ETV Bharat / city

સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ, 23 મોટરસાયકલ જપ્ત

author img

By

Published : Sep 20, 2020, 5:20 AM IST

stolen motorcycles
stolen motorcycles

મોટરસાયકલ ચોરતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આ ગેંગ બનાવટી RC બુક સાથે ચોરી કરેલી મોટરસાયકલ લોકોને વેચાણ કરતા હતા. આ વાહન ચોરીના રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી કુલ 23 ચોરીની મોટરસાયકલ જપ્ત કરી શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના 24 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

સુરતઃ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે OLX પર વેચાણ માટે મૂકવામાં આવેલી મોટરસાયકલનો સ્નેપશોટ અને RC બુક ડાઉનલોડ કરી, ત્યાર બાદ તેના પરથી બનાવટી સ્માર્ટકાર્ડ RC બુક બનાવતી હતી. જે બાદ બનાવટી RC બુક સાથે ચોરી કરેલી મોટરસાયકલ લોકોને વેચાણ કરતા હતા. આ વાહન ચોરીના રેકેટનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી કુલ 23 ચોરીની મોટરસાયકલ જપ્ત કરી શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના 24 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો વાહન ચોરીના રેકેટનો પર્દાફાશ

સુરત શહેરમાં વાહન ચોરીના ગુનાઓને શોધવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમ હાલ વર્ક આઉટ કરી રહી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરની સીધી સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે તપાસના કામે લાગી છે. જે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે એક એવી ગેંગના 2 માણસોને ઝડપી લીધા છે. જે ગેંગ ઓનલાઈન વેબસાઈટ પર વેચાણ માટે મૂકેલી મોટરસાયકલની નંબર પ્લેટ સાથેનો સ્નેપશોટ પાડી અને ત્યાર બાદ RC બુક ડાઉનલોડ કરી ચોરીના વાહનોનું રેકેટ ચલાવતા હતા.

વ્યવસાયે કાપડ દલાલ અને હીરા ઓફિસમાં કામ કરતા દિવ્યેશ પટોળીયા સહિત રીકેશ માનગરોળિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના રેકેટમાં ધરપકડ કરી કુલ 23 ચોરીના વાહનો જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન બન્ને આરોપીઓએ આ વાહનો સરથાણા, કાપોદ્રા, વરાછા, અમરોલી, અઠવા સહિત ઉમરા પોલીસ મથકમાંથી વર્ષ 2020 દરમિયાન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે. જે ચોરીના વાહનો જુદા જુદા લોકોને વેચી મારવામાં આવ્યા હતા.

વાહનો અન્ય લોકોને કઈ રીતે વેચાણ કરવામાં આવતા હતા, તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમિયાન આરોપીઓ સૌપ્રથમ OLX પર વેચાણ માટે મૂકવામાં આવેલા વાહનની નંબર પ્લેટ સાથેની મોટર સાયકલનો સ્નેપશોટ પાડી લેતા હતા. ત્યાર બાદ ઓનલાઈન મૂકવામાં આવેલા મોટરસાયકલની RC બુક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી બનાવટી સ્માર્ટકાર્ડ RC બુક તરીકે ઉપયોગમાં લેતા હતા. જે RC બુકનો ચોરી કરેલી મોટરસાયકલમાં ઉપયોગ કરતા હતા.

મહત્વનું છે કે, OLX પર જે મોટરસાયકલની નંબર પ્લેટનો નંબર ઓરિજનલ હોય છે, તેજ નંબરની અલગથી નંબર પ્લેટ બનાવીને ચોરીના વાહનોમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી એક અલગ જ મોડ્સ ઓપરેન્ડીથી પોતાના ગુનાને અંજામ આપતા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કરી શહેરના અલગ અલગ પોલીસ ચોપડે નોંધાયેલા વાહન ચોરીના કુલ 24 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જેમાં સરથાણા પોલીસ મથકના 9, કાપોદ્રાના 9, વરાછાના 2, અમરોલી અને ઉમરાના 1- 1 તેમજ અઠવાના 2 ગુનાઓના ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 23 ચોરીની મોટર સાયકલ, બે મોબાઈલ, બનાવટી 21 માસ્ટર કાર્ડ RC બુક, કટર તેમજ 5 માસ્તર કી કુલ મળીને 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન વાહન ચોરીના વધુ ગુના ઉકેલાવાની પણ પૂરેપૂરી શકયતા રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.