવા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.