ETV Bharat / city

ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી- ક્લાર્ક દ્વારા 66.31 લાખની ઉચાપત

author img

By

Published : Jan 19, 2021, 10:21 AM IST

ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્ક દ્વારા 66.31 લાખની ઉચાપત
ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્ક દ્વારા 66.31 લાખની ઉચાપત

કુંભારીયા ગામ ખાતે આવેલી ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્ક દ્વારા ત્રણ વર્ષમાં ખાતર સહિતના માલ સામાનની ખરીદી ન કરી હોવા છતાં બોગસ બિલો બનાવી માલ ખરીદી અન્યને વેચાણ કરી રૂપિયા 66.31 લાખની ઉચાપત કરતાં તેમનાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • ત્રણ વર્ષમાં કોઈ ખરીદી ન કરી હોવા છતાં બોગસ બિલો બનાવી કરી હતી છેતરપિંડી
  • કાપોદ્રા ખાતે રહેતા ખેતી નિયામક અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે 2 ની ધરપકડ
  • આરોપીઓએ છેતરપિંડી કરી પૈસા પોતાના અંગત કામો માટે વાપર્યા હતાં

સુરત : કુંભારીયા ગામ ખાતે આવેલી ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્ક દ્વારા ઉચાપત કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં મંડળીના સભાસદો દ્વારા કોઈ ખાતર સહિતના માલ સામાનની ખરીદી ન કરી હોવા છતાં બોગસ બિલો બનાવી માલ ખરીદી અન્યને વેચાણ કરી રૂપિયા 66.31 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. જેમાં પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુપરવાઈઝર નિલેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી

કાપોદ્રા ખાતે રહેતા ખેતી નિયામક અધિકારી સંજય કાંતીભાઈ સોલંકીએ કુંભારીયા ગામ ખાતે આવેલ ધી કુંભારીયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી ભરત નાનજી ખોખર અને મંડળીના ક્લાર્ક- સુપરવાઈઝર નિલેશ રમેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે આરોપી ભરત ખોખરને તેમની કચેરીમાંથી લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ખાતર લગત તમામ ખાતરો પોતે લે-વેચ કરશે તેમજ તમામ હિસાબ, રજીસ્ટરો નિભાવશે તેમ છતાં મંડળીએ રાખેલ ક્લાર્ક નિલેશ પટેલને તમામ ફરજ સોંપી હતી. નિલેશ ગત 2017થી 31 ઓક્ટોબર 2020 સુધીમાં મંડળીના કમિટિ સભાસદોએ ખાતર તથા માલ સામાનની મંડળીમાંથી ખરીદી કરી નહોવા છતાં સભાસદોના નામે ખોટા બીલો બનાવી તેમના નામે ખોટી ઉઘરાણી બતાવી હતી. બનાવેલા બીલો મુજબનો માલ પોતે અન્યને વેચાણ કરી રોકડા રૂપિયા પોતે મેળવી મંડળીમાંથી રૂપિયા 66,31,654ની ઉચાપત કરી હતી.

આખો મામલો ઓડીટમાં બહાર આવ્યો

આરોપીઓએ પૈસા પોતાના અંગત કામોમાં વાપરી મંડળી અને સરકાર સાથે છેતરપિંડી કરી હતી. આખો મામલો ઓડીટમાં બહાર આવ્યો હતો. પોલીસે સંજયભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.