- કમલેશ તિવારી હત્યાકાંડના આરોપી પર ગુજસીટોક કાયદો લગાવાયો
- હાલ યુસુફ લખનઉ જેલમાં બંધ છે
- કમલેશ તિવારી હિંદુ સમાજ પાર્ટીના નેતા હતા
સુરત: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલમાં લવાયેલા ગુજસીટોક કાયદા હેઠળ દક્ષિણ ગુજરાતના સુરતમાં પ્રથમ ગુનો નોંધાયો છે. કુખ્યાત આસિફ ટમેટાની ગેગ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેમાં પોલીસે વધુ 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. 5 જેલમાં છે અને અન્યની શોધખોળ ચાલુ છે. સાથે લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યાકાંડના આરોપી યુસુફ ખાન સામે પણ ફરિયાદ નોંધાઇ છે. હાલ યુસુફ લખનઉના જેલમાં છે. હત્યાકાંડમાં ઉત્તર પ્રદેશ એટીએસ અને ગુજરાત એટીએસએ કાનપુરથી યુસુફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. યુસુફ ખાન વિરુદ્ધ આરોપ છે કે તેણે કમલેશ તિવારીના હત્યારાઓને પિસ્તોલ પહોંચાડી હતી.
ગુજસીટોક કાયદા હેઠળ ટામેટા ગેંગમાં કુલ 14 સભ્યો વિરૂદ્ધ ફરિયાદ
ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગુંડાઓ પર અંકુશ લગાવવા ઘ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે અને દક્ષિણ ગુજરાતના સુરતમાં આ કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આ ગુનો સુરતમાં આંતક મચાવી રહેલી ટામેટા ગેંગ સામે નોંધવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે આ અંગે પત્રકાર પરિષદ યોજી હતી અને માહિતી આપી હતી કે આસિફ ટામેટા ગેંગનો મુખ્ય લીડર મુજ્જ્ફ્રરઅલી ઉર્ફે આસિફ ટામેટા જફરઅલી સૈયદ છે અને તેની ટામેટા ગેંગમાં કુલ 14 સભ્યો છે અને તેઓના વિરુદ્ધ ખંડણી, ધાકધમકીઓ, મારામારી, અપરહણ સહિતના 36 જેટલા ગંભીર ગુનાઓ સુરતના સચિન, સલાબતપુરા,ડીંડોલી, ડીસીબી, લીંબાયત,ઉમરા, ખટોદરા, પાંડેસરા સહિતના પોલીસ મથકમાં નોંધાયા છે.
ટૂંક સમયમાં આ પાંચેય આરોપીને ઝડપી પાડવામાં આવશે
તેમજ આ ગેંગના 14 સાગરીતો પૈકી 5 અગાઉ જેલમાં બંધ છે અને હાલમાં 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેમજ 5 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે. તેઓને પકડવાની કામગીરી ચાલુ છે અને ટુક સમયમાં આ પાંચેય આરોપીને ઝડપી પાડવામાં આવશે, તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું