- મહાનગરપાલિકાનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
- પાટીદાર અનામત સમિતિએ કોંગ્રેસને લીધી આડે હાથ
- કોંગ્રેસ પર દાર્દિકનું કદ ઓછું કરવાનો લગાવ્યો આક્ષેપ
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. જે પાટીદાર આંદોલનના કારણે ગુજરાતમાં કોંગ્રેસની બેઠક વધારે આવી હતી, તે જ પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ હવે કોંગ્રેસ વિરુદ્ધ થઈ ગયા છે. આટલું જ નહીં પાસના યુવા નેતાઓએ ETV Bharatને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલનું કદ નાનું કરવા માટે કોંગ્રેસે તેમના લોકોને ટિકિટ આપી નથી. જેથી આવનારા દિવસોમાં કોંગ્રેસને તેની ભરપાઈ કરવી પડશે.
કોંગ્રેસ અમારી સાથે ગેમ કરી રહી હતી
કોંગ્રેસે અચાનક જ પાટીદાર અનામત સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાને ટિકિટ આપી હતી. ધાર્મિક માલવિયા ઉમેદવારીપત્રક ભરવા માટે બળદગાડાથી નીકળી પણ ગયા હતા, પરંતુ અચાનક જ ધાર્મિક માલવિયાએ ઉમેદવારીપત્રક ન ભરવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અંગે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસ ઉપર ગંભીર આરોપ મુક્યા છે. તેમણે જણાવ્યું કે, હાર્દિકનું કદ ઓછું કરવા માટે કોંગ્રેસ રાજકારણ રમી રહી હતી. માત્ર ધાર્મિક ફોર્મ ભરે ત્યાં સુધીની કોંગ્રેસ રાહ જોઈ રહી હતી. કોંગ્રેસ જે ગેમ અમારી સાથે રમી રહી હતી, તે ગેમ અમે પૂર્ણ કરી દીધી છે. હવે કોંગ્રેસના નેતાઓ સુરત કે અથવા કોઈપણ પાટીદાર વિસ્તારમાં જશે, તો ત્યાં તેમને જવાબ આપવો પડશે અને કોંગ્રેસને આ વાતની ભરપાઈ કરવી પડશે.
2 કલાક પછી અચાનક જ પાસે કોંગ્રેસ સામે મોરચો કાઢ્યો
આ સમગ્ર ઘટના પહેલાં પાસના નેતાઓ કોંગ્રેસની વાહ વાહી કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે, પાટીદાર અનામત આંદોલન સાથે કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપ્યું હતું, પરંતુ 2 કલાક પછી અચાનક જ પાસે કોંગ્રેસ સામે મોરચો કાઢ્યો હતો.
પાટીદાર અનામત સમિતિ રોષે ભરાઈ
ધાર્મિકે જણાવ્યું હતું કે, તેમના કહ્યા અનુસાર કોંગ્રેસે 2 ઉમેદવારોને ટિકિટ આપી નથી. આ અગાઉ પણ પ્રદેશ કોંગ્રેસ સાથે આ વાત થઈ હતી. આમ છતાં ટિકિટ નહીં આપવાથી પાટીદાર અનામત સમિતિ રોષે ભરાઈ છે.