ETV Bharat / city

રૂપાણીના રાજીનામાં બાદ રાજકોટનો વિકાસ થશે કે રૂંધાશે?

author img

By

Published : Sep 11, 2021, 9:59 PM IST

Updated : Sep 11, 2021, 10:20 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યાકે વિજય રૂપાણી મૂળ રાજકોટના હોય તેમજ તેમને રાજકોટના ઘણા વિકાસના કામોમાં મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે રાજકોટને બે મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટ પણ તેમના કાર્યકાળ દરમિયાન મળ્યા છે. ત્યારે તેમણે રાજીનામું આપતા હવે ચર્ચાઓ શરૂ થઇ છે કે, રાજકોટનો વિકાસ થશે કે રૂંધાશે.

  • રૂપાણીએ રાજકોટના ઘણા વિકાસના કામોમાં મહત્વનો ફાળો આપ્યો છે
  • રાજકોટમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તેમને તાત્કાલિક નિર્ણય કર્યો હતો
  • વિજય રૂપાણીની ખોટ હરહંમેશા રાજકોટ માટે વર્તાશે

રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારે આગામી દિવસોમાં ભાજપ દ્વારા વિધિવત રીતે નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવશે. જ્યારે વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપતા તેમના હોમટાઉન એવા રાજકોટમાં પણ અપસેટ સર્જાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી મૂળ રાજકોટના હોવાથી તેમજ તેમને રાજકોટના ઘણા વિકાસના કામોમાં મહત્વનો ફાળો આપ્યો છે. ત્યારે તેમણે રાજીનામું આપતા હવે ચર્ચાઓ શરૂ થઇ છે કે, હવે રાજકોટનો વિકાસ થશે કે રૂંધાશે.

બે મહત્વના પ્રોજેકટ તેમના કાર્યકાળમાં મળ્યા

વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા બાદ રાજકોટને બે મહત્વના કહી શકાય તેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ મળ્યા છે. જેમાં એક એઇમ્સ અને બીજું હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સમાવેશ થાય છે. આ બન્ને પ્રોજેક્ટની કામગીરી તેમની દેખરેખ હેઠળ થતી હતી તેમજ આ બન્ને પ્રોજેક્ટ માટે મુખ્યપ્રધાન રૂપાણી રીવ્યુ બેઠકો પણ સમયાંતરે યોજતા હતા. જ્યારે આ બન્ને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે માટે હંમેશા તેઓ કાર્યશીલ રહેતા હતા, પરંતુ હવે તેમના રાજીનામા બાદ આ બન્ને પ્રોજેક્ટ પર તેની શું અસર થશે તેને લઇને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં રાજકોટને એકમાત્ર એઇમ્સ મળી છે, ત્યારે હાલ એઇમ્સનું કામ પણ પૂરજોશમાં શરૂ છે, પરંતુ મુખ્યપ્રધાન રૂપાણીએ રાજીનામું આપ્યું છે. જેને લઈને રાજકોટમાં આ બે પ્રોજેકટ પર શુ અસર થશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

અનેક નિર્ણય રૂપાણીએ રાજકોટ માટે તાત્કાલિક લીધા છે

રાજકોટ અને એમાં પણ સૌરાષ્ટ્રમાં હરહંમેશા પાણીની સમસ્યા સૌથી મોટી રહી છે, ત્યારે તાજેતરમાં જ રાજકોટના જળસ્ત્રોત એવા આજી ડેમમાં પાણી પૂર્ણ થઈ ગયું હતું. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને તાત્કાલિક સૌની યોજના મારફતે પાણી આપવા માટેની વિનંતી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને વિજય રૂપાણીએ પણ સૌની યોજના મારફતે આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની સૂચના આપી હતી અને રાજકોટમાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે તેમને તાત્કાલિક નિર્ણય કર્યો હતો. જ્યારે આવા અનેક નિર્ણય તેમણે રાજકોટ માટે તાત્કાલિક લીધા છે.

વિશેષ લગાવ રાજકોટ પત્યે હતો : સુનિલ જોશી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યારે રાજકોટના વરિષ્ઠ પત્રકાર એવા સુનિલ જોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન એ કોઈ એક વિસ્તારના ન હોય પરંતુ રાજ્યના હોય છે. જ્યારે વિજયભાઈનો રાજકોટ પ્રત્યેનો લગાવ હતો તે સ્પષ્ટ દેખાઈ આવતું હતું. વિજયભાઈના કાર્યકાળમાં મહત્વના પ્રોજેકટ રાજકોટને મળ્યા છે. આમ તેમનો વતન પ્રેમ રાજકોટ માટે દેખાઈ આવતો હતો. જ્યારે હવે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યારે તેઓની ખોટ હરહંમેશા રાજકોટ માટે વર્તાશે.

સુનિલ જોશી

ગુજરાતના રાજકારણનું રાજકોટ પોલિટિકલ સેન્ટર

સુનિલ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકારણનું પોલિટિકલ સેન્ટર રાજકોટ રહ્યું છે. જ્યારે અગાઉના મુખ્યપ્રધાનોની વાત કરવામાં આવે તો કેશુભાઈ પટેલ તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ રાજકોટ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. એવામાં રાજકોટના જ વતની એવા વિજય રૂપાણીનું નામ પણ સામેલ થયું હતું. જયારે રાજકોટે અગાઉ નાણાપ્રધાન વજુભાઈ વાળાને પણ આપ્યા છે એટલે કે રાજકોટને હરહંમેશથી ગુજરાતના રાજકારણનું પોલિટિકલ સેન્ટર માનવામાં આવે છે. જ્યારે વિજયભાઈએ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે, ત્યારે તેઓ હજુ ભાજપમાં જ રહેશે અને અને અન્ય પદ પર રહીને પોતાની કામગીરી કરશે.

Last Updated :Sep 11, 2021, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.